ટંકારીયા ગામમાં નજીવી બાબતના ઝઘડામાં ભાઇના હાથે જ ભાઇનું કરૂણ મોત…

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના નાના પાદર ખાતે નજીવી બાબતના ઝઘડામાં ભાઇના હાથે ભાઇનું કરૂણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ટંકારીયા ગામના નાના પાદર ખાતે ગતરાત્રીના વિક્રમ ગુલાબભાઇ વસાવા રહે. ટંકારીયા તથા કલ્પેશ ઉર્ફે લાલા રમણ વસાવા રહે. ટંકારીયા નાઓ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિક્રમના મોટાભાઇ રાજુ ગુલાબ વસાવા રહે. ટંકારીયા નાઓએ વિક્રમનું ઉપરામણું લઇ કલ્પેશને રાજુએ પોતાના હાથમાં રહેલા લાકડાના ડંડા વડે એક સપાટો બરડાના ભાગે માર્યો હતો.  ત્યારબાદ રાજુ કલ્પેશને બીજો સપાટો મારવા જતા કલ્પેશ ખસી જતા રાજુનો ભાઇ વિક્રમ જે બાજુમાં ઉભો હતો તેના માથાના ભાગે લાકડાનો ડંડો વાગી જતા વિક્રમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા વિક્રમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી કરી મરણ જનાર વિક્રમના મૃતદેહનો કબ્જો મેળવી પી એમ અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. ઘટના સંદર્ભે પોલીસે રાજુની ધરપકડ કરી હતી. બનાવ સંદર્ભે ગુલાબભાઇ ચીમનભાઇ વસાવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાઇના ઝઘડામાં ભાઇનું ઉપરામણું લેવા ગયેલા ભાઇના હાથે જ ભાઇનું મોત થતા ટંકારીઆ પંથકમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*