મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા કોસાડીના પૂરગ્રસ્ત પરિવારોને રાહત કિટનું વિતરણ

ટંકારીઆ ગામના મિત્ર મંડળના સ્વયંસેવકોના સહયોગથી માનવતાનું અનોખું ઉદાહરણ; 

સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર…

તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કિમ નદી કાંઠે આવેલા કોસાડી ગામમાં પણ ભારે પૂર આવતાં અનેક પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ દુઃખદ પરિસ્થિતિમાં મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા તાત્કાલિક માનવતાની ભાવનાથી રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સૌ પ્રથમ મિત્ર મંડળના પ્રતિનિધિઓએ સ્થળ પર પહોંચી સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારોનો વિગતવાર સર્વે કર્યો હતો. સર્વેના આધારે પૂરગ્રસ્ત પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સુનિયોજિત રીતે રાહત સામગ્રી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ આયોજનના અનુસંધાનમાં ગત રોજ વહેલી સવારે ટંકારીઆની ટીમ કોસાડી ગામે પહોંચી હતી. કિમ નદીના પ્રચંડ પૂરથી ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી રક્ષણાત્મક દીવાલ તૂટી જતાં નદીનું પાણી થોડા જ સમયમાં ગામમાં ફરી વળ્યું હતું. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું હતું, જ્યારે પતરાંના શેડવાળા કેટલાક મકાનો સંપૂર્ણપણે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારો ઘરવખરી અને દૈનિક ઉપયોગની આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત બની ગયા હતા.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આશરે ૮૦ સ્વયંસેવકો અને ગામ આગેવાનોના સહયોગથી સ્થાનિક જવાબદારોની ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરિયાતની ઘરવખરી, આવશ્યક ખાદ્ય સામગ્રી તેમજ વિદ્યાર્થીઓ માટે જરૂરી શૈક્ષણિક અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ સહિત ૫૦ થી વધુ આવશ્યક વસ્તુઓ ધરાવતી  ૧૦૦ રાહત કિટોનું વિતરણ જૂની કોસાડી, લુવારા, આકરોટ અને મોટી નરોલી ગામના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાહત અભિયાન દરમિયાન પારદર્શિતા, સુવ્યવસ્થિત આયોજન અને માનવસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.  કાર્યકરોએ અસરગ્રસ્ત પરિવારો સુધી મદદ સમયસર અને સન્માનપૂર્વક પહોંચે તે માટે વિશેષ કાળજી લીધી હતી.

આ સેવાકાર્યથી પ્રભાવિત થઈ કોસાડી ગામના આગેવાનો અને ગ્રામજનોએ તાત્કાલિક એક સંક્ષિપ્ત સભાનું આયોજન કરી મિત્ર મંડળ ટંકારીઆ તથા સમગ્ર ટંકારીઆ ગામના સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં મળેલી આ નિઃસ્વાર્થ સહાય તેમના માટે માત્ર રાહત સામગ્રી નહીં, પરંતુ માનવતા, સંવેદના અને સમાજની એકતાનું જીવંત પ્રતીક છે. તેમણે સમગ્ર ટીમના કલ્યાણ અને પ્રગતિ માટે શુભેચ્છાઓ અને દુઆઓ પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ટંકારીઆના સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે સમાજ જ્યારે સંકટમાં હોય ત્યારે દરેક વ્યક્તિ અને સંસ્થાની સામાજિક જવાબદારી વધુ મહત્વની બની જાય છે. ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ટંકારીઆના લોકો સતત પ્રતિબદ્ધ રહેશે.

“માનવ સેવા એ જ સર્વોત્તમ સેવા” ના ધ્યેયને સાકાર કરતાં ટંકારીઆ ગામે સાબિત કર્યું છે કે આપત્તિના સમયમાં સંગઠિત સમાજ જ સૌથી મોટી શક્તિ બની શકે છે.

GUJARAT TODAY 06/08/2026


Instagram Short Reel જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

Credit: BBuzz Media Bharuch & UK

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*