Hazrat Maulana Mufti Ibrahim Tankarvi (Achchodi)
હઝરત મૌલાના મુફતી ઇબ્રાહીમ ટંકારવી (આછોદી)
જન્મ: ૦૧-૦૬-૧૯૪૦ મૃત્યુ: ૨૬-૧૨-૨૦૨૧
સંકલન: મહેક ટંકારવી
ગોધરાના દારુલ ઉલૂમ વણાંકપુરમાં શૈખુલ હદીષની ઉચ્ચ ઇસ્લામિક શૈક્ષણિક પદવી ધરાવતા મુફતી ઇબ્રાહીમ સાહેબે રવિવાર ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાત્રિના પ્રથમ પહોરમાં આશરે ૧૧ વાગ્યે ફાની દુનિયાને અલવિદા કહેતાં ગોધરા સહિત રાજ્યભરના મુસ્લિમોમાં દુ:ખની લાગણી છવાઇ ગઇ હતી. ટંકારીઆમાં પ્રાથમિક દીની દુન્યવી તાલીમ મેળવી, પ્રથમ ડાભેલ અને ત્યાર પછી સહારાનપુર અને દેવબંદ જેવા ખ્યાતનામ દારુલ ઉલૂમોમાં દીની તાલીમ પૂર્ણ કરી, જે વર્ષે તેમની સાથે ટંકારીઆ કુમાર શાળામા ભણવાનું સદભાગ્ય જેમને પ્રાપ્ત થયું હતું તેવા અમે કેટલાક મિત્રો (હું પોતે, અદમ ટંકારવી, આદમ માસ્તર ચવડી, અલી ભીમ વગેરે) જુદી જુદી યૂનિવર્સિટીઓમાંથી સ્નાતકની ડિગ્રીઓ મેળવીને આવ્યા હતા તે જ વર્ષે એટલે કે ૧૯૬૨માં તેઓ દારુલ ઉલૂમ દેવબંદથી આલિમ-મુફતીની સનદ મેળવી ફારિગ થયા હતા. ત્યાર બાદ ગુજરાતના અનેક દીની ઇદારાઓમાં ખિદમત આપી છેલ્લે તેઓ ઠેઠ ૧૯૮૩થી ગોધરાના દારુલ ઉલૂમ વણાંકપુરમાં ખિદમત આપતા હતા. તેમણે ૩૮ વર્ષ સુધી ત્યાં આ ખિદમત આપી હતી. તેમના હાથ નીચે ઉચ્ચ દીની તાલીમ હાંસલ કરનાર ગોધરા સહિત દેશભરના અનેક મૌલાનાઓની મોટી નામાવલિ છે.
તેઓ મૂળ ટંકારીઆના પણ તેમના વાલીદ કુટુંબ સહિત સ્થળાંતર કરી જંબુસર તાલુકાના આછોદ ગામે રહેવા ગયા હતા અને ત્યાં જ વસી ગયા હોવાથી તેઓ પોતાને આછોદી તરીકે પણ ઓળખાવતા હતા, પરંતુ ૧૯૮૩થી તેમણે ગોધરાને પોતાનું વતન અને દારુલ ઉલૂમ વણાંકપુરને પોતાનું ઘર બનાવ્યું હતું. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. ટૂંકી સારવાર બાદ તેમનો ઇન્તેકાલ થતાં તેમની દફનવિધિ વેજલપુરમાં કરાઇ હતી ત્યારે રાજ્યભરના મુસ્લિમો ઉમટી પડયા હતા. મુફતી મોહમ્મદ હારુન નદવીના શબ્દોમાં “કિસી બાદશાહ કી ભી એસી શાન નહીં જો ઇસ મરહૂમ કી થી.”. દારુલ ઉલૂમ વકફ દેવબંદના મોહતમીમ મૌલાના સુફયાન કાસમીએ તેમના સંદેશમાં “અલ્લાહ તઆલા મરહુમો મગફુર કો અપની બેકરાં રેહમતોં કે વસીલે સે ઇલ્લિયિન કે હલકએ સિદ્દિકૈનમેં જગા અતા ફરમાએં” એમ કહીને દુઆ ગુજારી હતી.
‘ટંકારીઆથી આછોદ થઇને ગોધરા’ શિર્ષક હેઠળ પોતાની શ્રદ્ધાંજલિમાં મુહમ્મદ હનીફ ટંકારવી લખે છે: “મરહુમનું બાપદાદાનું વતન ટંકારીઆ છે અને મોસાળ આછોદ છે. નાના નાનીના ઇન્તેકાલ પછી વારસામાં કેટલીક જમીન, મકાન વગેરે વસ્તુઓ તેમના વાલીદાને આપવામાં આવી હતી. એ બધાની હિફાઝત અને વ્યવસ્થા કરવાના કારણે મરહુમના વાલીદ, વાલીદા પોતાનાં બાળકોને લઇને આછોદ સ્થળાંતર કરી ગયાં હતાં. આજે પણ ટંકારીઆમાં મરહુમના કુટુંબીઓ વસેલા છે. એમના ખાનદાનને “બારીવાલા”ના નામથી ઓળખવામાં આવે છે. મરહુમના વાલીદ સાહેબ સોમો સલાતના ઘણાં પાબંદ હતા અને ગામમાંથી બિદઅતને નિર્મૂળ કરવામાં પણ અગ્ર ભાગ ભજવનાર લોકોમાંના એક હતા. મરહુમના બે ભાઇઓમાંથી એક તો પહેલાંથી જ અલ્લાહને પ્યારા થઇ ગયા હતા અને બીજા એક ભાઇ હયાત છે જે ભરૂચ શહેરમાં રહે છે. મરહુમની એક બહેન નામે ઝુલેખાંનો હમણા એકાદ વર્ષ પર ટંકારીઆમાં જ ઇન્તેકાલ થયો હતો અને દફન પણ ત્યાંજ થયાં છે. મરહુમનો ટંકારીઆ સાથેનો સંબંધ ઘણો જ મજબૂત હતો. છેલ્લે સુધી ટંકારીઆની બરાબર મુલાકાત લેતા રહ્યા હતા અને જુના લોકો, વયોવૃદ્ધો અને નવજુવાનોને પણ નામોની સાથે ઓળખતા હતા. જ્યારે પણ બાપદાદાના વતનની મુલાકાતે આવતા ત્યારે એમના રૂહાની બયાનનો લાભ લોકોને જરૂર મળતો.
એકવાર સંજોગોવસાત બજારમાં મદ્રસાનો જલસો હતો જેમાં આપ પણ પધારેલા હતા. હઝરત મૌલાના યુસુફ સાહબ ટંકારવીએ તેમનો પરિચય કરાવતાં કહ્યું કે આજે તો આપણી વચ્ચે આપણા મુફતી સાહેબ બારીવાલા પણ તશરીફ લઇ આવ્યા છે જેઓ પોતાને આછોદી કહેવડાવે છે તો મરહુમ ખૂબ હસ્યા અને ગુજરાતીમાં કહ્યું “હારુ લા, અવે ચાલે એ તો…”
મરહુમ હઝરત બિલયાવી રહ. અને હઝરત મરહુમ ફખરુદ્દીન મુરાદાબાદી રહ. ના ખાસ શાગિર્દોમાંના હતા. તૌહીદના પાકા અને આશીકે રસુલ (સલ.) હતા. સ્વભાવ પણ તદ્દન સાદો. જ્યારે હજ માટે રવાના થયા તો માત્ર બે જોડ કપડાં જ સાથે લઇને ગયા હતા હજથી પરત આવ્યા તો બસ તે જ બે જોડ કપડાં સાથે લઇને પરત આવ્યા. લગભગ અડધી જિંદગી દા.ઉ. ગોધરામાં ઇલ્મના પ્યાસાઓને ઇલ્મની સરવાણીઓથી ભીંજવતા રહી આ ઇલ્મો અમલનો આફતાબો મેહતાબ અંતે છૂપાઇ ગયો.”
એમના ઇંગ્લેન્ડના એક ચાહકે ઘણીજ મોંઘી કીમતનું સ્વેટર એમને એમ કહીને ભેટ આપ્યું કે આ ખાસ તમારા માટે જ છે, તમે પહેરજો, તો એમણે તેમના આગ્રહને વશ થઇ પહેર્યું તો ખરું અને પછી તરત જ ઉતારી નાંખી બીજા કોઇને હદીયામાં આપી દીધું. ટંકારીઆ આવતા તો મસ્જિદના સહેનમાં બેસી જઇ દીનની વાતો કરતા અને લોકોને દીનની વાતો સાંભળવા તેમની પાસે બેસવા બોલાવતા.
એક મુખલિસ આલિમે દીન, અલ્લાહવાળા, ફનાફિલ્લાહના મુકામ પર પહોંચેલા આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય થઇ અલ્લાહને પ્યારા થઇ ગયા. તેમના ખાસ દોસ્તોમાં દારુલ ઉલૂમ દેવબંદના શૈખુલ હદીષ મરહુમ મૌલાના મુફતી સઇદ અહમદ પાલનપુરી (રહ.) અને દારુલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરના મૌલાના ઇબ્રાહીમ સાહેબ ઇન્દોરી જેવાનો સમાવેશ થતો હતો.
અલ્લાહ મરહુમની મગફિરત ફરમાવે, તેમની અપાર દીની ખિદમતોને કબુલ કરે,અને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકાન નસીબ ફરમાવે.
What a scholarly characteristic article written on a well known Islamic scholar of Tankaria. Most of his life spent outside of his motherland Tankaria because of his profession. I have seen and met him during his few visits to Tankaria and found him kind, intelligent and having vast knowledge of Islam that made him popular among other scholars. Congratulations to Mahek Tankarvi to enlighten such a gem of Tankaria in Kahan Gaye Wo Log!!! May Allah Almighty elevate his status In Jannatul Firdosh, Ameen. Well done Mahek Saheb for the wonderful article and identifying such a scholarly individual on the shining history of stars of Tankaria. Salam from Ismail Saheb Khunawala, London.