Yakub Vali Bhim (Zakir Tankarvi)

યાકુબ વલી ભીમ (ઝાકીર ટંકારવી)

જન્મ તા. ૦૧-૦૧-૧૯૪૯ મરણ તા. ૨૭-૧૨-૨૦૧૯

રજૂ કર્તા: મુબારક ઘોડીવાલા ઉર્ફે દર્દ ટંકારવી

“કહાં ગયે વો લોગ” વિભાગમાં એવી વ્યક્તિઓની વાત કરવામાં આવે છે જેમણે પોતાના આગવા યોગદાનથી ટંકારીઆ ગામની યશગાથા અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો હોય.

અહીં આપણા ગામને દેશ વિદેશમાં પોતાની કલમથી આગવી ઓળખ અપાવનાર એક ઉત્તમ શાયર અને આદર્શ શિક્ષકની કેટલીક ખાસ વાતો કરી તેઓને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. એ વ્યક્તિ વિશેષ એટલે મર્હૂમ યાકુબ સાહેબ ભીમ, જેઓને ગુજરાતી સાહિત્ય જગત ‘ઝાકીર’ ટંકારવીના ઉપનામથી વિશેષ ઓળખે છે.

યાકુબ સાહેબ જેટલા ઉમદા કવિ અને શિક્ષક હતા એટલા જ, શાંત અને ચિંતનશીલ સ્વભાવના એક ઉમદા માણસ પણ હતા. કાયમ મનમોહક સ્મિત સાથે ગામની શેરીઓમાં ફરતા દેખાય. હાથમાં સેલથી ચાલતો નાનો પંખો હોય તો કયારેક ગુલાબનું ફૂલ હોય. તેઓશ્રી કાર્યક્રમો અને મુશાયરાઓના સારા સંચાલક પણ હતા. પોતાને કંઠસ્થ હોય તેવી પોતાની અને અન્ય કવિઓની અનેક રચનાઓમાંથી પ્રસંગ અને પરિસ્થિતિને અનુરૂપ ઘણીવાર આખીને આખી ગઝલ કે કવિતા અને કોઇ વાર એકબે શે’ર કે મુકતક પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને બરાબર જકડી રાખી કાર્યક્રમ કે મુશાયરાને અંત સુધી જીવંત રાખતા.

શ્રી ઝાકીર ટંકારવી એટલે ખૂબ જ ઊંડી અને વાસ્તવિક ગઝલોના રચયિતા. તેઓએ પોતાના વ્યક્તિત્વ મુજબ ટૂંકા વજનની ખૂબ જ ઉમદા સૂફી ગઝલો ગુજરાતી અને ઉર્દૂ ભાષાઓમાં આપણને આપી છે. તેઓની આંખે ઊડીને વળગી છે તેવી એક વાત જણાવું. તેઓ જેવું લખતા હતા મોટા ભાગે એવું જ જીવી પણ ગયા. તેમણે ટંકારીઆ હાઇસ્કૂલમાં ગુજરાતી વિષયના એક આદર્શ શિક્ષક તરીકે વર્ષો સુધી ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. માધ્યમિક શાળામાંથી જ કવિતા પ્રત્યે રસ પેદા થવા માટેનો સંપૂર્ણ શ્રેય ઝાકીર સાહેબને મળવો રહ્યો. એમની પાસે કવિતાનો પાઠ શીખવાની વિદ્યાર્થીઓને ઘણી મજા આવતી કેમકે પોતે કવિજીવ હોવાથી કવિતાનું હાર્દ બરાબર સમજી જતા અને તેનું કાવ્યમય ભાષામાં જ વર્ગમાં નિરૂપણ કરતા. કવિતા ભણાવતાં ભણાવતાં ઘણીવાર ભાવવિભોર થઇ જતા. લગણીઓના પ્રવાહમાં ખુદ તણાતા અને વિદ્યાર્થીઓને પણ એનો અનુભવ કરાવતા. ખૂબ જ નાની કવિતામાંના ગર્ભને સરળ અને સરસ રીતે સમજાવી વિદ્યાર્થીઓ માટે સહજ કરી આપતા. કવિની કલ્પનાને વર્ગખંડમાં વાસ્તવિક રીતે રજૂ કરવા માટે તેઓ દસ બાર જેટલા તાસ લેતા.

આકાશવાણી પરથી અવારનવાર એમનાં કાવ્યો અને વાર્તાલાપ પ્રસારિત થયાં છે. દૈનિક ‘ગુજરાત ટુડે‘ અને ‘ગુજરાત મિત્ર’માં એમના લેખ, નિબંધ અને ગઝલો અવારનવાર પ્રગટ થયેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ૧૯૯૦માં એમનો ગઝલસંગ્રહ “સ્પંદન” પ્રગટ થયો હતો જેને સારો આવકાર મળ્યો હતો. એમની લખેલી ૨૦૦ કરતાં વધારે ગઝલો અપ્રગટ રહી ગઇ છે એટલે મરણોત્તર એમનો બીજો ગઝલસંગ્રહ પણ એમની યાદમાં પ્રગટ થઇ શકે એમ છે. એ માટે આર્થિક સહાયનો કોઇ પ્રબંધ થાય તો એમનો આ બીજો ગઝલસંગ્રહ પણ ગઝલચાહકો સુધી પહોંચી શકે એમ છે.

તેઓમાં ખરા અર્થમાં એક ઓલિયા જેવા ફકીર જીવતા હતા. જેની સાબિતી રૂપે જાતે અનુભવેલો એક કિસ્સો આજે આપ સહુ સાથે વહેંચવો છે. ડ્ડહવે તેઓ હાજર નથી એટલે જઢ્ઢ આપ સહુને ખબર હશે જ કે ગુજરાતના ખ્યાતનામ અને જાણીતા ગાયક સંજય ઓઝા દ્વારા કમ્પોઝ કરવામાં આવેલી સૂફીરંગની “લે હાથે કરતાલ ફકીરા” ગઝલે દેશ અને દુનિયામાં ખૂબ જ વાહવાહી મેળવેલી. આ ગઝલના રચયિતા હતા શ્રી ઝાકીર ટંકારવી સાહેબ.

આ સુખદ ઘટનાની મુબારકબાદી આપવા માટે હું તેમને રૂબરૂ મળવા ગયો, કારણ કે ટંકારીઆ ગામ માટે આ ખૂબ જ ગૌરવની બાબત હતી. તેઓ સાથે વાર્તાલાપ કરતાં જાણવા મળ્યું કે તેઓની ગઝલના કમ્પોઝીશન માટે ગાયક તરફથી તેઓની પૂર્વમંજુરી લેવામાં આવી ન હતી. મેં તેઓશ્રી સાથે આ બાબતે આગળની કાર્યવાહી કરવાની વાત કરી કારણ કે આ માટે તેઓને જે માન સાથે વળતર મળવું જોઇતું હતું તે એમને મળે એવી મારી નેમ હતી. પરંતુ હું ભૂલી ગયો હતો કે આ તો એક અલગારી ખુદા પરસ્ત સર્જક છે. તેઓએ તરતજ મારી વાતને ખૂબજ કુનેહપૂર્વક નકારતાં કહ્યું કે બેટાક્ષ્ શું સાથે લઇ જવાનું છેઈ ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જ જવાનું છે. વધુમાં ઉમેર્યું કે આપણે ભલા, આપણો પાલનહાર ભલોક્ષ્ આ સાંભળી હું ગદગદિત થઇ ગયો અને સફળ જીવનનો એક કીમતી બોધ તે દિવસે મેં મારા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો.

આવા ખુદાપરસ્ત અલગારી, મસ્ત મૌલા, ઉત્તમ છતાં નામનાની મોહમાયાથી ખૂબ લાંબુ અંતર રાખનાર, ઉત્તમ શિક્ષક અને સર્જક એવા શ્રી ઝાકીર ટંકારવી સાહેબ,

લે હાથે કરતાલ ફકીરા, સૌની સાથે ચાલ ફકીરા
સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકીરા
બંને હાથે ખાલી જાશું, આજ નહીં તો કાલ ફકીરા

ગાતા ગાતા આ ફાની દુનિયાને છોડી, સદા જેનામાં તલ્લીન રહ્યા એવા આપણા પાલનહારને રૂબરૂ થવા આપણા સૌને અલવિદા કહી અનંત યાત્રાએ ઉપડી ગયા છે. તેઓના જવાથી જે ખોટ ઊભી થઇ છે એને પૂરવી આપણા માટે મુશ્કેલ છે.

અલ્લાહ મરહુમની મગફિરત ફરમાવી તેમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ અતા ફરમાવે. આમીન.

5 Comments on “Yakub Vali Bhim (Zakir Tankarvi)

  1. Salam, Allah marhumni magfirat farmave, Jannatul Firdos ape. Very kind and nice teacher in Tankaria. All the time happy.
    Jazakallah Yakub bhai. Allah jaza-e-khair ape. Dua ma yad.

  2. ‘દર્દ’ ટંકારવીને કોટિવાર અભિનંદન. કાગઝ પે રખ દિયા હૈ કલેજા નિકાલ કે…ગુર્જરગિરાના ગૌરવવંતા ગઝલકાર ‘દર્દ’ ટંકારવીનો પોતાના કવિમિત્ર ‘ઝાકીર’ ટંકારવીને શ્રદ્ધાંજલિ પ્રસ્તુત કરતો લેખ વાંચી અતિ આનંદ થયો. ‘દર્દ’ ટંકારવી એક સમર્થ અને સક્ષમ શબ્દ સ્વામી અને શબ્દ શિલ્પી હોવાના કારણે એઓશ્રીની કલમથી લખાયેલ શબ્દાંજલિ એની પરાકાષ્ઠાએ પહોંચી છે. “કહાં ગયે વો લોગ” લેખમાળામાં અત્યાર સુધી જે શૂન્યાવકાશ જણાતો હતો તે દૂર થયો. આશા રાખું છું કે વાંચકોને વધુ રસપ્રદ લેખો મળતા રહે એજ અપેક્ષા સહ મારો એક શેર ટંકારવી ગઝલકારોને અર્પણ કરતાં આનંદ અનુભવું છું.

    ‘ઝાકીર’ના દર્દને પામવા ‘સાગર’ ઘુઘવે ગગન સુધી,
    ‘ગુલદાર’ના ઉપવન મહીં, ‘મહેક’ ને ‘અઝીઝ’ છે ’અદમ’થી ‘કદમ’ સુધી

    *‘સાગર’ ટંકારવી (અલી ભીમ, યુ.એસ.એ.)

  3. Allah subhanu tala marhum ne Jannat ma aala mukam ata kare evi dua, Ameen. Nice person. Very good teacher in my high school life. A legend of Tankaria. Thank you Mubarak bhai for remembering late Yakub Sahib.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*