Ismail Adam Gajjar

ઇસ્માઇલ આદમ ગજ્જર

IsmailAdamGajjar

જન્મ: ૧૯૨૯? મરણ: ૨૦૧૪

□ યાકૂબ બાજીભાઇ ભૂતાવાલા

ગામમાં ઇસ્માઇલભાઇ ગજ્જરને નાનાં મોટાં સૌ ઓળખે. વર્ષોથી બાપની બિસ્કિટ, ભૂસુ, ચણાં-મમણા અને સ્વીટ-ચોકલેટની બજારની વચ્ચોવચ આવેલી નાની સરખી દુકાન. પિતાની ઉંમર થતાં દુકાન ચલાવવાની જવાબદારી ઇસ્માઇલભાઇને સોંપવામાં આવી. એમના નરમ સ્વભાવ, ઇમાનદારી, ગ્રાહક ગમે તેવું બોલે, અપમાન કરે તોયે તેને હસતા મુખે સહન કરી લેવાની ટેવ જેવા ગુણોને કારણે ધીરે ધીરે તેમનું મિત્રમંડળ અને ગ્રાહકો પણ વધતા ગયા. દુકાન સરસ ચાલવા માંડી.

ગામમાં આજે પણ પોંકની સીઝન આવે એટલે પોંક સાથે સેવ તો જોઇએ જ, જે લેવા માટે લોકો તરત જ ગજ્જરની દુકાને દોડી જતા. એમની દુકાનનું ભૂસું પણ હંમેશાં એટલું જ તાજું અને સ્વાદિષ્ટ. નાનું છોકરું પણ એમની દુકાને પાંચ કે દસની નોટ લઇને કંઇ લેવા માટે આવે તો તેને જોઇતી વસ્તુ બરાબર આપીને વધેલા પૈસાનું પડીકું વાળી તેના હાથમાં મૂકી સાચવીને લઇ જવા માટે સૂચના આપે. એકવાર એક નાની છોકરીથી છૂટા આપેલા પૈસાનું પડીકું કયાંક ખોવાઇ ગયું એટલે તે પોક મૂકીને રડવા લાગી. ઇસ્માઇલભાઇએ તેને બોલાવી આમ રડવાનું કારણ પૂછયું તો છોકરીએ કહ્યું કે મારાથી છૂટા આપેલા પૈસા ખોવાઇ ગયા છે, મને મારી મા બહુ મારશે. એટલે તેમણે દયા ખાઇને છોકરીને માર અને ઠપકાથી બચાવવા બીજા એટલા જ પૈસા ગણીને પડીકામાં ફરીથી બાંધી તે છોકરીને આપી દીધા. આ બનાવ બન્યો ત્યારે હું પોતે ત્યાં હાજર હતો. આ હતી તેમની ઉદારદિલી.

હું પણ તે જમાનામાં દુકાન કરતો. મારી દુકાન એમની પડોશમાં જ હતી. અવારનવાર એકબીજાનું કામ પડે ત્યારે તેમણે હંમેશાં હસતા મોઢે સહકાર આપી મદદ કરેલી છે. સામાન્ય રીતે તો પડોશની દુકાનવાળા સાથે હરીફાઇ જેવું રહેતું હોવાથી સંબંધો સારા હોતા નથી. પણ અમારી બાબતમાં એનાથી ઉલ્ટું હતું.

એમના જીવનમાં બે કરુણ બનાવો બનેલા. એમના પિતાશ્રી તરફથી વારસામાં તેમનો પેટ્રોમેક્ષ (petromax = a type of pressurised paraffin lamp) નો ધંધો પણ એમને મળેલો. તે જમાનામાં વીજળીના દીવા ન હતા એટલે વારતહેવારે આ પેટ્રોમેક્ષની જરૂર પડતી જે લોકો ગજ્જરને ત્યાંથી ભાડે લઇ જતા. એકવાર પેટ્રોમેક્ષ સળગાવતાં મોટો ધડાકો થયો અને એ ભાઇ ખૂબ દાઝેલા. ઇજાઓ ગંભીર હતી અને ગામમાં દરેકને એમ હતું કે ઇસ્માઇલભાઇ કદાચ બચશે નહીં. પણ કુદરતે એમને એમાંથી આબાદ બચાવી લીધા. બીજીવાર સોડાલેમનની બોટલો મશીનમાં ભરતાં બાટલી તૂટી જતાં જોરથી ધડાકો થયેલો. તૂટેલી બોટલના કાચ ઇસ્માઇલભાઇની એક આંખમાં પેસી ગયા. આ બન્યું ત્યારે પણ હું બજારમાં જ હતો. જુમ્માનો દિવસ હતો. હોસ્પિટલે લઇ ગયા, ખબર આવી કે એ આંખ હંમેશને માટે ચાલી ગઇ છે અને એની જગ્યાએ નકલી આંખ બેસાડી આપી છે. ગામમાં કોઇ છોકરું આપદા પાડતું હોય અને એની મા ઇસ્માઇલભાઇને કહે કે આ છોકરાને જરા આંખ બતાવજો તો ઈસ્માઇલભાઇ પેલી નકલી આંખ બહાર કાઢીને બતલાવે એટલે છોકરું કુતૂહલવશ છાનું થઇ જતું!

ગામમાં વર્ષો સુધી ડૉકટર તરીકેની સુંદર અને એકધારી સેવા આપનાર ડૉ શુકલ સાહેબે એમને ઇંજેકશન મારતાં શીખવાડેલું. ત્યાર બાદ કોઇ દદીંને નિયમિત લાંબા સમય સુધી ઇંજેકશનનો કોર્સ કરવાનો હોય તો શુકલ સાહેબ એ કામ ઇસ્માઇલભાઇને સોંપી દેતા. રાતના અંધારામાં ડૉ શુકલ જેમ જ હાથમાં ટોર્ચલાઇટ લઇને દદીંની સેવામાં દોડી જતા અને ઇંજેકશન મારવાની ફી, તે જમાનામાં એક રૂપિય હતો, તે પણ જો દદીં પાસે ન હોય તો તેને માફ કરી દેતા. મારી મર્હૂમ પત્ની આયશાને મેનિનજાઇટિસ થયેલો. એમણે તે વેળા મારી પાસેથી એક પણ પૈસો લીધા વગર ઇલાજ કરેલો. કહે કે હું તો મારા પડોશીનો હક અદા કરું છું. એમના એ એહસાનનો બદલો મારાથી આમ તો ચૂકવાઇ એમ ન હતો પણ હું પણ મારાથી બને એ રીતે એમની સાથે માણસાઇપૂર્વક વર્તી લેતો.

ગામમાં એમનું કોઇ ગ્રાહક ઉધારે રાખેલા પૈસા ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો એ તેને માફ કરી દેતા. કોઇ ગુસ્સો કરે તો સામો જવાબ ન દેતાં સહન કરી લેતા. એકવાર ગુસ્સે થયેલા એક ગ્રાહકે એમને સ્વીટ ચોકલેટનો કાચનો કબાટ તેઓ જ્યાં મૂકતા હતા ત્યાંથી ઉઠાવી લેવાની અને એમ ન કરે તો તે તોડી નાંખવાની ધમકી આપી. બન્યું હતું એવું કે એ ભાઇનાં છોકરાં એ કાચના કબાટમાંની ચોકલેટ જોઇને તે લેવા માટે જીદે ચઢયાં હતાં અને એ ભાઇ પાસે એ ખરીદવા પૂરતા પૈસા ન હતા. ઇસ્માઇલભાઇએ એમની એ ધમકી અને દાદાગીરીને સહન કરી લીધી. ચારપાંચ દિવસ પછી પેલા જ ભાઇ દુકાને આવીને પચાસેક રૂપિયાની ખરીદી કરી ગયા અને પોતાના અપમાનકારક વર્તાવ બદલ તેમની માફી પણ માંગી ગયા.

છેલ્લાં ત્રણેક વર્ષથી એમની સારી આંખે પણ ઝાંખ વળતાં દેખાવાનું બંધ થઇ ગયું હતું. પોતે લાચાર થઇ ગયા હોવા છતાં એમના દીકરા યુનુસ સાથે સ્કૂટર પર બેસી જુમ્માની નમાઝ માટે મસ્જિદમાં અચૂક હાજર થતા. લોકોને સલામ કરતા, અવાજ ઓળખે તો નામથી બોલાવતા. મારો અવાજ કોઇ વાર ઓળખે. કોઇ વાર ભૂલી પણ જાય. એમની દફન ક્રિયામાં હું હાજર હતો. ગામ અને બહારગામના એમના સેંકડો ચાહકો જનાજાની નમાઝમાં હાજર હતા. બીજા દિવસે મને કોઇએ કહ્યું કે ડૉ શુકલ સાહેબનો દીકરો ભદ્રેશકુમાર પણ એમના અવસાનના સમાચાર જાણી એમના ઘરે દિલસોજી વ્યક્ત કરવા આવેલો અને એમના નિખાલસ સ્વભાવને અને પોતાના પિતા અને કુટુંબ સાથેની એમની જૂની દોસ્તીને યાદ કરીને રડી પડેલો! આજુબાજુના ગામોના હિન્દુ ભાઇઓ પણ એમને યાદ કરીને કહેતા કે આપણા સમાજે એક અચ્છો ઇન્સાન ગુમાવ્યો છે.

અલ્લાહ પાક એમની મગફેરત કરે અને એમને જન્નતુલ ફિરદોસમાં જગા અતા ફરમાવે. આમીન.

સબ ઓઢ લેંગે મિટ્ટી કી ચાદર કો એક દિન
દુનિયા કા હર ચરાગ હવા કી નજર મેં હૈ

7 Comments on “Ismail Adam Gajjar

  1. જનાબ ઈસ્માઈL મામા ના અવસાન નિમિતે મને ઘણા લોકો ના મોઢે સાંભર્યું હતું કે એક યુગ નો અસ્ત થઇ ગયો.

  2. Very faithful person. Really great Ismail Mama. We very miss you in over all life. May Allah give him the best place in Janatul Firdos. Ameen, Summa Ameen. Allahummagfirly v rahamny moutal muslimin kullaha ya rabb. Ameen, Summa Ameen.

  3. Tankaria lost a true social worker. I would like to add one of his specialities. I used to visit his shop regularly to refill ink in my PAMIS pen. He was an excellent pen repairer too.

    He truly deserves the best place in Jannatul Firdaus, let’s pray for him.

  4. We all pray that my father gets the highest abode in Jannah and may Allah forgive all his sins … a true Gandhian … will miss you.

  5. Assalamualaikum WW. It is very saddening to hear the bad news about the death of the very kind, helpful and amicable Ismail Mama Gajjar. We all know that he started treating ill people with the late Dr Shukla. Always willingly and voluntarily injected people and gave them medication whole heartedly and never expected money for that. We don’t find such honest, sincere and kind people nowadays. He will be missed a great deal. Let us all pray to Allah SWT to forgive all his sins and give him the highest abode in Jannat-ul-Firdosh.

  6. May Allah forgive all his sins and grant him the highest abode in Jannah and shower his mercy on him. Give him a window of paradise in his grave and give sabr to his Family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*