I M Patel (Varediawala)

જનાબ આઇ. એમ. પટેલ (ઇબ્રાહીમ સાહેબ વરેડિયાવાલા)

જન્મ: ૧૯૧૯ – મરણ: મે ૧૯૬૧

રજૂ કર્તા: જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

૧૯૫૭માં ધી ટંકારીઆ હાઇ સ્કૂલ, ટંકારીઆમાં મારો વિદ્યાર્થી તરીકે પ્રથમ પ્રવેશ. તે વખતે આદરણીય આઇ.એમ.પટેલ (ઇબ્રાહીમ સાહેબ વરેડિયાવાલા)નો મને પ્રથમ પરિચય થયો. આ શાળામાં ૧૯૫૪થી ૧૯૬૦ સુધી જે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું તે બધા જ આજ દિન સુધી આ વિદ્વાન શિક્ષકને યાદ કરે છે. મધ્યમ કદ, માથા પર કાળી ટોપી અને કોટ પાટલૂનમાં સજ્જ વર્ગમાં દાખલ થાય ત્યારે એમનું આગવું વ્યક્તિત્વ તરી આવતું.

કોઇ પણ વિષય ભણાવવાનો હોય તે વિષયની પૂર્વ તૈયારી કરીને ભણાવતા. ટંકારીઆ હાઇ સ્કૂલ સદ્દભાગી છે કે પ્રારંભથી જ મર્હૂમ ઇબ્રાહીમ સાહેબ જેવા અભ્યાસી, મહેનતુ, આદર્શ અને પોતાના વ્યવસાયને વરેલા શિક્ષકો પ્રાપ્ત થયા. આવા શિક્ષકોની યાદી લાંબી છે. બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢના સ્નાતક અને અંગ્રેજી, ફારસી અને હિન્દીના નિષ્ણાંત આ શિક્ષકની ભણાવવાની રીત પણ એટલી સરસ હતી કે અઘરો પાઠ પણ સહેલો બની જતો. એમની એ શિક્ષણ પદ્ધતિને અપનાવી મારા જેવા એમના કેટલાક વિદ્યાર્થીઓ પાછળથી સફળ શિક્ષકો બન્યા જેનો યશ એમને જાય છે. એમના કોટના ખિસ્સાં સફેદ ચોકથી ભરેલાં રહેતાં. બ્લેકબોર્ડ પર સુંદર મરોડદાર અક્ષરોમાં પાઠના મુખ્ય મુદ્દાઓ લખતા અને બ્લેકબોર્ડનો એટલો ઉપયોગ કરતા કે દિવસને અંતે ચાકથી ભરેલાં એમનાં ખિસ્સાં ખાલી થઇ જતાં. એમની પાસેથી અંગ્રેજી તથા ફારસીનું વ્યાકરણ શીખવાનો અનેરો આનંદ રહેતો. ગંભીર પ્રકૃતિના છતાં વિદ્યાર્થીઓ સાથે કેટલીક વાર વિનોદ પણ કરતા. વિદ્યાર્થીઓ પણ કોઇ વાર આ આદરણીય શિક્ષક સાથે જ્ઞાન સાથે ગમ્મત કરતા. સાંજે ફરવા નીકળીએ ત્યારે પીર હાશમશાહ (રહ)ની દરગાહ પર અમે કેટલાક મિત્રો જઇને બેસતા ત્યારે આ સૂફી સંત જેવા દેખાતા શિક્ષકને પણ ત્યાં કોઇ એકાંત ખૂણામાં ચિંતન મનનમાં ડૂબેલા નિહાળતા. હિંમત કરી અમે એમની પાસે જતા તો ફરી એમની વિદ્વતાભરી વાણી સાંભળવા મળતી.

હું ૧૯૬૧માં સફરી બિલ્ડીંગમાં ચાલતી ટંકારીઆ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે આ વિદ્વાન શિક્ષક અલ્લાહને પ્યારા થઇ ગયા હતા.જે વર્ગોમાં એમની પાસે ભણ્યા હતા તે વર્ગોની દીવાલો પર હજી જાણે એમનો અવાજ પડઘાતો હોય એવું વારંવાર મેહસુસ થતું. એમના જ્ઞાન અને ડહાપણપૂર્ણ્ર શબ્દો કાનોમાં ગૂંજતા. એમની યાદ આવતી.

જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે ટૂંકી મુલાકાતમાં પણ હૈયે વસી જાય છે. મર્હૂમ ઇબ્રાહીમ સાહેબ પણ આવી જ એક નેક, નિખાલસ વ્યક્તિ હતા. મારા જેવા અનેક એમના વિદ્યાર્થીઓ આજે પણ એમને આદર અને માનપૂર્વક યાદ કરે છે.

જહાં રહેગા વહીં રોશની લૂંટાએગા
કિસી ચિરાગ કા અપના મકાં નહીં હોતા

વરેડિયામાં જન્મી, જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી રોશન થયેલા આ દીપકે ટંકારીઆ હાઇ સ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા બજાવી ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં પોતાના ઉમદા શિક્ષણ વડે રોશની પાથરી દીધી હતી, ઘણા બધા દીવાઓ રોશન કરી દીધા હતા જેમાંના કેટલાક હજી આજે પણ ઝગમગે છે અને જ્યાં જ્યાં છે ત્યાં પોતાની રીતે રોશની પાથરી રહ્યા છે, અન્ય દીવાઓને રોશન કરી રહ્યા છે. ટંકારીઆની આ જ તો ખુશનસીબી છે કે એને આઇ.એમ.પટેલ જેવા એક બાહોશ, સૂફી સિફત અને આદર્શ શિક્ષક મળ્યા હતા.

અલ્લાહ પાક આ નેક દિલ ઇન્સાનની મગફેરત ફરમાવે અને તેમને જન્નતુલ ફિરદૌસમાં જગા આપે એવી દુઆ સાથે મારી આ શબ્દાંજલિ પૂરી કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*