Hira Ismail Musa

જનાબ ઈસ્માઈલ મુસા હીરા

જન્મ: ૧૦-૦૭-૧૯૩૭   મરણ: ૨૨-૦૭-૨૦૨૩

ટંકારીઆના અણમોલ ‘હીરા’,અલવિદા.

રજૂ કર્તા: નાસીરહુસેન લોટીયા

…એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
      વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે…

     …જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
       હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

                                                                                                                       -‘ગની’ દહીંવાલા

મુંબઈમાં રહી ટંકારીઆ ગામના પ્રગતિના કામોમાં જીવનપર્યંત ખાસ રસ લઈ હંમેશાં માતબર રકમનું દાન આપનાર, દરિયાદિલ, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં મોભાનું સ્થાન ધરાવતા હતા એવા મરહૂમ હાજી ઈસ્માઈલભાઈ હીરાવાલા આ ફાની દુનિયાને અલવિદા કહીને આખિરતની દુનિયા તરફ હંમેશા માટે કૂચ કરી ગયા છે એ સમાચાર જાણી અત્યંત  દુઃખની લાગણી થઈ. એમનો ઈન્તેકાલ આજરોજ તારીખ ૨૨/૦૭/૨૦૨૩ના મુંબઈ મુકામે થયો છે. એમની વિદાયથી ટંકારીઆ ગામને અને સમગ્ર ભરૂચી વહોરા પટેલ સમાજને ન પૂરી શકાય એવી ખોટ ઊભી થઈ છે. ટંકારીઆ હાઇસ્કૂલના મકાનનું બાંધકામ, ગામની પ્રાથમિક શાળાઓના કેટલાક જરૂરી કામો, મુસ્તુફાબાદ યુથ ક્લબ ટંકારીઆ દ્વારા સંચાલિત પુસ્તકાલયના મકાનનું બાંધકામ, શાળાના બાળકોને મુસ્તુફાબાદ યુથ ક્લબ પુસ્તકાલય (Library) દ્વારા આપવામાં આવતા પુસ્તકો, ટંકારીઆ વોટર વર્કસના કામો, કૂવામાંથી પાણી ખેંચવા માટેની નવી મોટરો/પંપ, ગામની પાણીની ટાંકીની મરામત, ગામના રસ્તા બનાવવા જેવા અનેક જાહેર સેવાના કામોમાં તેમનું માતબર યોગદાન રહ્યું છે.

જે-તે સમયે ટંકારીઆ કન્યાશાળા પાસે પોતાનું મકાન ન હતું ત્યારે  કન્યા કેળવણીના મહત્વને ખાસ ધ્યાનમાં રાખી, ભાડું લીધા વગર વિનામૂલ્યે કન્યાશાળા એમના મકાનમાં ઘણા વર્ષો સુધી કાર્યરત હતી એ પણ એમની મહાન ખિદમતોમાંની એક અણમોલ ખિદમત હતી. તેઓ ગરીબ લોકોને, વિદ્યાર્થીઓને અને દર્દીઓને હંમેશા મદદ કરતા હતા. મરહૂમ ઈસ્માઇલભાઈનું અને એમના હીરા કુટુંબનું ખાસ કરીને ટંકારીઆ ગામના બાળકોના શિક્ષણને લગતા કામોમાં દાયકાઓથી મોટું યોગદાન રહ્યું છે. પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી ટંકારીઆમાં થતા કેટલાક ખાસ કાર્યક્રમોમાં હાજરી આપવા તેઓ મુંબઈથી ટંકારીઆ આવતા હતા. આમ માતૃભૂમિ સાથે જીવનપર્યંત જોડાયેલા રહ્યા હતા.

મુંબઈમાં સ્થાયી થયેલા મૂળ ટંકારીઆ ગામના જનાબ હાજી ઈસ્માઈલભાઈ હીરાવાલાની અમૂલ્ય સેવાઓ ફક્ત ટંકારીઆ ગામ પૂરતી જ સીમિત ન રહેતાંં સમગ્ર ભરૂચી વહોરા પટેલ સમાજ સુધી વિસ્તરી હતી. ઘી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી સંસ્થાના અત્યંત સક્રિય ટ્રસ્ટી/હોદ્દેદાર તરીકે તથા દાનવીર તરીકે એમનું ખૂબ અગત્યનું યોગદાન રહ્યું છે. રમઝાન માસમાં મુંબઈના પટેલ મુસાફરખાનામાં રોકાતા લોકો માટે સેહરી તથા ઇફ્તારી માટેનું આયોજન વર્ષો સુધી જનાબ ઈસ્માઇલભાઈ તરફથી કરવામાં આવતું હતું. મુંબઈના પટેલ મુસાફરખાનામાં જરૂરી ફર્નીચરનું પોતાના તરફથી દાન કરવા જેવા ઘણા સરાહનીય કામો તેમણે આ સંસ્થાના હોદ્દેદાર તરીકે કરીને એક ઉમદા મિસાલ કાયમ કરી છે. તેઓ ઘી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ (સ્થાનિક)ના ચેરમેન અને ટ્રસ્ટી પણ હતા. તદુપરાંત જરૂરતમંદ લોકોને આર્થિક સહાય અને વગર વ્યાજની લોન આપવાનું સરાહનીય કામ કરતી ‘પટેલ અર્બન સોસાયટી’ ના ટ્રેઝરર તરીકે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. વેલ્ફેર હોસ્પિટલ ભરૂચને આપેલ એમની અમૂલ્ય સેવાઓ પણ હંમેશાં યાદ રહેશે.

ટંકારીઆ: ઈતિહાસની રોશની પુસ્તકમાં એમના સવાબે જારીયહના ઘણા કામો સુવર્ણ અક્ષરે કોતરાયેલા છે. એમના પરોપકારી જીવનમાં એમણે કરેલા સેવાના અનેક કામો આજની અને આવનારી પેઢીઓ માટે દિશાસૂચનનું કામ કરશે અને એમણે કંડારેલા માર્ગે ચાલવાનું માર્ગદર્શન આપણને મળતું રહેશે.

અલ્લાહ રબ્બુલ ઇઝઝત એની ખાસ રેહમતથી આવા નેકદિલ ઈન્સાનની નાની મોટી તમામ ભૂલોને માફ કરી એમની નિ:સ્વાર્થ ખિદમતોનો બેહતરીન બદલો આપી જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે. આમીન.

“ઉરતે જો ફિઝાઓં મેં થે શાહીન ન રહે
બાઝૌક ન રહે ઝહીન ન રહે
                              – અલ્લામા ઇકબાલ

4 Comments on “Hira Ismail Musa

  1. ભાઈ નાસીરહુસેન, ટીમના તમામ સભ્યો તથા ગામના બધા લોકોને સલામ.

    “કહાં ગયે વો લોગ” મારફતે “ માય ટંકારીઆ વેબસાઈટ દ્વારા “ખિદમતે ખલ્ક”નું સુંદર કામ થઈ રહ્યું છે.

    અલ્લાહ તમામ મરહૂમોને જન્નતુલ ફીરદૌસ અતા ફરમાવે. અલ્લાહ ટંકારીઆના તમામ લોકોને તંદુરસ્તીની નેઅમતોથી નવાજે અને તરક્કી અતા ફરમાવે એવી દુઆ છે.

  2. મર્હુમ ઈસ્માઈલભાઈ હીરાને યોગ્ય શ્રદ્ધાંજલિ સાથે ઉચ્ચ કક્ષાની સુશોભિત ગુજરાતી ભાષામાં આપણા સમુદાયના સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ પર ખૂબ જ સરસ અને ઉત્તમ લેખ લખવા બદલ નાસીરસાહેબ લોટીયાને હૃદયપૂર્વક અભિનંદન………

    તમારા વિશિષ્ટ ગુજરાતી જ્ઞાન અને મર્હુમ ઇસ્માઇલભાઇ જેવા સાચા પાત્રને વ્યાખ્યાયિત કરવા માટે તમે આ લેખમાં ઉપયોગમાં લીધેલા અદ્યતન શબ્દોની પ્રશંસા કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. ફરીવાર લેખ માટે હૃદયપૂર્વક અભિનંદન.

  3. Salam from Ismail Saheb Khunawala, London. It is a very nice and an excellent article on legendary personality of our community in a high class ornamental Gujarati language with fitting and well deserving tribute to Marhum Ismailbhai Hira. A perfect gentleman and peace loving man among our community. Well done!!! Nasirbhai, I don’t have enough words to praise your distinctive Gujarati knowledge and sophisticated words which you have articulated used in this article to define the true character like Ismailbhai. Many thanks for writing an obituary in Kahan Gaye Wo Log and enlivened the Mahek Tankarvi blog which was deadpan for a while, Heartfelt congratulations for a fabulous article.

    • Walaikumsalam. Thank you for your words of appreciation. Thank you and congratulations for your time and effort on the “My Tankaria” website. I should sincerely appreciate it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*