Dadhimunda Adam Ahmed
જનાબ આદમ અહમદ દાઢીમુંડા
જન્મ: ૦૪-૦૫-૧૯૩૭ મરણ: ૨૬-૦૮-૨૦૨૩
રજૂ કર્તા: મુબારક ઘોડીવાલા
ફક્ત ટંકારીઆના નહીં પરંતુ આખા ભરૂચી વહોરા પટેલ સમાજના સાચા હમદર્દ અને નિસ્વાર્થ સેવક એવા હાજી આદમસાહેબ દાઢીમુંડા આજે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૧૯૯૬માં વિજ્ઞાન પ્રવાહ માટેની હાયર સેકન્ડરી સ્કૂલ અને છોકરાઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં ભરૂચી વહોરા પટેલોની જે-તે વખતની આ એક માત્ર વિજ્ઞાન પ્રવાહની શાળા હતી. મેં અહી વર્ષ ૧૯૯૭માં પ્રવેશ મેળવ્યો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. આદમ સાહેબ હોસ્ટેલમાં રેકટરની સેવા આપતા હતા. તેઓ સ્વભાવે ખૂબ જ કડક અને સિદ્ધાંતવાદી નિવૃત્ત પ્રાથમિક શિક્ષક હતા. લગભગ પંદર વર્ષ સુધી પોતાની રેકટર તરીકેની ફરજને ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી. તેઓ પોતાની આ ફરજને ખૂબ જ વફાદાર રહ્યા. ૧૧-૧૨ માં અભ્યાસ કરતા અમે સૌ ખૂબ જ તોફાની અને પોતાની મરજીના માલિક હોઈએ એ સ્વાભાવિક છે. પરંતુ સાહેબે પોતાની આગવી સુજબુજથી અમને ખૂબ જ કાબૂમાં રાખી સતત અભ્યાસ કરાવ્યો. એ વખતે ભરૂચમાં વાતો ચાલેલી કે ખારીસીંગ વેચવાવાળા વિજ્ઞાન પ્રવાહની શાળા નહીં ચલાવી શકે. આ વાતે તેઓના અંતરાત્માને અંદરથી હચમચાવી દીધેલ અને તેઓએ આવી વાતોને ખોટી સાબિત કરવા માટે ખૂબ મહેનત કરી ત્યારે અમને તેઓનું કડકપણું અભિશાપ લાગતું. પરંતુ આજે ખબર પડી કે આ અભિશાપ એ જ અમારા માટે આશીર્વાદ હતો. મુન્શી સંકુલની સ્થાપના થયા પછી ભરૂચ વહોરા પટેલોમાં શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃતિ આવી. આજે વહોરા પટેલ સમાજ પાસે અનેક ડોક્ટરો, એન્જિનિયરો, ફાર્માસિસ્ટ અને ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે. આ સફળતા માટેના પાયાના પથ્થરોમાંના એક એટલે આદમ સાહેબ. તેઓએ ક્યારેય પોતે કરેલ સત્કર્યોની નુમાઇસ નથી કરી. એટલે જ તેઓ આજ દિન સુધી સમાજના હિદન હિરો જ રહ્યા.
ટંકારીઆ જ્યારે શિક્ષણ માટે સજ્જ થવા થનગની રહ્યું હતું ત્યારે ધી ટંકારીઆ વેલ્ફેર સર્કલના તેઓ ખૂબ જ સક્રિય કાર્યકર હતા. કન્યા શાળાના જૂના મકાન અને હાઈસ્કૂલના જૂના મકાનના બાંધકામની અને હિસાબ નિભાવવાની જવાબદારી તેઓના શિરે હતી. ત્યારથી લઈ વર્ષો સુધી ટંકારીઆની આ રીતે એકદમ ચૂપચાપ રહીને સેવા કરતા રહ્યા. ક્યારેય પોતે કરેલી સેવાની વાતો જાહેરમાં કરતા નહિ. આવા નિસ્વાર્થ કોમ અને ગામના હમદર્દ હંમેશા માટે આ દુનિયાની માયાને છોડી ગયા છે. અલ્લાહ તેઓની મગફિરત ફરમાવે અને તેઓએ કરેલા સેવાના નેક કાર્યોને કબૂલ કરી બેહતરીન બદલો આપે એવી દિલી દુઆ છે.
રજૂ કર્તા: નાસીરહુસેન લોટીયા
તારીખ ૦૪-૦૨-૧૯૬૮ના રોજ ટંકારીઆની સંસ્થાઓમાંની એક અગત્યની સંસ્થા ઘી ટંકારીઆ વેલ્ફેર સર્કલ ટંકારીઆની સ્થાપના થઈ ત્યારથી મરહૂમ આદમ સાહેબ દાઢીમુંડા આ સંસ્થાના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવતા હતા. તેઓ આ સંસ્થાના પાયાના પથ્થરોમાંના એક હતા. તેમણે આ સંસ્થામાં સેક્રેટરી તરીકે કામ કરીને ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તકના સંપાદનના સમયે વર્ષ ૨૦૨૨માં હું અને યુસુફભાઈ જેટ જયારે એમના ઘેર મુલાકાત માટે ગયા હતા ત્યારે કોઈ વ્યક્તિ પોતે કરેલા કાર્યો અને તેના અનુભવોને પોતાના જીવનનું અમૂલ્ય ભાથું સમજીને જેમ સાચવી રાખે એમ તેમણે સાચવી રાખેલા ઘી ટંકારીઆ વેલ્ફેર સર્કલ ટંકારીઆના બધા દસ્તાવેજો મને બતાવ્યા હતા. કેટલાક કાગળો એમને પાછળથી મળી આવતા મને ફોન કરી એમના ઘેર બીજી વાર બોલાવી એ કાગળો પણ મને બતાવ્યા હતા. આ બધા દસ્તાવેજોમાં સંસ્થાનું બંધારણ, પત્ર વ્યવહાર, દૈનિક સમાચારપત્રોમાં છપાયેલ પ્રેસનોટ, સંસ્થાના વાર્ષિક અહેવાલો અને હિસાબો વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા દસ્તાવેજોના આધારે ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તકના પેજ ૯૧ પર એક અગત્યની નોંધ જોવા મળે છે. “ખળી ગ્રાઉન્ડ પાસેના ટંકારીઆ હાઇસ્કૂલના મકાન (જૂનું મકાન) અને ખળી ગ્રાઉન્ડ પાસેના કન્યાશાળાના મકાનના બાંધકામની રોજેરોજની વ્યવસ્થા અને દેખરેખની જવાબદારી ખાસ કરીને ઘી ટંકારીઆ વેલ્ફેર સર્કલના જનાબ ઈસ્માઈલ માસ્તર ખોડા અને જનાબ આદમ માસ્તર દાઢીવાલાએ સંભાળી હતી.” આ ઉપરાંત પ્રાથમિક કુમારશાળા ટંકારીઆમાં આદમ સાહેબે ૧૯૯૧થી ૧૯૯૫ સુધી શાળાના આચાર્ય તરીકે ખૂબ સુંદર કામગીરી બજાવી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના ખર્ચે યુ.કે. ગયા હતા ત્યારે શફીકભાઈ પટેલ અને બીજા ટંકારવીઓ સાથે ફરીને યુ.કે.માંથી કેટલુંક ફંડ ભેગું કર્યું હતું જેનો ઉપયોગ ટંકારીઆ કુમારશાળાના મકાનના કામ માટે થયો હતો. આમ ટંકારીઆ ગામની શિક્ષણની પાયાની ત્રણેય સંસ્થાઓ માટે એમણે કરેલા કામો માટે આદમ સાહેબને હંમેશાં યાદ રાખવામાં આવશે. ટંકારીઆની સંસ્થાઓ ઉપરાંત મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ/હોસ્ટેલ સાથે પણ તેઓ વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા જેનો વિસ્તૃત ઉલ્લેખ મુબારકભાઈએ અહીં ઉપર એમના લેખમાં કર્યો છે. નોકરીના સમયગાળા દરમિયાન સારું પરિણામ મેળવવા માટે તેઓ કડકાઈથી કામ લેતા હતા એ હકીકત છે. પરંતુ સિક્કાની બીજી બાજુ નરમ હતી.
અંતરના ઊંડાણમાંથી કોઈ વ્યક્તિ માટે એવી સ્ફૂરણા થાય કે આપણે એને આપણું બધું સત્ય કહેવા માટે રાજી થઈ જઈએ, જ્યારે આપણને એની સામે એક પણ આવરણ કે અંતરાય વિના અનાવૃત નિ:સંકોચ પ્રસ્તુત થવાનું મન થાય ત્યારે એવી વ્યક્તિ સાથે આપણે આપણા જીવનની બધી જ ખાટીમીઠી વાતો કરતા હોઈએ છીએ. એવી જ અસાધારણ-અનુભૂતિ આદમ સાહેબના જીવનના અંતિમ વર્ષોમાં બે-ત્રણ વાર મારે એમના ઘરે જવાનું થયું ત્યારે મને થયેલી. એમના જણાવ્યા મુજબ તેઓ મારા પિતાશ્રીના અંગત મિત્રોમાંના એક હોવાના નાતે અન્ય મિત્રો સાથે સમય પસાર કરવા અને વાંચન માટે લગભગ દરરોજ અમારા ઘરે આવતા હતા. તંગીના દિવસોમાં પણ ખાસ મિત્ર હોવાના નાતે મારા પિતા જ્યાં અભ્યાસ કરતા હતા એવા મહારાષ્ટ્રના મુંબઈ અને રાજસ્થાનના અલવર જેવા બીજા રાજ્યના દૂર આવેલા સ્થળોએ પણ એમની મુલાકાત માટે જતા હતા. એમણે એમના જીવનના તંગીના દિવસોથી શરૂ કરી અલ્લાહ તઆલાની રહેમથી ખૂબ સાધન સંપન્ન થયા, ખૂબ સુખી સમૃદ્ધ થયા ત્યાં સુધીની લાંબી સફરની ખૂબ લાંબી લાંબી વાતો મારી સાથે કરી ત્યારે તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. એમના જણાવ્યા મુજબ મારા વાલીદ સાહેબ કરતાં પણ મારા દાદી સાથેના એમના સંબંધો વધુ ઘનિષ્ઠ હતા. મારા દાદી સાથેના સંબંધોની એ મીઠાસ અને ભૂતકાળની અનેક મીઠી યાદો આજે પણ એવી જ તાજી છે એમ કહેતાં કહેતાં એમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી હતી. મને આજે પણ બરાબર યાદ છે કે ભૂતકાળમાં રસ્તામાં કે કોઈ પ્રસંગે જયારે પણ આદમ સાહેબની મુલાકાત થાય ત્યારે તેઓ સૌથી પહેલાં મારા દાદીના ખબર-અંતર જરૂર પૂછતા.
ભાગદોડ અને બિનજરૂરી હરીફાઈના આજના સમયે નિર્મળ કપટ શૂન્ય પારદર્શક આત્મીયતા, સંબંધોની ઘનિષ્ઠતા અને એહમિયત બધું ધીરે ધીરે ઓછું થતું જાય છે ત્યારે નિસ્વાર્થ સંબંધોને નાજુક ફૂલોની જેમ સાચવવાની ખાસ કાળજી લેનાર આદમ સાહેબના સ્વભાવની એ વિશિષ્ટ અને આગવી ખૂબીઓ હંમેશાં યાદ રહેશે.
Leave a Reply