Pir Buzurgo

ટંકારીઆના પીર બુઝૂર્ગો (Saints of Tankaria)

Edited by Nasirhusen Lotiya

Contributor: Late Kamal Mustafabadi

સાભાર સ્વીકાર: મરહૂમ કદમ ટંકારવી ‘કમાલ’ મુસ્તફાબાદી દ્વારા વર્ષ ૨૦૧૫માં સંપાદિત પ્રકૃતિ ધર્મ: ઈસ્લામ: ગુજરાત અને સુન્ની પટેલ પરંપરાના પેજ ૧૬૭ થી પેજ ૧૭૧ માંથી મુસ્તફાબાદ ટંકારીઆના પીર બુઝૂર્ગો વિષેની માહિતી અહીં આ પેજ પર ક્રમાનુસાર લીધી છે. મરહૂમ કમાલ મુસ્તફાબાદી દ્વારા વર્ષ ૨૦૧૮માં અંગ્રેજીમાં સંપાદિત ETERNAL NATURAL RELIGION: ISLAM: GUJARAT AND THE SUNNI PATEL TRADITION ના પેજ ૨૫૪ થી પેજ ૨૬૪ સુઘી ટંકારીઆના પીર બુઝૂર્ગો વિષેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખૂબ ખૂબ આભાર !

૧. પીર યૂસુફ કાદરી રહમતુલ્લાહ!
હઝરત પીર યૂસુફ રહમતુલ્લાહનો મકબરો ટંકારીઆ મુસ્તફાબાદ ઇદગાહ માર્ગ પર આવેલો છે. હઝરત પીર યૂસુફનો ઉર્સ ૧૧ રબીઉલ અવ્વ્લના યોજાય છે. સુન્ની પીર બુઝુર્ગોની પ્રણાલી પ્રમાણે જ્યાં પીર બુઝૂર્ગોના મકબરા હોય છે ત્યાં અલ્લાહના ઘર સમાન ખાનએ ખુદા મસ્જિદ પણ હોય છે. એજ રીતે હઝરત પીર યુસુફ કાદરીની દરગાહના પરિસરમાં ‘મોહસિને સુન્નીયત’ સૈયદ મુહમ્મદ નૂરાની કાદરી રહમતુલ્લાહની યાદગાર સમાન એક ભવ્ય નૂરાની મસ્જિદની સ્થાપના થઇ છે.

અવલિયા અલ્લાહના અંતિમ વિરામ સ્થાન, સ્થળે ઈમારત, મકબરો તથા મસ્જિદ બાંધવાનું કુરઆનથી સાબિત છે. અલ્લાહ તઆલાએ ‘ગુફાવાળા, અસહાબે કહફ’ની ગાથાનું કુરઆનમાં વર્ણન કરીને પ્રમાણિત કરી દીધું છે કે, સૂફી, સંત કે પીર, ઔલિયાનો મઝાર હોય, ત્યાં ઈમારત, મસ્જિદ બાંધવું હિતાવહ છે. અજુગતું નથી. જો એમ કરવું વાંધાજનક હોત તો, તેની નિંદા કરવામાં આવી હોત !

૨. સૈયદ હાશિમશાહ રહમતુલ્લાહ!
આપ હઝરતનો મકબરો ભરૂચ તાલુકાના મોટા ટંકારીઆ મુસ્તફાબાદ કસબાના પશ્ચિમ દિશામાં ઇદગાહ કબ્રસ્તાનમાં આવેલો છે.

એમ કહેવાય છે કે ગુજરાતના પરાક્રમી સુલતાન મુહમ્મદ ‘બેગ’ ના સમયમાં હઝરત હાશિમશાહનું પોતાના ‘બાબયત’ તરીકે ઓળખાતા આસ્થાળુ મુરીદોના સમૂહ સુન્ની પટેલો સાથે ખંભાતથી મુસ્તફાબાદ ટંકારીઆ ખાતે આગમન થયું હતું. હઝરત હાશિમશાહ રાત્રિનો ઘણો ખરો વખત ‘ક્યામુલ લૈલ’ ઇબાદત અને યાદે ઇલાહીમાં પસાર કરતા હતા. આપ હઝરતની સાથે ખંભાતથી સ્થળાંતર કરીને આવેલા ‘બાબયેતો’ ટંકારીઆ મુસ્તફાબાદના મોટા પાદર તરફ પૂર્વ દિશાએ સુતાર કે સુથાર મહોલ્લાની નીચે તળ ભાગે ફળિયામાં ઠરીઠામ થયા હતા. ‘બાબેયતો’ ના સુન્ની પૂર્વજો, હઝરત ‘શેખ હાશિમશાહ’ રહમતુલ્લાહની અડખેપડખે પશ્ચિમ દક્ષિણે પોઢેલા છે. દફન થયા છે. આપ હઝરતના મકબરાનું નવ નિર્માણ થતાં પૂર્વજોની કબરોનો હવે મકબરામાં સમાવેશ થઈ ગયો છે.

ભરૂચ શહેર ઉપરાંત ભરૂચ તાલુકા જિલ્લાના અનેક ગામોમાં સૂફી, સંત, પીર, બુજૂર્ગો પ્રકૃતિ ધર્મ ઇસ્લામના પ્રચાર પ્રસારનું કર્તવ્ય બજાવીને પોતપોતાની દરગાહો મકબરાઓમાં પોઢેલા છે. હઝરત હાશિમશાહ રહમતુલ્લાહની વફાત ૨૭ રજબના થઇ હતી.

3. પીર સૈયદ અશરફશાહ રહમતુલ્લાહ!
પીર સૈયદ અશરફશાહ રહમતુલ્લાહનો મકબરો ભરૂચ તાલુકાના મોટા ટંકારીઆ મુસ્તફાબાદ કસબાના ‘ભડ’ ભાગ કબ્રસ્તાનની આથમણી દિશામાં ‘નાના પાદર’ તરફ આવેલો છે. આપ હઝરત પોતાના યુગના ‘આરીફે કામિલ’ ગણાતા હતા. ભરૂચ તાલુકાના ‘જંગાર’ ગામના વડીલ હાજી મુહમ્મદ અલી સુલેમાને આપેલી સત્તાવાર માહિતી મુજબ તેમના જંગાર ગામના બુઝૂર્ગ હઝરત ‘હાફિઝ અહમદ કબીર’ રહમતુલ્લાહની અંતિમ ઇચ્છા ‘વસીયત’ પ્રમાણે તેમના જ્નાઝાની નમાઝ ટંકારીઆના પીર સૈયદ અશરફશાહ રહમતુલ્લાહે પઢાવી હતી. આપ હઝરતની વફાત ૨૫ ઝિલકઅદના થઇ હતી.

૪. સૈયદ અબ્દુલ કાદિર કાદરી રહમતુલ્લાહ!
‘સારસા’ વાલા (ખેડા જિલ્લા)ના સૈયદ એહમદ અલીના સાહબઝાદા સૈયદ અબ્દુલ કાદિર કાદરીના ટંકારીઆ મુસ્તફાબાદ અને આજુબાજુના ગામોના ઘણા નવયુવાનો મુરીદ છે. એમણે જાહેર કરેલી અંતિમ ઇચ્છા ‘વસીયત’ મુજબ એમને ટંકારીઆ મુસ્તફાબાદના ઇદગાહ માર્ગ પર આવેલા સૈયદ પીર યૂસુફ કાદરીના મકબરામાં દફનાવવામાં આવ્યા છે.

૫.
સૈયદ પીર મોહિયુદ્દીન રહમતુલ્લાહ!
ટંકારીઆ મુસ્તફાબાદના તળાવની પાળે સૈયદ પીર મોહિયુદ્દીન રહમતુલ્લાહનો મકબરો આવેલો છે. પીર જુમ્મનશાહની આથમણી દિશામાં સામેની પાળે પીર મોહિયુદીન રહમતુલ્લાહનો મઝાર મુબારક છે. આપ હઝરતનો ઉર્સ ૫, ઝિલકદ મુબારકના યોજાય છે.

૬. પીર જુમ્મનશાહ રહમતુલ્લાહ!
ટંકારીઆ મુસ્તફાબાદના ભડભાગ કબ્રસ્તાનની પૂર્વ દિશાએ તળાવની પાળે જતાં હઝરત જુમ્મનશાહ અથવા જુમ્આશાહ કહેવાતા બુઝૂર્ગનો મઝાર મકબરામાં આવેલો છે. આપ હઝરતની વફાત ૯ મી રબીઉલ અવ્વલના થઇ હતી.

૭.
સૈયદ શાહનઝરશાહ રહમતુલ્લાહ

સૈયદ શાહ નઝરશાહ રહમતુલ્લાહનો મઝાર પાલેજ તરફ જતાં હાઇસ્કૂલની પાછળના ભાગે સડકની નજીક આવેલો છે. બહુ જલાલી બુઝૂર્ગ કહેવાતા હતા. ટંકારીઆ મુસ્તફાબાદ ગામના પ્રવેશ દ્વાર ‘દરવાજા’ લગોલગ રહેતો ‘મેઘા’ પરિવાર આપ હઝરતથી અધિક આસ્થા ધરાવતો હતો.

૮. સૈયદ તાજુદ્દીન, ઉર્ફે પીર પોપટ રહમતુલ્લાહ! 
સંત સૈયદ તાજુદ્દીનનો મકબરો તાજ પીર રોડ, ટંકારીઆ મુસ્તફાબાદથી સીતપોણ ગામ જવાના માર્ગ પર આવેલો છે. સંત તાજુદ્દીન પીર પોપટ, પોપટ પીર તરીકે ઓળખાય છે.

તે સમયે એવું બન્યું કે ટંકારીઆ મુસ્તફાબાદ નગરની સુતાર (સુથાર) સ્ટ્રીટના ઉપરના ભાગમાં રહેતા એક કુટુંબમાં એક ખૂબ સુંદર છોકરાનો જન્મ થયો. એ કુટુંબ પાછળથી લાલન કુળ (કુટુંબ) તરીકે ઓળખાયું. આ બાળક મૂંગો જન્મ્યો હતો અને થોડા મહિનાઓ માટે અવાચક રહ્યો હતો, આ દરમિયાન છોકરાના માતાપિતાએ છોકરો બોલતો થાય એ માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.

પછી ગુરુવારે સ્વપ્નમાં સૂચવ્યા મુજબ, માતાપિતાએ તેમનો પ્રિય પુત્ર બોલવા સક્ષમ થશે ત્યારે સંત તાજુદ્દીનની દરગાહ પર પોપટ મૂકવાની મન્નત લીધી. અલ્લાહની રહમતથી અને સંત સૈયદ તાજુદ્દીન પીરની દુઆ અને આશીર્વાદથી અવાચક છોકરો બોલતો થઇ ગયો. આકર્ષક મોહક છોકરાના ભાગ્યશાળી પરિવારને તેમના વહાલા પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે લાલનનું બિરુદ મળ્યું હતું. માતા-પિતા, ખાસ કરીને માતા જ્યારે પણ તેને તક મળે ત્યારે તે હંમેશા પોતાના પુત્રને “મારો પોપટ, મારો પોપટ”કહીને સંબોધતી હોય છે.

આ બનાવ બન્યા પછીથી, બાળક જન્મે અને છ મહિના કે તેથી વધારે ઉમર થતાં સુધી મૂંગું, અવાચક રહે તો આપ હઝરતની દરગાહે જીવિત પોપટ કે પોપટનું પ્રતિક ચઢાવવાની મન્નત માનવામાં આવે છે. એટલે આપ હઝરત મૂળ નામને બદલે પીર પોપટના લક્બથી કાનમમાં ખ્યાત થયા છે. પોપટને વાચાળ પાલતુ પક્ષી માનવામાં આવતું હોવાથી દરગાહ પર પોપટ મુકવાની મન્નત લોકો દ્વારા રાખવામાં આવે છે. આપ હઝરતનો ઉર્સ ૨૨ શાબાનુલ મોઅઝઝમના ઉજવાય છે.

૯. પીર નસીરશાહ રહમતુલ્લાહ!
ટંકારીઆ મુસ્તફાબાદથી કંબોલી જતાં સીમાડે અબ્દુલ મજીદ મુસા નાથલિયાના ખેતર પાસે ‘પીર નસીરશાહ’ રહમતુલ્લાહ નામના એક બુઝૂર્ગનો મઝાર મુબારક આવેલો છે. આપ હઝરતના મઝાર શરીફ પાસે એક ઉંચુ આમલીનું ઝાડ હતું.

૧૦. પીર સાદાત વલી શાહ રહમતુલ્લાહ! (ETERNAL NATURAL RELIGION: ISLAM: GUJARAT AND THE SUNNI PATEL TRADITION ના પેજ ૨૬૪ પર અંગ્રેજીમાં આપવામાં આવેલ માહિતીનો ગુજરાતીમાં અનુવાદ કરી અહીં રજૂ કરેલ છે.) 

એવું કહેવાય છે કે સંત સાદાત વલી શાહ એકલવાયું અને ખૂબ જ સાદું જીવન જીવતા હતા, જુવારના રોટલા અને ચોરાઈ તરીકે ઓળખાતી  એક પ્રકારની લીલી શાકભાજી એમની પસંદનો ખોરાક હતો તેથી આપ હઝરતના અકીદતમંદો હંમેશા એજ સાદા ભોજનની મન્નત રાખે છે.

આપ હઝરત જ્યારે આ ફાની દુનિયામાંથી વિદાય થયા પછી, કેટલાક અકીદતમંદોએ ઘણીવાર આપની મઝાર મુબારક પર ગુંબજ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપ હઝરતને તેમની કબર મુબારક પર કોઈ છત અથવા આવરણ હોય તેવું ન ગમતું હોવાથી તે બાંધકામ પોતે જ નીચે પડી જતું. આથી દાયકાઓ સુધી આપની મઝાર મુબારકનું પરિસર છત વિનાનું ઉપરથી ખુલ્લું રહેતું હતું.

આપનો મઝાર મુબારક ટંકારીઆથી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા કોઠી (વાંતરસા કોઠી) જવાના રસ્તે મહાન ટંકારીયા-મુસ્તફાબાદ નગરના પ્રખ્યાત લાર્યા કુટુંબના ખેતરોની જમીન નજીક આવેલ છે.
……………………………………………………………………………………………………………

જામે મસ્જિદ, મોટા બજાર, ટંકારીઆમાં આવેલ દરગાહ
આ દરગાહ અંગેની માહિતી  ‘ટંકારીઆના ઇતિહાસનો બીજો દ્રષ્ટિકોણ’ શિર્ષક હેઠળ History વિભાગમાં આપેલ છે.
https://www.mytankaria.com/history-of-tankaria-village