Mubarak Ghodiwala

મુબારક ઘોડીવાલા ‘દર્દ’ ટંકારવી

Mubarak Ghodiwala
Mubarak Ghodiwala

ગામના એક ઉભરતા કવિ મુબારક ઘોડીવાલા ‘દર્દ’ ટંકારવી …

રજૂઆત: ‘મહેક’ ટંકારવી, બોલ્ટન

આજે એક નવા ટંકારવીનો ‘મહેફિલ’ વિભાગમાં ઉમેરો કરતાં આનંદની લાગણી થાય છે. આ ટંકારવી તે કેટલાક સમયથી ગઝલો લખતા અને અવારનવાર ગામમાં યોજાતા મુશાયરાઓમાં પોતાની ગઝલો વિશ્વાસપૂર્વક રજૂ કરતા મુબારક ઘોડીવાલા. એમનું તખલ્લુસ છે “દર્દ”.

મુબારક નો જન્મ ૨૦/૦૫/૧૯૮૧માં ટંકારીઆમાં થયેલો. પિતાનું નામ આદમ જેમણે કેટલોક સમય ટંકારીઆ હાઇસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરી હતી. આર્થિક હાલત જોઇએ તેટલી સદ્ધર નહીં એટલે મુબારક માટે એસ.એસ.સી. પછી આગળ અભ્યાસ માટે કોલેજમાં જવું અને B.Sc થયા પછી B.Ed કરવા વિદ્યાનગર જવું ખર્ચની રીતે મુશ્કેલ હતું. ગામના એમના જ ફળિયાના જનાબ યુસુફભાઇ લલ્લામાસ્તરે એમને આર્થિક સહાય કરી અને ગામને એક હોશિયાર, ખંતીલા શિક્ષક અને કવિજીવની ભેટ ધરી. મુબારકના પિતાની મારી તાજેતરની (માર્ચ ૨૦૧૩) મુલાકાત દરમિયાન તેમણે યુસુફભાઇએ કરેલી આ મદદનો ઋણ સ્વીકાર કરતાં અને દુઆઓ દેતાં કહ્યું હતું કે અમારા મુબારકની આ પ્રગતિનો યશ યુસુફભાઇને જાય છે જેમણે જરૂરતના સમયે જોઇતી આર્થિક સહાય કરી એનું સ્વપ્ન સાકાર કરવામાં અને એની જિંદગી બનાવવામાં મદદ કરી.

ત્રણેક વર્ષ વલણ હાઇ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે નોકરી કરી હાલ સરકારી નોકરી મળતાં મુબારકે આમોદ તાલુકાના કોઠી-વાંતરસા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી છે. વલણમાં પત્ની બાળકો સાથે રહે છે અને ત્યાં આજે પણ ગામના વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનના વિષયોમાં આગળ વધવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપી મદદરૂપ થઇ રહ્યા છે.

કવિજીવ છે. ગઝલો લખે છે. હોંશે હોંશે સંભળાવે છે. વલણ ગામ અને એમના ઘરની ટૂંકી મુલાકાત દરમિયાન મેં એમને ગઝલને લગતાં પુસ્તકો અને નવા જૂના ગઝલકારોના ગઝલ સંગ્રહો વાંચવા અને અભ્યાસ કરતા રહેવા માટે સૂચન કર્યું હતું. એમ થાય તો એમની કલમમાંથી વધુ ઘૂંટાયને દર્દીલી ગઝલો ટપકે એવી આશા રાખી શકાય છે.

અહીં તેમની કેટલીક ગઝલો માર્ગદર્શનના ઇરાદે સાધારણ સુધારા વધારા સાથે રજૂ કરવામાં આવે છે:


સ્વછંદી થઇ નથી ફરતો,
જગતને હું નથી નડતો.

ઘણાંને હું વહાલો છું,
ઘણાંને હું નથી ગમતો.

સનાતન ખુશ્બુ પ્રસરાવે,
કવિ ક્યારેય નથી મરતો!

ઘણાં મારા દુખી થાશે,
વિચારી હું નથી હસતો.

તરસ મારી અમર,તોયે
હું મૃગજળને નથી અડતો.
# દર્દ ટંકારવી.

________________________________________________________________________________

એનો કરમ છે

આ પંડિત, આ મુલ્લાને તો કયાં શરમ છે
રમત જાણે કે એમના મન ધરમ છે

પરોઢે તહોમત કહો કોને દેવી
મેં જોયું તો ઝાકળના ડીલ પર જખમ છે

હું કુદરતનો આભાર માનું છું તેથી
‘મહેક’ આંખ તો કાન જાણે ‘અદમ’ છે

બગીચે છે ડેરા જુઓ ઉલ્લુઓના
ને ફોરમ ફૂલોની ય તો બેશરમ છે

ઘણો અટપટો દાખલો છે જીવનનો
ઉકેલી લીધો મેં, એ એનો કરમ છે


ફિરતા હૈ મારા મારા

છે જામ ખાલી ખાલી ને હોઠ પ્યાસા પ્યાસા
મૃગજળ છે સામે તોયે, છે લાખ આશા આશા

ડગલે ને પગલે કાંટા, હર એક વળાંકે વિધ્નો
એ બેઉ વેઠી લીધા છે મેં તો છાના માના

ભરમાર છે દર્દોની, છે ભારેખમ આ જીવન
હું કઇ રીતે કરું એ દુ:ખદર્દ આઘા પાછાં

સત્સંગ જ્યાં મળે ત્યાં સમજી લે મળ્યું કાશી
મળતા રહે મને તો આ શબ્દો પ્યારા પ્યારા

છે હાથ ખાલી રાખી અંતે જવાનું સૌએ
ફિર કયોં યે આદમી ‘દર્દ’, ફિરતા હૈ મારા મારા


કારણ વગર

હાંસિયે બેસી ગયા કારણ વગર
મિત્ર સૌ છૂટી ગયા કારણ વગર

રાહબર મારા હતા જે રણ મહીં
સાથ એ છોડી ગયા કારણ વગર

છે ભીનાશો આજપર્યંત આંખમાં
યાદ એક આપી ગયા કારણ વગર

મેં લુટાવ્યું સઘળુ જેની રાહમાં
એ મને ભૂલી ગયા કારણ વગર

છે ઘણો બાકી હજી અજવાસ તો
થાકલા ઊંઘી ગયા કારણ વગર


જડેલા છે શબ્દો

ઘણાં દુ: વેઠી જડેલા છે શબ્દો
પછી આપ સૌને ધરેલા છે શબ્દો

ઘણાંને હમેશાં નડેલા છે શબ્દો
મને એજ કાયમ ફળેલા છે શબ્દો

ગઝલ ગાઉં છું એય તારા પ્રતાપે
તજી ગઇ તું જ્યારે, ફૂટેલા છે શબ્દો

હજી પ્રેરણા આપે વર્ષો પછી પણ
હ્રદયતળ સુધી જે ગયેલા છે શબ્દો

નજાકત ભરેલી નજર જ્યાં ઠરી ત્યાં
શરમથી ભીંજાઇ ગયેલા છે શબ્દો

બીજું કંઇ નથીદર્દઆંસુઓ મારાં
અભિવ્યક્ત ના થઇ શકેલા છે શબ્દો


14/06/2014

યાદ આવી

તે મીઠી નજરની અદા યાદ આવી
ને ઘાયલ હ્રદયની દશા યાદ આવી

મેં જાહેરમાં ગાલ ચૂમી લીધેલો
પડયો એકલો તો મજા યાદ આવી

પડયો એમને દુશ્મનોથી જો પાલો
તો મિત્રોને મારી વફા યાદ આવી

છે મઝધાર એનો તું વિશ્વાસ ના કર
રહ્યું કોઇ દેતું સદા, યાદ આવી

હું હારી દુખોથી જ્યાં આરામમાં છું
ત્યાં સૌને લ્યો મારી વ્યથા યાદ આવી


20/06/2014

આપી નથી શકતો

મને માંગ્યા વિના, તું સ્હેજ પણ આપી નથી શકતો
અને હું સાવ ખાલીખમ,છતાં માંગી નથી શકતો

મળેલા પ્રેમપત્રો આજ પણ બાળી નથી શકતો
હું તારા જેમ મારા નામને બોળી નથી શકતો

મને જોઈ ઘડીભરમાં નજર તેં ફેરવી લીધી
અને હું એવી ક્ષણને પણ હજૂ ભૂલી નથી શકતો

તું દેખા આપવાની સાથ ડૂમો જીવલેણ આપે
તને જોયા પછીનાં આંસુઓ સારી નથી શકતો

નિખાલસ ભાવથી ખરચો,કશો વાંધો નથી યારો
ફકત ઉપયોગમાં લો,એ કદી સાંખી નથી શકતો

બનાવટ હું કરું ત્યારે તરત પરખાઈ જાઉં ‘દર્દ’
હું મારાથી અલગ થઈને કદી ફાવી નથી શકતો


26/06/2014

તારા માટે-મારા માટે

આખું રણ થ્યું લીલું લીલું, તારા માટે-મારા માટે
ઝરણું પોતે સમજી આવ્યું, તારા માટે-મારા માટે

શીશ મહેલની વાત જવા દઈને, જ્યાં છે ત્યાં રે’વાનું કરીએ
દુનિયા આખી પથ્થર ફેકું, તારા માટે-મારા માટે

કંકુ પગલાં માંડી દે,તો તું ફાવે ને હું પણ જીવું
દિલ શણગારીને બેઠો છું, તારા માટે-મારા માટે

રૂબરૂ મળ્યાની વાતો સૌ કાને કાને પહોંચી જાશે
ફેસબુક જેવું કામ પવનનું, તારા માટે-મારા માટે

સૌને સાથે રાખી જીવ્યો, ‘દર્દ’ને તોયે અવજશ મળ્યો
ચાલ હવે હું થોડું જીવું, તારા માટે-મારા માટે


01/07/2014

નથી શક્યતાઓ મેળાપની,તમે આશ રાખો છો ચાંદની
અમે ઝૂંપડીના રહેવાસી, અમે તેજ માંગીએ દીપથી

તમે રંગ આપો છો તેજ લઈ,અમે મહેંક દઈએ તિમિરમાં
તમે સૂર્યમુખીના વંશજો,અમે રાતરાણીના કુળથી

તમે સાવ નીચે છો શિખરે,અમે ટોચ પર છીએ ખીણમાં
ચતુરાઇના બંધક તમે, અમે મુક્ત મનવાળા માનવી


30/07/2014

વાત પૂરી કર

ડૂમો પૂરો ઠલવી આપી, વાત પૂરી કર
ખાલી થઈ જા તું ભીતરથી, વાત પૂરી કર

ઝેર આપીને મને શું થાકી ગઇ દુનિયા
લે ચિતા મેં મારી ખડકી, વાત પૂરી કર

વયથી બમણા વેગે જો ઘટતી હો નિષ્ઠા તો
સ્વૈચ્છિક લઇ લે નિવૃત્તિ, વાત પૂરી કર

સીધા લોકો, સીધી વાતો ધ્યાને ના લે, તો
જીભને આગળ વધતાં રોકી, વાત પૂરી કર

આગળ-પાછળનું વિચારી‘દર્દ’ દુખી થા નહીં
મનની ઈચ્છા મારી નાખી, વાત પૂરી કર


09/09/2014

ત્યારે આવજે

એકલાનું શું?વ્યથા સમજાય ત્યારે આવજે
મૌન મારું દિલ મહી પડઘાય ત્યારે આવજે

પારકાની વાત માની અવગણે છે તો ભલે
કાલ તારી આંખ ખુલી જાય ત્યારે આવજે

હાલ તો જીવી શકું છું,મારો હું આધાર લઇ
કાંધ લોકોનાં સતત બદલાય ત્યારે આવજે

રાહ સીધી ત્યાં સુધી સ્નેહી ઘણાં થઇ આવશે
જે ઘડી પથ એકલો વર્તાય ત્યારે આવજે

રોશની મળતી રહે જ્યાં જ્યાં કદમ તારા પડે
પણ કદી અંધાર જો પથરાય ત્યારે આવજે


09/09/2014

સ્વમાની થઇ જીવી જાઓ

સ્વમાની થઇ જીવી જાઓ,અહમ જો વાત માને તો
બને તો શૂન્યમાંથી બ્હાર આવો, લાગ આવે તો

જરા વિચલિત થયા વિના બધાં પૂરા કરી શકીએ
નયન મર્યાદા ધ્યાને લઇ સપન બે- ચાર આપે તો

મહત્તા આજ પણ છે એટલી કે ધડકનો થોભી
ઝૂકીને આવકારો દે, તમારી યાદ આવે તો

નજરથી લઇ હૃદય સુધી ઘણો પથરાળ મારગ છે
તમે ફાવી શકો વ્હાલમ,સુંવાળા પગને ફાવે તો

હૃદયને હાથમાં લઇ હોંશથી દોડીને આવીશું
તમારું દિલ અમોને પણ બરાબર દિલથી ચાહે તો


13/09/2014

જખમ પર જખમ

જખમ પર જખમ પર જખમ આપવાની
મને જીંદગી ના કદી ચાહવાની

બધાં વેર ભૂલી ન આવું તો કે’જો
કરો મનથી ઈચ્છા મને પામવાની

છું લાયક છતાં હું રહ્યો સાવ પાછળ
સજા છે, સમયસર નહી જાગવાની

મને મ્હેલની ઝંખના છે, પરંતુ
બધાંને સલામી નહી આપવાની

હું થોડામાં પૂરેપૂરું  જીવી લઉં છું
નથી વૃત્તિ મારી ખીસું કાપવાની

કરી પાટાપીંડી હું હારી ગયો, પણ
આ દુનિયા છે ભૈલા,નથી થાકવાની


02/11/2014

મારી ખાનદાની છે

ખુદા તારી જ આપેલી છે તેથી માણવાની છે
નહીંતર જીવવા જેવી મળી કયાં જીંદગાની છે!?

ખભો આપીશ તમોને હું મળેલી આંગળી બદલે
છતાંયે રુણ ના ભુલીશ, આ મારી ખાનદાની છે

મળે દરિયો બની કયારેક તો કયારેક ટીપામાં
અલખના રુપની વાતો સમજથી પર સુહાની છે

ફીકર તું કાલની છોડીને જીવી જો, પછી કે’જે
જીવન બિનધાસ્ત જીવવાની કળા કેવી મજાની છે

કરીને કામ સારા જીવતરને માતબર કરીએ
ખુદાને વ્યાજ સાથે જાત સૌએ આપવાની છે


07/12/2014

ઘટનામાં છું

મારા દ્વારા સર્જાયેલી ઘટનામાં છું
મત્લાથી લઇ મક્તા સુધી ચર્ચામાં છું

ના પુછો હું કેવા દ્વારે જઈ આવ્યો છું!?
દેવા ગ્યો’તો શીતળતા ને બળતામાં છું

પડછાયો પણ છટકી ગ્યો બિંદુવત થઈને!
સીધા કિરણોના બળબળતા તડકામાં છું

સાર્થક થઇ ગ્યું સપનું મારા જીવનભરનું
તારી આંખે ઝળહળતા હું સપનામાં છું!

મેં જેને પહોંચાડ્યો ઘર-ઘર,એના હાથે
હું કચરામાં ફેંકાયેલા પરચા માં છું


08/12/2014

તો શું જાય? બોલ…

તું જેવો છે એવો મને સમજાય, તો શું જાય? બોલ…
તું ફૂલ છે તો ફૂલસમ વર્તાય, તો શું જાય? બોલ…

સાચા રૂદનથી ભાર હળવો થાય, તો શું જાય? બોલ…
આંસુ વડે જો પાપ સૌ ધોવાય, તો શું જાય? બોલ…

તારો અહમ થોડો ઘણો તરડાય, તો શું જાય? બોલ…
તોડી તમસ તું તેજથી છલકાય, તો શું જાય? બોલ…

દારૂ ભરેલાં કેલબા તોડાય, તો શું જાય? બોલ…
ને સ્મિત રડતાં ઘર સુધી રેલાય, તો શું જાય? બોલ…

ભ્રામક વિચારોને ક્રમિક છોડાય, તો શું જાય? બોલ…
સાચી દિશાઓ આમ ખુલી જાય, તો શું જાય? બોલ…

મોટાપણું કાદવ મહી ખરડાય, તો શું જાય? બોલ…
થોડું ફરી બાળક બની જીવાય, તો શું જાય? બોલ…

છે પ્રેમ સાચો એટલે આવું વિચારું છું પ્રિયે,
સાતે જનમ તારા જ નામે થાય,તો શું જાય? બોલ…


22/12/2014

‘દરદ’ નોતરે છે

જ્યાં તારામાં મારાપણું ઓગળે છે
ત્યાં દરિયાનું મોટાપણું ઓસરે છે

ખરું તેજ ભરપુર માણી રહ્યો છું
તું શાને સળીથી કબર ખોતરે છે

તમે નામ આપીને બિન્દાસ્ત આવો
તમારા ઘરે સૌ મને ઓળખે છે

બધાં સુખ તૈયાર થાશે ઘડીમાં
તમે જઇ કહેજો ‘દરદ’ નોતરે છે

યથાયોગ્ય થોડું અભિમાન મારું
ગઝલ ‘દર્દ’ને નામથી ઓળખે છે


28/12/2014

આખું ગામ ખોવાયું

અરે દેખાવની દુનિયામાં મારું નામ ખોવાયું
ખરા નિસ્વાર્થ ભાવે મેં કરેલું કામ ખોવાયું

સળગતા ઘરને માથે લઇ હિતેચ્છુ થઇ નીકળ્યું,પણ
થયું ઘર રાખ મારું તોયે થઇ બદનામ ખોવાયું

ઘણાં ઉત્સાહથી બાળક બની સંપૂર્ણ કર્યું’તું
ખબર નહી, સ્લેટ માંથી ક્યારે એ ઘરકામ ખોવાયું

કહો, આથી વધુ હાસ્યાસ્પદ શું હોય દુનિયામાં
હરિની આંખ સામેથી જ એનું ધામ ખોવાયું

મૂકી દે વાત એ ઘરની, દિશાહીન છે તો ભટકે ‘દર્દ’
પહોંચી મંઝિલે તારું તો આખું  ગામ ખોવાયું


ગુજLISH

વેલાના FUTURE વિશે હું SURE નથી,
વાડ ઉંચી તો છે પણ SECURE નથી.

ઝરણું  પણ  એસિડ  સમ વર્તી  શકે!
પહાડ ઉપરનો બરફ પણ PURE નથી.

સ્પ્રિંગ સમ  છટકી  શકે  છે  દાબતાં,
TEENAGER લાગણી MATURE નથી.

દેહને   અંદરથી   પણ   ધોઈ  દેશે,
પ્રશ્ચ્યાતાપી આંસુઓ FAILURE નથી.

પારખો, PROCESS કરો, હું કિમતી છું,
ધારે છે સૌ એટલો IMPURE નથી.