Ghazal of the Month
આ મહિનાની ગઝલ
હૂ હૂ કરતા જાય ફકીરો…
– ‘મહેક’ ટંકારવી, બોલ્ટન
હૂ હૂ કરતા જાય ફકીરો, હૂ હૂ કરતા જાય
અગમનિગમની વાણી બોલે, અલખ જગવતા જાય
દુનિયા આખેરતની ખેતી, મહેનત નું મેદાન
વાવે તેવું જ લણે છે માણસ, રાખજે એનું ધ્યાન
નેકીનું જે કરે વાવેતર, મન્ન ને સલ્વા ખાય
હૂ હૂ કરતા જાય ફકીરો, હૂ હૂ કરતા જાય
અગમનિગમની વાણી બોલે, અલખ જગવતા જાય
માલ-મતા ધોકાની પૂંજી, મૃગતૃષ્ણા કહેવાય
દુનિયા ક્ષણભંગુર તમાશો, માણસ ધોકો ખાય
મૂળ હકીકત આખેરતની, એને ના સમજાય
હૂ હૂ કરતા જાય ફકીરો, હૂ હૂ કરતા જાય
અગમનિગમની વાણી બોલે, અલખ જગવતા જાય
માલ અને ઓલાદ છે ફિત્નો, ને’મત પણ છે યાર
સમજીને વાપરજે એ છે બે ધારી તલવાર
સમજુને કાફી છે ઇશારો, ના સમજે પસ્તાય
હૂ હૂ કરતા જાય ફકીરો, હૂ હૂ કરતા જાય
અગમનિગમની વાણી બોલે, અલખ જગવતા જાય
માલિક સૌનો રક્ષક, કૃપા એની અપરંપાર
બીજાને શું કામ બનાવે તારો તારણહાર
બીજા તો ઘર કરોળિયાનું, પળમાં તૂટી જાય
હૂ હૂ કરતા જાય ફકીરો, હૂ હૂ કરતા જાય
અગમનિગમની વાણી બોલે, અલખ જગવતા જાય