Daud Khandhiya

દાઉદ મહમદ ખાંધીયા ટંકારવી

Daud Khandiya
Daud Khandiya

જન્મ: ૧૫/૧૨/૧૯૪૪ મરણ: ૧૦/૦૮/૨૦૧૯

જીવન ઝરઝમર ટૂંકાવીને એમના જ શબ્દોમાં …

૧૯૫૭ થી ૧૯૬૧ ટંકારીઆ હાઇસ્કૂલમાં અભ્યાસ જે દરમિયાન સાહિત્યથી ખાસી એવી અભિરુચિ થઇ ગઇ. અંગ્રેજી, ગુજરાતી, ફારસી ખૂબ આનંદ આપનારા વિષયો. વાર્તાઓ, નિબંધો અને કવિતાઓ વાંચવામાં ખૂબ મજા પડતી. પણ ગણિત સાવ કાચું! આપણે જાણે ગણિતના માણસ જ નહીં!

કલાપી મારો સહુથી વધુ પ્રિય કવિ છે. ૧૯૬૨માં એસ.એસ.સી. પાસ કરી જેમાં સ્કૂલમાં પ્રથમ નંબર આવેલો.

૧૦૦ વીંઘા જેટલી જમીન ટેનન્સી ઍકૄટમાં ચાલી ગઇ હોવાથી કુટુંબમાં સર્જાયેલી આર્થિક ભીંસને કારણે કોલેજનું પગથિયું ચઢવાનો મોકો મળ્યો નહીં. એટલે ત્રણેક મહિના સરકારી ગોડાઉનમાં માસિક ૪૦ રૂપિયાના પગારે અનાજ તોલવાની નોકરી કરી. પછી ઢોરોના ડૉકટર તરીકે અને ઢોરો સાથે કામ લેવાનું ફાવ્યું નહીં એટલે ૨૦ વર્ષની ઉંમરે પોષ્ટ ખાતાની નોકરી સ્વીકારી. પહેલું પોસ્ટીંગ વલસાડ પાસે આવેલા ભિલાડમાં થયેલું. અહીં બેઉ દિશાઓમાં પહાડો છે. સાંજે નોકરી પરથી છૂટી રૂમ પર આવી ચાપાણી કરી પહાડ પર ચાલ્યા જવાનો અને કુદરત સાથે વાતો કરતા રહેવાનો નિત્યક્રમ. એકવાર પહાડ પર જ આંખ મીંચાઇ જતાં રાતના ૧૨ વાગી ગયેલા.

મુકેશજી અને રફીએ ગાયેલાં ગીતોને યાદ કરી કહે છે: “તે સમયનાં ગીતો કેટલાં સુંદર! કેટલાં મીઠાં-મધુર, શબ્દો પણ કેટલા સરસ! અને એમાં રહેલા ભાવનું તો પૂછવું જ શું? હવે એવાં મજાનાં અને કંઇક મેસેજ આપતાં ગીતો જ કયાં જોવા મળે છે.”

૨૨ વર્ષની ઉંમરે ૧૯૬૬માં ટંકારીઆ પોષ્ટ માસ્તર તરીકે નિમણૂંક થઇ. ટંકારીઆ સબ-પોષ્ટ ઓફિસનું ઉદ્દઘાટન મારા હાથે થયેલું. ઉદ્દઘાટન પ્રસંગે ડૉ શુકલ સાહેબે રા. ૫૦૦નું સેવીંગ સર્ટિફિકેટ ખરીદેલું તે યાદ છે.

૩૭ વર્ષની એકધારી નોકરી પછી ૫૭ વર્ષની વયે વહેલી નિવૃત્તિ સ્વીકારી લીધી. ૨૦૦૧માં મકાન બનાવ્યું અને ૨૦૦૨માં તેમાં રહેવા આવી ગયો. અઢી વર્ષ ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા લોકોને મકાનો બનાવી આપી થાળે પાડવાના રિલીફ કામમાં જોડાયો. કોઇ પણ જાતના વેતન વિના સેવાઓ આપી. મારી જિંદગીનાં આ અઢી વર્ષ એ અત્યંત કીંમતી સરમાયો છે. એમાં મને જે આનંદ મળ્યો તે અવર્ણનીય છે.

કરમાડના પોસ્ટીંગ દરમિયાન ૧૯૭૫થી કુર્આનનો અભ્યાસ શરૂ કર્યો અને આજ સુધી કુર્આન, હદીષ, ઇસ્લામી તારીખ અને સીરતે નબવી (સલ) સાથે ગેહરો લગાવ કાયમ છે. હજી પણ રોજનું ૮-૧૦ કલાક જેટલું લેખન-વાંચન ચાલે છે. એક અંગત લાયબ્રેરી પણ ઊભી કરી છે જેમાં પાંચેક જેટલી તફસીરો, બુખારી અને મુસ્લિમ શરીફ તથા અન્ય સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૯૮૫થી લખવાની શરૂઆત કરેલી અને ‘અબુ નજમા’ના ઉપનામથી ઘણાં લેખો લખેલા.

શાહીન સાપ્તાહિક, યુવા સાથી માસિક, મેમન વેલ્ફેર માસિક તથા અંજુમન વોઇસ માસિકમાં મારા લેખો અને ગઝલો છપાય છે. ગુજરાતીમાં ૨૦૦ જેટલી તથા ઉર્દૂમાં ૩૦૦ જેટલી ગઝલો તૈયાર છે. ઉપરાંત વિવિધ મેગેઝીનોમાં છપાઇ ચૂકેલા ૧૦૦ જેટલા લેખો હાથવગા પડેલા છે. હાલ મારી ઉર્દૂ ગુજરાતીની ૧૦૦ જેટલી ગઝલો “વહેતાં નીર” નામના સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે. અલ્લાહ ચાહશે તો અન્ય સાહિત્ય પણ પુસ્તક સ્વરૂપમાં મૂકવાનો પ્રયાસ કરીશ.


ગઝલ
□ દાઉદ ખાંધીયા, ટંકારીઆ, જી. ભરૂચ

જવાનું હતું કયાં, ને કયાં જઇ ચઢયા છે
મુસાફર ઘણા સાવ ભૂલા પડયા છે

ખબર કંઇ નથી જેમને મંઝિલોની
કરોડો જનોના એ રેહબર બન્યા છે

હતા એક કાળે જે સાથી નિકટના
અણીના સમે એજ શત્રુ ઠર્યા છે

હ્રદયમાં ભર્યા’તા કટુતાના ભાવો
નિયમ એટલે સાવ નોખા ઘડયા છે

ગરીબોનું લોહી ચૂસીને પ્રભુના
ચરણો મહીં ભોગ છપ્પન ધર્યા છે

કહો અશ્રુઓ એમના કોણ લૂછે?
બેધડક કામ ખોટાં હસીને કર્યાં છે

સફરની દિશાઓ હતી સાવ ખોટી
બસ એથી જ તો એ ભટકતા રહ્યા છે