Dr Amina Umarji Abhli

ડૉ અમીના બહેન હાજી ઉમરજી અભલી

તા. ૨૨/૦૪/૧૯૨૪ – ૦૯/૦૨/૨૦૧૪

રજૂ કર્તા: ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

વો લમ્હા જિંદગીભર કી ઇબાદત સે ભી પ્યારા હય
જો એક ઇન્સાં ને ઇન્સાનો કી ખિદમત મેં ગુઝારા હય

ટંકારીઆ ગામમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક આબોહવા ફેલાવવામાં અનેક શિક્ષિત યુવાનો અને મહિલાઓએ યથાશક્તિ જ્ઞાનરૂપી દીપકો પ્રારંભથી જ પ્રગટાવીને ગામને શિક્ષણક્ષેત્રે આગળ મૂકવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ લેખમાળામાં અત્યાર સુધી પુરુષવર્ગને સ્થાન મળ્યું છે, પણ ગામની કોઇ મહિલાને પણ સ્થાન મળે તેવું હું ઘણાં સમયથી વિચારી રહ્યો હતો. મારી દ્દષ્ટિ આપણા જ ગામના માનવંત મરહૂમ હાજી ઉમરજી અભલીના દુખ્તરે નેક ડૉ અમીના બહેન ઉમરજી અભલી ઉપર પડી અને હું એમનું જીવનવૃત્તાંત લખવા પ્રેરાયો.

ડૉ અમીના બહેનનો જન્મ સાઉથ આફ્રિકાના જાણીતા શહેર કેપ ટાઉનમાં તા.૨૨/૦૪/૧૯૨૪ના રોજ થયો હતો. એમના વાલીદ સાહેબ હાજી ઉમરજી ઇબ્રાહીમ અભલી વરસોથી ટંકારીઆની ભૂમિ છોડી વિદેશની ધરતી ઉપર ધંધાર્થે સ્થાયી થયા હતા અને કેપ ટાઉનને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તે સમયના સખી દાતાઓ અને શ્રીમંત દાનવીરોમાં તેમની ગણના થતી હતી. શાંત અને વિનમ્ર સ્વભાવ સાથે તેઓ સ્ત્રી કેળવણીના પણ હિમાયતી હતા. સાથે સાથે તેઓ દીની તાલીમના પણ એટલા જ ચાહક અને પ્રોત્સાહક હતા. પોતાની દીકરીની કેળવણી પ્રત્યે તેઓ પ્રથમથી જ બરાબર ધ્યાન આપતા.

અમીના બહેને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કેપ ટાઉનની શાળાઓમાં જ પૂરું કર્યું અને પછી મને મળેલી માહિતી મુજબ એમણે Midwifery (પ્રસુતિકરણ વિદ્યા)નો કોર્સ પણ કેપ ટાઉનમાં જ કર્યો હતો. પરંતુ આટલા શિક્ષણથી સંતોષ ન થતાં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડ ઉપડે છે જ્યાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી ભરૂચી મુસ્લિમ વહોરા પટેલ સમાજના પ્રથમ મહિલા ડૉકટર બનવાનું સન્માન મેળવે છે. ત્યાર પછી એક નિષ્ણાંત Gynaecologist (સ્ત્રી રોગોના નિષ્ણાંત) તરીકે ખ્યાતિ મેળવે છે. ઇંગ્લૅન્ડમાં થોડોક સમય એક હોસ્પિટલમાં નોકરી કરી ફરીથી સાઉથ આફ્રિકા પાછાં જાય છે જ્યાં પણ થોડોક સમય તેઓ પોતાની સેવાઓ આપે છે.

૧૯૫૦ના દાયકામાં અમીના બહેન પોતાના વાલીદ સાહેબ સાથે ટંકારીઆ પધારે છે અને તે સમયના ગ્રામ્યજીવનની સાદગી, લોકોમાં સંપ સહકાર અને ચોખ્ખી આબોહવાથી પ્રભાવિત થાય છે. સગાં સંબંધીઓ તથા ગામના લોકો તરફથી અપૂર્વ પ્રેમ અને આદરભાવ મેળવી ખૂબ પ્રસન્ન થાય છે. ગામમાં એક નર્સિન્ગ હોમ અથવા પ્રસુતિગૃહ બાંધી ગામની ઓરતો માટે સ્વાસ્થ્ય સુવિધા ઊભી કરવાનો પ્રસ્તાવ પોતાના વાલીદ સાહેબ સામે મૂકે છે. વાલીદ સાહેબને એ વિચાર ખૂબ ગમી જાય છે અને તે વેળાની ગામ પંચાયત અને ગામના આગેવાનોની સલાહમસલત અને સાથસહકારથી આજે ભડ ભાગ કબ્રસ્તાનની સામે જ્યાં જિલ્લા લોકલ બોર્ડનું દવાખાનું છે તે મકાન આકાર લે છે. કેટલીક સમસ્યાઓ અને પ્રતિકૂળ સંજોગોને લઇ આ મકાનમાં આયોજન મુજબની સેવાઓનો વિકાસ ન થઇ શકયો અને અમીના બહેનને સાઉથ આફ્રિકા પાછા જવાનું થયું. એમના વાલીદ સાહેબે ત્યાર બાદ ટંકારીઆમાં રહેવાનું પસંદ કર્યું અને રહ્યા ત્યાં સુધી ગામની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી તન, મન અને ધનથી જનહિતનાં કામોમાં સક્રિય ભાગ લેતા રહ્યા હતા. ગામની “ઝિનતુલ ઇસ્લામ” સંસ્થાના આદ્યસ્થાપકોમાં એમનું નામ મોખરે છે.

ડૉ અમીના બહેન સાઉથ આફ્રિકાના ટૂંકા રોકાણ બાદ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના વિવિધ દેશોમાં વ્યાવસાયિક પ્રવાસ ખેડે છે અને જુદા જુદા દેશોની હોસ્પિટલોમાં ઘણી જ સુંદર સેવાઓ આપી એક સફળ Gynaecologist તરીકે નામના મેળવે છે. છેલ્લે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સ્થાયી થઇ નિવૃત્ત થતા સુધી ત્યાં અનેક દર્દીઓની સેવા કરી આખરે પોતાની પિતૃભૂમિ ટંકારીઆમાં આવીને શેષ જીવન વીતાવે છે.

ડૉ અમીના બહેન સ્વભાવે શાંત, સ્વતંત્ર મિજાજનાં, કર્મશીલ, આનંદી, ખંતીલાં, ચુસ્ત શિષ્ટપાલનના આગ્રહી અને દરેક જગ્યાએ સ્વચ્છતાને પસંદ કરનારાં હતાં. ટંકારીઆમાં સ્થાયી થયા પછી પોતાની જાણીતી વાડીમાં જ પોતાને રહેવા માટે ‘અમીના વીલા’નું બાંધકામ કરી, જે ગામનું તેમને પ્રથમથી જ આકર્ષણ હતું તે ગામમાં, અંતિમ શ્વાસ સુધી ગૌરવપૂર્ણ દિવસો વીતાવી તારીખ ૦૯/૦૨/૨૦૧૪ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચે છે. ત્યારે એમની ઉંમર ૯૦ વર્ષની થઇ હતી. અલ્લાહ પાક આ નેકદિલ ખાતુનની મગફિરત કરી તેમને જન્નતુલ ફિરદોસમાં આલા મુકામ નસીબ ફરમાવે. આમીન. એમની અંતિમ આરામગાહ ગામની ‘પીર હાશિમશાહ (રહ) કબ્રસ્તાન’માં એમના વાલીદ સાહેબ તથા અન્ય પરિવારજનોના સાન્નિધ્યમાં છે જ્યાં હાજરી આપી ફાતેહા પઢવાની તક મને મળી હતી જેને હું મારું સદભાગ્ય સમજું છું.

જો કે મને એમને નજીકથી મળવા-ઓળખવાની તક મળી નથી પણ વતનની મુલાકાત દરમિયાન હું મારી અગાસીમાંથી એમને પોતાના મકાનની બહાર ટહેલતાં જોતો. પરિચિત બહેનો “કેમ છો અમીના બહેન” કહીને જ્યારે એમની ખબર પૂછતી તો જવાબમાં “હું તો સારી છું પણ તમે કેમ છો?” એમ કહી બધાંની ખબર પોતે પણ પૂછતાં. ઉદાર દિલ હતાં અને પોતાની શક્તિ મુજબ ગરીબોને પણ મદદ કરતાં રહેતાં.

ભૂલાવીને ભલે બેઠા છીએ એને અમે ‘નૂરી’
છતાં મોકા ઉપર તો એ બરાબર યાદ આવે છે

મરહૂમ અમીના બહેનનું આ જીવનવૃત્તાંત તૈયાર કરવામાં જરૂરી માહિતી પૂરી પાડવા બદલ હું એમના લઘુબંધુ જનાબ અબ્દુલભાઇ હાજી ઉમરજી અભલીનો હ્રદયપૂર્વક આભાર માનું છું. લખાણમાં કોઇ ઉણપ કે ભૂલ હોય તો તે તરફ મારું ધ્યાન દોરવા વાંચક મિત્રોને હું વિનંતી કરું છું જેથી રહી જતી કોઇ ઉપયોગી માહિતીનો સમાવેશ કરી શકાય અને ભૂલ હોય તો તે સુધારી લઇ શકાય.