Hira Ismail Musa
જનાબ ઈસ્માઈલ મુસા હીરા
જન્મ: ૧૦-૦૭-૧૯૩૭ મરણ: ૨૨-૦૭-૨૦૨૩
ટંકારીઆના અણમોલ ‘હીરા’,અલવિદા.
રજૂ કર્તા: નાસીરહુસેન લોટીયા
…એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે…
…જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
-‘ગની’ દહીંવાલા
મુંબઈમાં રહીને ટંકારીઆ ગામના વિકાસના કામોમાં જીવનભર ખાસ રસ લેતા, અને હંમેશા ઉદાર રકમનું દાન આપનાર, દરિયાદિલ, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં મોભાનું સ્થાન ધરાવનાર, એવા મરહૂમ હાજી ઈસ્માઈલભાઈ હીરાવાલા આ ફાની દુનિયાને અલવિદા કહીને આખિરતની દુનિયા તરફ હંમેશા માટે કૂચ કરી ગયા છે એ સમાચાર સાંભળી અત્યંત દુ:ખની લાગણી થઈ. એમનો ઈન્તેકાલ આજે, તારીખ ૨૨/૦૭/૨૦૨૩ના, મુંબઈમાં થયો છે. એમની વિદાયથી ટંકારીઆ ગામ અને સમગ્ર ભરૂચી વહોરા પટેલ સમાજને ન પૂરી શકાય એવી ખોટ ઊભી થઈ છે. ટંકારીઆ હાઇસ્કૂલના મકાનનું બાંધકામ, ગામની પ્રાથમિક શાળાઓના કેટલાક જરૂરી કામો, મુસ્તુફાબાદ યુથ ક્લબ ટંકારીઆ દ્વારા સંચાલિત પુસ્તકાલયના મકાનનું બાંધકામ, શાળાના બાળકોને મુસ્તુફાબાદ યુથ ક્લબ પુસ્તકાલય દ્વારા આપવામાં આવતા પુસ્તકો, ટંકારીઆ વોટર વર્કસના કામો, કૂવામાંથી પાણી ખેંચવા માટેની નવી મોટરો/પંપ, ગામની પાણીની ટાંકીની મરામત, ગામના રસ્તા બનાવવા જેવા અનેક જાહેર સેવાના કામોમાં તેમનું ઉદાર યોગદાન રહ્યું છે.
જે-તે સમયે ટંકારીઆ કન્યાશાળા પાસે પોતાનું મકાન ન હતું ત્યારે કન્યા કેળવણીના મહત્વને ખાસ ધ્યાનમાં રાખી, ભાડું લીધા વગર વિનામૂલ્યે કન્યાશાળા એમના મકાનમાં ઘણા વર્ષો સુધી કાર્યરત હતી એ પણ એમની મહાન ખિદમતોમાંની એક અણમોલ ખિદમત હતી. તેઓ ગરીબ લોકોને, વિદ્યાર્થીઓને અને દર્દીઓને હંમેશા મદદ કરતા હતા. મરહૂમ ઈસ્માઈલભાઈ અને એમના હીરા કુટુંબનું ખાસ કરીને ટંકારીઆ ગામના બાળકોના શિક્ષણને લગતા કામોમાં દાયકાઓથી મોટું યોગદાન રહ્યું છે. પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવીને ટંકારીઆમાં થતા કેટલાક ખાસ કાર્યક્રમોમાં હાજરી આપવા તેઓ મુંબઈથી ટંકારીઆ આવતા હતા. આમ માતૃભૂમિ સાથે જીવનભર જોડાયેલા રહ્યા હતા.
મુંબઈમાં સ્થાયી થયેલા મૂળ ટંકારીઆ ગામના જનાબ હાજી ઈસ્માઈલભાઈ હીરાવાલાની અમૂલ્ય સેવાઓ ફક્ત ટંકારીઆ ગામ પૂરતી જ સીમિત ન રહી, સમગ્ર ભરૂચી વહોરા પટેલ સમાજ સુધી વિસ્તરી હતી. ઘી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી સંસ્થાના અત્યંત સક્રિય ટ્રસ્ટી/હોદ્દેદાર તરીકે તથા દાનવીર તરીકે એમનું ખૂબ અગત્યનું યોગદાન રહ્યું છે. રમઝાન માસમાં મુંબઈના પટેલ મુસાફરખાનામાં રોકાતા લોકો માટે સેહરી તથા ઇફ્તારી માટેનું આયોજન વર્ષો સુધી જનાબ ઈસ્માઈલભાઈ તરફથી કરવામાં આવતું હતું. મુંબઈના પટેલ મુસાફરખાનામાં જરૂરી ફર્નિચરનું પોતાના તરફથી દાન કરવા જેવા ઘણા સરાહનીય કામો તેમણે આ સંસ્થાના હોદ્દેદાર તરીકે કરીને એક ઉમદા મિસાલ કાયમ કરી છે. તેઓ ઘી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ (સ્થાનિક)ના ચેરમેન અને ટ્રસ્ટી પણ હતા. તદુપરાંત, જરૂરતમંદ લોકોને આર્થિક સહાય અને વગર વ્યાજની લોન આપવાનું સરાહનીય કામ કરતી ‘પટેલ અર્બન સોસાયટી’ના ટ્રેઝરર તરીકે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. વેલ્ફેર હોસ્પિટલ ભરૂચને આપવામાં આવેલી એમની અમૂલ્ય સેવાઓ પણ હંમેશાં યાદ રહેશે.
ટંકારીઆ: ઈતિહાસની રોશની પુસ્તકમાં એમના સવાબે જારીયહના ઘણા કામો સુવર્ણ અક્ષરે કોતરાયેલા છે. એમના પરોપકારી જીવનમાં એમણે કરેલા સેવાના અનેક કામો આજની અને આવનારી પેઢીઓ માટે દિશાસૂચનનું કામ કરશે, અને એમણે કંડારેલા માર્ગે ચાલવાનું માર્ગદર્શન આપણને મળતું રહેશે. અલ્લાહ રબ્બુલ ઇઝઝત એની ખાસ રેહમતથી આવા નેકદિલ ઈન્સાનની નાની મોટી તમામ ભૂલોને માફ કરી એમની નિ:સ્વાર્થ ખિદમતોનો બેહતરીન બદલો આપી જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે. આમીન.
“ઉરતે જો ફિઝાઓં મેં થે શાહીન ન રહે
બાઝૌક ન રહે ઝહીન ન રહે
– અલ્લામા ઇકબાલ
TANKARIA WEATHER