Daud Mohmed Khandhiya

દાઉદ મહમદ ખાંધીયા ટંકારવી

જન્મ: ૧૫/૧૨/૧૯૪૪ મરણ: ૧૦/૦૮/૨૦૧૯

□ મહેક ટંકારવી

મરહુમ દાઉદભાઇ સાથે એક જ ગામમાં રહેતા હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ તો મળ્યો નહીં એ વાતનું દુ:ખ ખરું પણ “શાહીન” અને “અંજુમન વૉઇસ” જેવાં મૅગેઝિનોમાં એમના અભ્યાસપૂર્ણ લેખો અને સુંદર, વહેવારિક ગઝલો વાંચી એમના વિષે એક આદર્શવાદી, કોમ હિત ચિંતક અને અભ્યાસી વ્યક્તિ હોવાની છાપ મારા મનમાં જરૂર અંકિત થઇ ગયેલી. આપણા ગામે જે કેટલાક સારા કવિઓ, લેખકો અને સામજિક કાર્યકરો આપ્યા છે તેમાં દાઉદભાઇનો પણ સમાવેશ જરૂર કરી શકાય.

એમની હયાતીમાં ૦૧૨માં એમણે મને એમની આપવીતી આલેખતું બે પાનાનું એક લાંબું લખાણ મોકલેલું અને સાથે દસેક જેટલી અપ્રગટ ગઝલો પણ સામેલ કરેલી. લખાણમાંથી એમનો સુંદર પરિચય મળી રહે છે આશયે અહીં એમના શબ્દોમાં એમની આપવીતી રજૂ કરવાનું મુનાસિબ સમજું છું. પોતાનો પરિચય આપતાં તેઓ લખે છે:-

“૧૯૫૭ થી ૧૯૬૧ ટંકારીઆ હાઇસ્કૂલમાં અભ્યાસ જે દરમિયાન સાહિત્યથી ખાસી એવી અભિરુચિ થઇ ગઇ. અંગ્રેજી, ગુજરાતી, ફારસી ખૂબ આનંદ આપનારા વિષયો. વાર્તાઓ, નિબંધો અને કવિતાઓ વાંચવામાં ખૂબ મજા પડતી. પણ ગણિત સાવ કાચું! આપણે જાણે ગણિતના માણસ જ નહીં! કલાપી મારો સહુથી વધુ પ્રિય કવિ છે. ૧૯૬૨માં એસ.એસ.સી. પાસ કરી જેમાં સ્કૂલમાં પ્રથમ નંબર આવેલો.

૧૦૦ વીંઘા જેટલી જમીન ટેનન્સી ઍકટમાં ચાલી ગઇ હોવાથી કુટુંબમાં સર્જાયેલી આર્થિક ભીંસને કારણે કોલેજનું પગથિયું ચઢવાનો મોકો મળ્યો નહીં. એટલે ત્રણેક મહિના સરકારી ગોડાઉનમાં માસિક ૪૦ રૂપિયાના પગારે અનાજ તોલવાની નોકરી કરી. પછી ઢોરોના ડૉકટર તરીકે અને ઢોરો સાથે કામ લેવાનું ફાવ્યું નહીં એટલે ૨૦ વર્ષની ઉંમરે પોષ્ટ ખાતાની નોકરી સ્વીકારી. પહેલું પોસ્ટીંગ વલસાડ પાસે આવેલા ભિલાડમાં થયેલું. અહીં બેઉ દિશાઓમાં પહાડો છે. સાંજે નોકરી પરથી છૂટી રૂમ પર આવી ચાપાણી કરી પહાડ પર ચાલ્યા જવાનો અને કુદરત સાથે વાતો કરતા રહેવાનો નિત્યક્રમ. એકવાર પહાડ પર જ આંખ મીંચાઇ જતાં રાતના ૧૨ વાગી ગયેલા.

મુકેશજી અને રફીએ ગાયેલાં ગીતોને યાદ કરી કહે છે “તે સમયનાં ગીતો કેટલાં સુંદર! કેટલાં મીઠાં-મધુર, શબ્દો પણ કેટલા સરસ! અને એમાં રહેલા ભાવનું તો પૂછવું જ શું? હવે એવાં મજાનાં અને કંઇક મેસેજ આપતાં ગીતો જ કયાં જોવા મળે છે.”

૨૨ વર્ષની ઉંમરે ૧૯૬૬માં ટંકારીઆ પોષ્ટ માસ્તર તરીકે નિમણૂંક થઇ. ટંકારીઆ સબ-પોષ્ટ ઓફિસનું ઉદ્દઘાટન મારા હાથે થયેલું. ઉદ્દઘાટન પ્રસંગે ડૉ શુકલ સાહેબે રૂપિયા ૫૦૦નું સેવીંગ સર્ટિફિકેટ ખરીદેલું તે યાદ છે.

૩૭ વર્ષની એકધારી નોકરી પછી ૫૭ વર્ષની વયે વહેલી નિવૃત્તિ સ્વીકારી લીધી. ૨૦૦૧માં મકાન બનાવ્યું અને ૨૦૦૨માં તેમાં રહેવા આવી ગયો. અઢી વર્ષ ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા લોકોને મકાનો બનાવી આપી થાળે પાડવાના રિલીફ કામમાં જોડાયો. કોઇ પણ જાતના વેતન વિના સેવાઓ આપી. મારી જિંદગીનાં આ અઢી વર્ષ એ અત્યંત કીંમતી સરમાયો છે. એમાં મને જે આનંદ મળ્યો તે અવર્ણનીય છે.

કરમાડના પોસ્ટીંગ દરમિયાન ૧૯૭૫થી કુર્આનનો અભ્યાસ શરૂ કર્યો અને આજ સુધી કુર્આન, હદીષ, ઇસ્લામી તારીખ અને સીરતે નબવી (સલ) સાથે ગેહરો લગાવ કાયમ છે. હજી પણ રોજનું ૮-૧૦ કલાક જેટલું લેખન-વાંચન ચાલે છે. એક અંગત લાયબ્રેરી પણ ઊભી કરી છે જેમાં પાંચેક જેટલી તફસીરો, બુખારી અને મુસ્લિમ શરીફ તથા અન્ય સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૯૮૫થી લખવાની શરૂઆત કરેલી અને મારી એક દીકરીનું નામ ‘નજમા’ છે તેના પરથી ‘અબુ નજમા’ના ઉપનામથી ઘણાં લેખો લખેલા.

શાહીન સાપ્તાહિક, યુવા સાથી માસિક, મેમન વેલ્ફેર માસિક તથા અંજુમન વોઇસ માસિકમાં મારા લેખો અને ગઝલો છપાય છે. ગુજરાતીમાં ૨૦૦ જેટલી તથા ઉર્દૂમાં ૩૦૦ જેટલી ગઝલો તૈયાર છે. ઉપરાંત વિવિધ મેગેઝીનોમાં છપાઇ ચૂકેલા ૧૦૦ જેટલા લેખો હાથવગા પડેલા છે. હાલ મારી ઉર્દૂ ગુજરાતીની ૧૦૦ જેટલી ગઝલો “વહેતાં નીર” નામના સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે. અલ્લાહ ચાહશે તો અન્ય સાહિત્ય પણ પુસ્તક સ્વરૂપમાં મૂકવાનો પ્રયાસ કરીશ.”

એમની આ ટૂંકી આપવીતી પરથી એ કેવા ઉમદા દિલના, કોમની ભરપૂર લાગણી ધરાવતા હમદર્દ ઇન્સાન હતા તેનો આપણને સહેજે ખ્યાલ આવી જાય છે. ૨૦૦૨ના ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા અસંખ્ય મુસ્લિમ પરિવારોને વિવિધ વિસ્તારોમાં મકાનો બનાવી આપી, તોડફોડ કરવામાં આવેલ દુકાનો-મકાનો-મસ્જિદોને રિપેર કરાવી આપી ઠારે પાડવામાં એમણે “જમાતે ઇસ્લામી હિંદ”ના વડોદરા યુનિટના ઇનચાર્જ રહી, અણથક મહેનત અને દોડધામ કરી અઢી વરસ સુધી જબરદસ્ત કામગીરી બજાવી હતી. અલ્લાહ એની અપાર કૃપાથી એમની એ નિખાલસ, સ્વયંસેવી મહેનતો અને સમય શક્તિની અમુલ્ય કુરબાનીઓને કબુલ કરી એનો બહેતરીન બદલો આપે અને એમના દરજાઓને બુલંદ કરે. આમીન.

લેખન-વાંચનના શોખીન, અને પ્રખર અભ્યાસી એવા શાંત, એકાંતપ્રિય, ચિંતનશીલ અને ઊર્મિસભર હૈયાના, આપણે તો ભાવને ઓળખવાવાળા માણસ છેએવુંકહેતાઆ કવિ લેખકે પોતાની અનેક પ્રગટ, અપ્રગટ કૃતિઓ પાછળ છોડી છે જેમને પુસ્તક સ્વરૂપમાં તો એ મૂકી શકયા નહીં. જેમ મરહુમ ‘ઝાકિર’ ટંકારવીની બાબતમાં, તેમ મરહુમ દાઉદભાઇની બાબતમાં પણ આ કામ મરણોત્તર પણ જો થઇ શકે તો એમનું અધુરું રહેલું એ કામ પૂર્ણ થાય અને એ કવિજીવોની યાદ એક લાંબા સમય સુધી જળવાય રહે.

છેલ્લે એમના બે શેરથી પૂરું કરું છું:

પંખીની પાંખ થઇને જવું’તું ગગન સુધી
મહોબ્બતના જામ લઇને જવું’તું અમન સુધી
કાંટાઓ કોણ આટલા નાંખી ગયું અહીં?
કેડી ઉપર થઇને જવું’તું ચમન સુધી