Ismail (Bapu Master) Ghodiwala
જનાબ ઇસ્માઇલ (બાપુ માસ્તર) ઘોડીવાલા

જન્મ: ૧૯૨૫ – મરણ: ૧૯૮૭
લખી મોકલનાર: જનાબ યાકુબ બાજીભાઇ ભૂતાવાલા, બોલ્ટન, યુ.કે.
વિદ્યાર્થી જીવનની ઘણી યાદો જ્યારે તાજી થાય છે ત્યારે અમુક ખાસ નોંધ લેવા જેવા બનાવો વિષે લખવાનું મન થાય છે. આવા જ ખાસ બનાવોમાં ટંકારીઆ પ્રાથમિક શાળાના ઇસ્માઇલ બાપુ માસ્તરના હુલામણા નામથી ઓળખાતા આપણા જ ગામના એક ખૂબજ નિખાલસ, નિસ્વાર્થ અને મહેનતુ શિક્ષક સાહેબનો એક પ્રસંગ આજે યાદ આવે છે.
ગામમાં નવી નવી સ્થપાયેલી ટંકારીઆ હાઇ સ્કૂલમાં અમે ધોરણ ૮માં જ્યારે ભણતા હતા ત્યારે મરહુમ બાપુ સાહેબ હાઇ સ્કૂલ કમિટીના માનદ ખજાનચી હતા. હાઇ સ્કૂલને તે વખતે સરકારી ગ્રાન્ટ મળતી ન હતી એટલે શિક્ષકોનો પગાર ચૂકવવા વિદ્યાર્થીઓ પાસેથી મહિનાની પાંચ રૂપિયા ફી લેવામાં આવતી હતી. જો કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ આ ફી એક-બે અઠવાડિયાં મોડી લાવે તો શિક્ષકનો પગાર બાપુ સાહેબ પ્રાથમિક શિક્ષક તરીકેના પોતાના પગારની રકમમાંથી ગમે તેમ કરીને ચૂકવી આપતા. આ પરદુ:ખભંજક શિક્ષક પોતે દુ:ખ કરીને પણ હાઇ સ્કૂલના શિક્ષકોનો પગાર સમયસર ચૂકવાય તેની ખૂબ ફિકર કરતા.
એક વેળા અમારા કલાસમાંથી ચારપાંચ વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા. પરિણામે તેઓ બીજ ગણિત અને ભૂમિતિમાં પાછળ પડી ગયા અને કાચા રહી ગયા. અમારા કલાસ ટીચર જનાબ એ.યુ.પટેલ સાહેબ જેઓ હાલ લંડનમાં રહે છે અને જેઓ ભણાવવામાં ઘણાજ ઉત્સાહી હતા તેમણે અમે બીજ ગણિત અને ભૂમિતિમાં કાચા રહી ગયા છે એ વાત મરહુમ બાપુ માસ્તરને કરી. બાપુ માસ્તરે તરતજ અમારા આખા કલાસને આવીને કહ્યું કે જો તમે ઉનાળાના વેકેશનમાં સવારે સ્કૂલે આવતા હોય તો હું તમને બીજ ગણિત અને ભૂમિતિ શીખવાડીશ. અમે હા પાડી એટલે ફી વગર આ વેકેશન કલાસ શરૂ થઇ ગયો અને એક મહિનાની બરાબર મહેનતને અંતે અમે બધાજ બીજ ગણિત અને ભૂમિતિમાં પાકા બની ગયા. વેકેશન બાદ સ્કૂલ ફરી ખૂલતાં એજ વિષયના અમારા શિક્ષક અમારી પ્રગતિ જોઇને ઘણાં જ ખુશ થઇ ગયા અને બાપુ સાહેબની મહેનતના ભારોભાર વખાણ કર્યા.
અત્રે મનમાં એક સવાલ જે પેદા થાય છે તે એ કે શું આજની શાળાકીય કમિટીઓમાં આવા નિસ્વાર્થ અને શાળાના બાળકોના અભ્યાસની સાચી ફિકર કરવાવાળા શિક્ષકો કે સેવકો મળી શકે ખરા? જ્યારે જ્યારે સ્કૂલના દિવસો યાદ આવે છે ત્યારે ત્યારે આ બનાવ અચૂક મનમાં તાજો થાય છે. ગામની, શાળાની અને પોતાના વિદ્યાર્થીઓની જેમને ભારોભાર લાગણી હતી એવા અત્યંત નિસ્વાર્થ, સેવાભાવી અને લાગણીપ્રધાન બાપુ સાહેબને અલ્લાહ પાક જન્નતુલ ફિરદોસમાં જગા આપે એવી રમઝાનના આ મુબારક મહિનામાં આ નાચીઝની દુઆ છે. આમીન.
TANKARIA WEATHER
આવા આદર્શ શિક્ષકોના હાથે શિક્ષણ અને સંસ્કાર મેળવી બહાર પડેલા વિદ્યાર્થીઓ પોતાના એ કર્તવ્યનિષ્ઠ શિક્ષકોનું નામ તો રાખે જ છે, પણ તેમનું મિશન પણ એટલા જ ઉત્સાહ અને ધગશથી ચાલુ રાખે છે જે ઉપરોક્ત લખાણ લખી મોકલનાર જનાબ વાય.બી.ની પોતાના કુટુંબ, ગામ અને સમાજ પ્રત્યેની અપાર લાગણી અને ગામોત્કર્ષનાં કામો માટેની એક યુવાનને લજવે એવી ધગશ જોઇને કહી શકાય છે. આના સંબંધમાં ચાઇનીઝ ફિલોસોફર લાઓ-ત્સેનું એક કથન યાદ આવે છે:
“વર્ષો સુધી છાંયડો આપ્યા બાદ વિદાય લેતું વૃક્ષ કહે છે: “હું જાઉં છું પણ બીજ છોડતું જાઉં છું. ધરતીમાં ઢબૂરાયેલું એ બીજ, વરસાદના અમી છાંટણાં પીને ફરી પાછું વૃક્ષ બનશે; છાંયડો આપશે; વાદળો ખેંચી લાવશે; વરસાદથી ધરતીને મઘમઘતી કરી દેશે; પ્રકૃતિને હરિયાળી રાખશે અને વાતાવરણને સરસ મજાનું બનાવી મૂકશે.”
સારા, મહેનતુ અને સંસ્કારી શિક્ષકોએ વાવેલાં બીજ આ રીતે ફૂલેફળે છે અને પોતાની આસપાસના સમાજને હરિયાળો અને સુવાસિત બનાવતાં રહે છે. એમના ઉપકારોને ભૂલી શકાય એમ નથી. એટલે જ તો જે મા-બાપ વિષે કહેવાયું છે તે આવા શિક્ષકો અને આપણા માનવંત ઉસ્તાદો માટે પણ કહી શકાય છે:
ભલે ભૂલો બીજું બધું, ઉસ્તાદને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એમના, એ કદી વિસરશો નહીં