Ibrahim Mathiya
ઇબ્રાહીમભાઇ મઠિયા
જન્મ: ૧૯૪૦? મરણ: મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩
રજૂ કરનાર: ‘કમાલ’ પટેલ
સુથાર ફળિયા ટંકારીઆ (મુસ્તફાબાદ)ના રહીશ.
મૂળ ‘બા-બયઅત’ અપભ્રંશ બાબયત કુળ. ખંભાત નગરથી આવેલા કુટુંબનો સભ્ય
એક સીધો, સાદો સુજન માણસ!
ખરા અર્થમાં એક ‘આમ’ આદમી!
ટંકારીઆ ગામના પાદર જેવા ભરચક વિસ્તારમાં ‘ચા’- ચ્હાની નાની સરખી ઓરડી ધરાવે. તે પણ ભાડૂતી. પરોઢે ઊઠીને, પોતપોતાના કામસર જતા આવતા લોકોને હર્ષભેર આવકારે અને ગરમાગરમ કડક, મીઠી મસાલેદાર ચા પીવાડે. કેવળ ચા નહીં, ચાહ – ચાહત પણ.
આવો બેસો સ્વાગત છે
ચાયની સાથે ચાહત છે
ટંકારીઆ ભરૂચ તાલુકાનું આશરે પંદરેક હજારની વસતી ધરાવતું આગળ પડતું મોટું ગામ! ગામમાં અને ગામની બહાર નાનું મોટું બાંધકામ થતું રહે, તેમાં ગામ પરગામના શ્રમિકો (પરગામના વધારે) ઉપરાંત અન્ય પ્રદેશો વિશષત: રાજસ્થાનના કારીગરો, ઇબ્રાહીમની ચા ગટગટાવી હૂંફ મેળવે. તાજગી અને સ્ફૂર્તિ મેળવી પોતપોતાનું કામકાજ શરૂ કરે.
ઇબ્રાહીમ મઠિયાની ચાની ઓરડી આગળ ડાયરો જામે. ગામના સ્થાનિક નિવૃત્ત સજ્જનો અને વિદેશ વસવાટ કરતા વતનની મુલાકાતે અવારનવાર પધારતા NRI અતિથિઓનું મિલન સ્થળ! અલક મલકની વાતો થાય, દૈનિક છાપાં વંચાય, ડાયરામાં શામેલ થતા રહેતા બધા ભાઇઓને આ ઇબ્રાહીમભાઇ હસીખુશી આવકારતા રહે.
હસીખુશી સૌને આવકારતો રહ્યો
ચાય સાથે ચાહ પણ પીવડાવતો રહ્યો
પૂર્વ કવિ શાઇરે મશરિક અલ્લામા ઇકબાલની એક પંક્તિ: ‘તેરા તરીક અમીરી નહીં, ગરીબી હે, ખુદી ન બેચ, ગરીબી મેં નામ પેદા કર’ ના આબેહૂબ સ્વરૂપ જેવો ગરીબીમાં પણ માલામાલ સ્વભાવ ધરાવતો માણસ ભૂખ્યો માણસ. મરહુમ હાડકાના અસાધ્ય રોગનો ભોગ બનીને છેવટે મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩ના રોજ અલ્લાહની મરજીને આધીન થયો. અલ્લાહ મગફેરત કરે! ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઊન.
TANKARIA WEATHER