ખલીલ ધનતેજવી સાહેબ

edited By Nasir Lotiya

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

ખલીલ ધનતેજવી સાહેબ, તારીખ ૪ એપ્રિલ ૨૦૨૧ ને રવિવારના રોજ વહેલી સવારે આ ફાની દુનીયા છોડી ગયા છે. તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામે થયો હતો. તેઓ ખુબ જાણીતા સાહિત્યકાર, ગુજરાતી ઉર્દુના ગઝલકાર, પત્રકાર, લેખક, નવલકથાકાર, સુપ્રસિધ્ધ સમાચાર પત્રોના કટાર લેખક, કોલમ લેખક, સહતંત્રી, તંત્રી, સંપાદક, ફિલ્મી સામયિકના રિપોર્ટર, ફિલ્મોના લેખક અને દિગ્દર્શક હતા. મૂળ ખેડૂત જીવ માંથી કવિ જીવ બનેલા આ ગઝલકાર બીડી પીવાના શોખીન હતા એવું કહું એના કરતાં તેઓ સાદગીના પ્રતિક હતા એવું કહીશ તો વધુ યોગ્ય ગણાશે.

સાદગીના આ ગઝલકારના ગુજરાતી ગઝલ સંગ્રહોમાં સ થી શરૂ થતો ‘સાદગી’ ગઝલ સંગ્રહ સૌ પ્રથમ હતો. ત્યારપછી સારાંશ, સરોવર, સોગાત, સાયબા, સાંવરિયો, સૂર્યમુખી, સગપણ, સોપાન, સારંગી, અને સમગ્ર જેવા ગઝલ સંગ્રહો પ્રસિધ્ધ થયેલા. શાયદ અને ધીરે બોલ નામથી તેમના ઉર્દૂ-હિંદી ગઝલ સંગ્રહો પણ પ્રસિધ્ધ થયેલા. ‘ભજનની ચોપડી’ થી તેમણે લખવાની શરૂઆત કરી હતી. તેમણે ડૉ. રેખા, તરસ્યાં એકાંત, સુંવાળો ડંખ, સફેદ પડછાયા, સળગતો બરફ, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, સન્નાટાની ચીસ, લીલા પાંદડે પાનખર, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો જેવી નવલકથાઓ લખી છે.

તેમને કલાપી  પુરસ્કાર, અમૃતા પુરસ્કાર, મેઘાણી પુરસ્કાર, હીરેન્દ્ર દવે લાઈફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત કરાયો હતો. આટલી બધી ખૂબીઓ ધરાવતા ખલીલ ધનતેજવી સાહેબે કેવળ ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું એવું કહું તો જેઓ એમનાથી પરિચિત નથી એમને એવું લાગે કે મને આ ઉનાળાની ગરમીની અસર થઈ છે. ખલીલ સાહેબ એવી યુનિવર્સીટીમાં ભણ્યા હતા જે યુનિવર્સીટીનું નામ ખલીલ હતું. આ યુનિવર્સીટીમાં ખલીલે, ખલીલને ખુબ ભણાવ્યો હતો. ખલીલ પ્રોફેસર ખલીલ વિદ્યાર્થીને બરાબર ભણાવતા રહ્યા હતા. તેમણે લખાયેલા સર્ટીફીકેટ વગરની પીએચડીની એવી પદવી મેળવી હતી કે તેમના જીવનના અભ્યાસથી બે વિદ્યાર્થીઓ પીએચડીની અને બે વિદ્યાર્થીઓ એમફિલની પદવી મેળવી ચુક્યા છે.

એમની કારકિર્દી કથા/આત્મકથા ‘સોગંદનામું’ આપણને બધાંને હિંમતથી જીવન જીવી જવાની પ્રેરણા આપતી રહેશે. એમણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. તકલીફોનું નિરાકરણ પરિવર્તનથી લાવનારા એ કર્મભૂમિના યોધ્ધા હતા. ક્યારેક ખેતીમાં તો ક્યારેક કપડાંની ફેરી કરવામાં એમણે નાનમ નહોતી અનુભવી. તેમની આત્મકથા ‘સોગંદનામું’ના વાંચનથી  જાણવા મળે છે કે તેઓ ધનતેજ ગામ છોડીને વડોદરા રહેવા આવ્યા ત્યારે રૂપિયા માટે લોકોને અનાજ વેચીને આવ્યા હતા; તેઓ ૨૭ રૂપિયા તેમની સાથે લઇને વડોદરા રહેવા આવ્યા હતા. પછી મુઠ્ઠીભર અનાજ ખરીદવા તેઓ પોતે જયારે કતારમાં ઉભા હતા ત્યારે એમણે એમની એ પ્રખ્યાત ગઝલ “અબ મેં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું.”  લખી હતી. તેઓ ૫ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. એમના પિતા એમના દાદાના એકમાત્ર સંતાન હતા જેથી એમના ઉછેરની જવાબદારી એમના દાદાએ નિભાવી હતી. પિતાના અવસાનનો ઘા ભરાય એ પહેલાં એમના ભાઈ અને બહેન અવસાન પામ્યા હતા. કુટુંબના વર્ણનમાં ખલીલ સાહેબ વધુમાં જણાવે છે કે પતિ અને પોતાના બે નાના બાળકોના અકાળે થયેલા અવસાનના ગમ ના કારણે અને ઘરની અત્યંત વિકટ પરિસ્થિતિનો બોજ સહન ન થવાના કારણે એમની માતાનો સ્વભાવ ખુબ ચીડિયો થઈ ગયો હતો. એમના માતા એમના દાદા સાથે ઝઘડો કરતા રહેતા હતા. દાદા એટલા નરમ સ્વભાવના હતા કે જો ઘરના ખાટલા સાથે અથડાય જાય તો ખાતલાનીય માફી માંગે એવા. કુટુંબની વિષમ પરિસ્થિતિઓને કારણે તેઓ ૭ વર્ષે શાળામાં ભણવા બેથા હતા. ૪ ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી આગળ ભણવું હોય તો બીજેગામ જવું પડે. બહારગામ જાય તો ખેતી કરનાર કોઈ ના રહે તેથી ખેતીમાં લાગી ગયા. કોઈક કવિએ લખેલી કવિતાની પંક્તિઓ ખલીલ ધનતેજવી સાહેબના પિતાશ્રીએ ચોકથી તેમના ઘરમાં ઉંચાઈ પર લખી રાખી હતી, આ પંક્તિઓ તેમણે વાંચી હતી. તેમના દાદાએ એમને એવી પણ માહિતી આપી હતી કે એમના પિતા ગઝલ/કવિતાનો ખુબજ શોખ ધરાવતા હતા. આ ઉપરાંત ખેતરમાં કામ કરતા મજૂરોના પગના ચીરા જોઈ ખલીલ સાહેબ ખુબ દુઃખી થતા. પોતાના, પોતાના કુટુંબીજનોના, સાથે કામ કરતા લોકોના જીવનની હાડમારીઓ, બચપણમાં પિતાનું ત્થા ભાઈ અને બહેનનું મૃત્યું જેવી બાળમાનસમાં ભેગી થયેલી આ બધી સંવેદનાઓની અભિવ્યક્તિઓ ગઝલ સ્વરૂપે બહાર આવવા લાગી હતી. ખલીલ સાહેબ કહે છે “પહેલી પંક્તિ જ્યારે મનમાં આવી ત્યારે કલમના બદલે હાથમાં દાતરડું હતું.”
આ બધી સંવેદનાઓ જીવનભર એમની સાથે રહી જે સમયે-સમયે ગઝલોના રૂપમાં બહાર આવતી ગઈ.

“ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો…
…ભીંત ફાડીને ઊગયો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો”

આપણા ટંકારીયા ગામના વડવાઓની જેમ જીવનની મુશ્કેલીઓના કારણે એમની ભણવાની તમન્નાએ પોતાની અને કુટુંબની ભૂખ સામે હાર સ્વીકારવી પડી હોઈ એવું ભલે લાગતું હોય, પરંતુ આમ હાર માને એવા કાચા મનના તેઓ ન હતા. ખલીલ સાહેબને ૫૬ વર્ષની વયે ઍટેક આવ્યો હતો. એ પછી તેમને પાંચ વાર ઍટેક આવ્યા હતા. એમણે ત્રણ વાર ઍન્જિયોપ્લાસ્ટિ પણ કરાવી હતી. તેમના પત્ની બીમાર પડયા ત્યારે અઢળક નાણા ખર્ચીને તેમને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ તેમને બચાવી શક્યા ન હતા. તેઓ હિંમત હારી જાય એવા ન હતા. એમની બીજી વિશેષતાઓમાં તેમનો પહાડી અવાજ, એમનો અંદાઝે બયાં હંમેશા યાદ રહેશે. એમની ઘણી ગઝલો એમના જીવનની ઘટનાઓ/હાડમારીઓ આધારિત હતી જેને તેઓએ એટલી સરળતાથી રજુ કરી કે એમની ગઝલો લોકોના હ્રદય સુધી ખુબ સરળતાથી પહોંચી ગઈ અને તેથીજ તેમને ક્યારેય સામેથી દાદ માંગવાની જરૂરત ન પડી. તેઓ ગઝલો મોઢે રાખતા એટલે એને મુશાયરાઓમાં લખીને લાવવાની પણ એમને જરૂરત ન રહેતી. એમણે એમના બાળકોને ગ્રેજ્યુએટ, પીએચડી સુધી ભણાવ્યા છે. ખલીલ સાહેબ કહે છે “મારા ઘરમાં બધા ભણેલા છે ફક્ત હું એકલો જ અભણ છું”. એમના લખાણો અને ગઝલોમાં નોંધાયેલ કેટલીક માર્મિક ટિપ્પણીઓ ખુબ ઊંડી હોય વાંચવામાં ખુબ મજા આવતી હોય છે. એમની સેન્સ ઓફ હ્યુમર ઊંચા દરજ્જાની હતી.

અઝીઝ ટંકારવી સાહેબની TV 9 ગુજરાતી સાથેની વાતચીતથી એ જાણવા મળ્યું કે ૧૯૭૫માં ટંકારીયામાં મુશાયરાનો કાર્યક્રમ હતો. વાવાઝોડા જેવા પવનના વેગના કારણે રસ્તામાં ઝાડ પડી ગયેલા એટલે વાહનવ્યવહાર બંધ થઇ ગયેલો. ખલીલ ધનતેજવી સાહેબ પાલેજથી ટંકારીયા સુધીનું ૯ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને આવ્યા હતા. સાહિત્યપ્રેમી ટંકારીયા ગામના મુશાયરાઓમાં મિત્રો સાથે મારી હાજરી ચોક્કસ હોય એટલે ખલીલ સાહેબની ટંકારીયા ગામમાં થયેલી એ પહેલી મેહ્ફીલનો હું પણ ચોક્કસ સાક્ષી રહ્યો હશે એવું માનું છું.

કોરોના મહામારીના આ વિકટ સમયમાં જયારે આપણે આપણા વ્હાલા કુટુંબીજનોને અકાળે આ દુનિયાથી વિદાય લેતાં જોઈ રહ્યા છે ત્યારે અને તકલીફો/યાતનાઓની બીજી મુશ્કેલ ઘડીઓમાં, ખલીલ સાહેબનું જીવન, એમની મનોવ્યથા, એમની આત્મકથા, મુશ્કેલ સમયની એમની પહાડી અડગતા, એમના ગયા પછી એમના બાકી રહેલા પહાડી અવાજ સાથેના હિંમતથી ભરેલા શબ્દો, ગમે તેવા વિકટ સમયમાં આપણું મનોબળ સચવાય રહે એ માટે આપણું માર્ગદશન કરી હિંમત આપવાનું કામ કરતા રહેશે. અલ્લાહ તઆલા મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં ઉંચો મકામ આપે એવી દિલી  દુઆઓ છે. નીચેની બે પંક્તિઓ મને એમના જીવન અને મરણનું સચોટ પ્રતિબિંબ હોય એવી લાગી છે.

“અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે
ચાહે મેરી જાન જાયે ચાહે મેરા દિલ જાયે”

ધનતેજ નું ધન તેજ થઇ ગયું.

5 Comments on “ખલીલ ધનતેજવી સાહેબ

 1. Really Khalil Saheb was a great great poet in Gujarati literature. May Allah SWT grant him in place of Jannah. Aameen

 2. Heart warming and really moving piece of article on Khalil Saheb. Jazakallah. I have had opportunity to listen to him in Tankaria. His poetry had such an impact and listening to it in his unique voice was a whole different level of experience. His passing is a huge loss to Gujarati literature community. May Allah SWT grant him a place in Jannat ul Firdaus. Aameen.

 3. મહેક ટંકારવી સાહેબ, ઇકબાલભાઈ ધોરીવાલા, રફીકભાઈ કડુજી, અનવરભાઈ ખાંધીયા આપના મેસેજમાં લખાયેલા શબ્દો માટે આપ સૌનો આભાર.
  ખલીલ સાહેબની દિલની વેદનાઓને, એમના જીવનની ઘટનાઓ અને હાડમારીઓને એટલી સરળતાથી એમણે રજૂ કરી કે એમની ગઝલો લોકોના હ્રદય સુધી ખુબજ સરળતાથી પહોંચી ગઈ અને તેથીજ તેમને મુશાયરાઓમાં ક્યારેય સામેથી દાદ માંગવાની જરૂરત ન પડી. તેમની છબિ અને શૈલી દિલ અને દીમાગમાં હંમેશા અંકિત રહેશે.
  (૧) ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
  ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી…
  …જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
  એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી…
  (૨) અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
  વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
  મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે…
  (૩) મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
  આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી…
  …આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
  કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી…
  (૪) મારા પરસેવાની લીલા તો જુઓ,
  ભર ઉનાળે લીલોછમ થાતો રહ્યો,
  તમને ચોમાસુ પણ ભીંજવી ના શક્યું,
  હું ઉનાળામાં પણ ભીંજાતો રહ્યો…
  (૫) લય વગર, શબ્દો વગર, મત્લા વગર
  હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર
  તેં તો તારો છાંયડો આપ્યો મને
  હું જ ના જંપી શકયો તડકા વગર…
  (૬)…નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,
  અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે…
  …અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,
  તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે…
  અને છેલ્લે એમની ખુબ પ્રખ્યાત થયેલ ગઝલની પંક્તિઓ…
  (૭) સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
  કાંકરા નાખીને કૂંડાળા ન કર
  લોક દિવાળી ભલેને ઊજવે,
  પેટ બાળીને તું અજવાળા ન કર
  આજથી ગણ આવનારી કાલને,
  પાછલાં વરસોના સરવાળા ન કર…
  …ક્યાંક પથ્થર ફેકવાનું મન થશે,
  ઈંટને તોડીને ઢેખાળા ન કર…
  અનેક ખૂબીઓ અને આગવી શૈલીના માલિક ખલીલ ધનતેજવી જેવા બીજા કોઈ ગઝલકાર ફરી ભવિષ્યમાં આપણને સાંભળવા મળશે તો ખુબ આનંદ થશે.

 4. બહુ સરસ નાસીરહુસૈન. તમારા આવાં સુંદર વિવિધ વિષયો પર લખાતા રહેતાં લખાણોથી ટંકારીઆ વેબસાઇટને એક નવીન દિશા મળી છે. ધન્‍યવાદ. લખવાનું ચાલુ રાખશો. ખલીલ સાહેબ સાથે ઘણાં મુશાયરાઓમાં દેશમાં અને અહીં યુ.કે.માં પણ ભાગ લેવાના અવસરો સાંપડયા હતા. એમની ઉર્દૂ અને ગુજરાતીમાં લખાયેલી ગઝલો જેટલું વાંચવાનું ગમે એટલું જ એમના ઘેઘૂર અવાજમાં સાંભળવાનું પણ ગમે છે. એેમનો એે પહાડી અવાજ ગઝલપ્રેમીઓના કાનમાં લાંબા સમય સુધી પડઘાતો રહેશે. ખૂબ જ સીધા સાદા સરળ માનવી. મુશ્કેલીઓમાં પણ ખૂબ જ હિંમતથી જીવી ગયા અને આપણને પણ અડીખમ રહી મુસીબતોનો સામનો કરવાનું શીખવી ગયા છે. અલ્લાહ પાક મગફેરત ફરમાવે.

  માટીની કાયાનો તો નિશ્ચિત હતો અંતિમ મુકામ
  ઓઢીને માટીની ચાદર માટીમાં ઢબૂરાઇ ગઇ
  એ હતી પ્‍યાસી ને દર્શનની અભિલાષી હતી
  લઇ મિલનની આશ આંખો પણ ‘મહેક’ મીંચાઇ ગઇ

Leave a Reply to Shakil Bha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*