Abdullah Kamal Patel ‘Kadam’

અબ્‍દુલ્લાહ કમાલ પટેલ ઉર્ફે ‘કદમ’

Kadam Tankarvi

જન્‍મ: ૨૦/૦૨/૧૯૩૬ મરણ: ૨૬/૦૧/૨૦૨૩

રજૂ કર્તા: ‘મહેક’ ટંકારવી

જ. અબ્‍દુલ્લાહ કમાલ પટેલ ઉર્ફે ‘કદમ’ નો જન્‍મ ૨૦મી ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ ટંકારીઆ, તા. જિલ્લા ભરૂચમાં થયો હતો. ૧૯૬૧માં ઇંગ્‍લૅન્‍ડ આવ્યા ત્યારથી પ્રેસ્ટન, યુ.કે.ને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ધોરણ ૮માં ભણતા હતા ત્યારથી જ સાહિત્ય રુચિ ધરાવતા હતા. લેખન-વાંચનનો એટલો ભારે શોખ કે ટૂંક સમયમાંજ એમણે શાળા માટે “પ્રકાશ” નામના એક હસ્તલિખિત માસિકની શરૂઆત કરી હતી. જોડણીની શુદ્ધતાનો એમનો આગ્રહ ગાંધીજીના આગ્રહને પણ ટપી જાય એવો એટલે આખા મૅગેઝીનમાં એકેય જોડણીદોષ જોવા ન મળતો. અક્ષરો મોતીના દાણા જેવા. બરાબર આ જ ચીવટ અને સફાઇ જીવનપર્યંત એમના દરેક કામમાં જળવાઇ રહી હતી.

પ્રથમથી જ પત્રકારત્વનો શોખ ધરાવતા હોઇ એમણે પ્રેસ્ટનથી પ્રથમ “આવાઝ” પખવાડિક અને છેલ્લે ‘નવયુગ’ નામનું સમાચાર અને સાહિત્યનું માસિક શરૂ કરી એનું સુરેખ સંપાદન કર્યું હતું. આ બેઉ સામયિકોએ અહીંના વિવિધ પરગણાંઓમાં છૂપાયેલા કવિઓ, લેખકો અને સાહિત્ય શોખીનોને બહાર લાવવામાં સારો એવો ભાગ ભજવ્યો હતો. “આવાઝ” કાર્યાલય તરફથી ટાઉને ટાઉને મુશાયરાઓ યોજાયા અને સાહિત્ય પ્રવૃત્તિને વેગ મળ્યો. ૧૯૭૩માં જર્મનીથી પધારેલા જાણીતા ગઝલકાર ‘શેખાદમ’ આબુવાલાની પ્રેરણાથી ‘ગુજરાતી સાહિત્ય મંડળ’નું ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’માં નામકરણ થયું અને ‘કદમ’ ગિલ્ડના મહામંત્રી બન્‍યા અને અનેક વર્ષો સુધી તેમણે એની એકધારી નિસ્વાર્થ સેવા બજાવી. બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના જતન અને વિકાસમાં ‘ગિલ્ડ’નું પ્રદાન નોંધપાત્ર છે અને તેમાં ‘કદમ’ની ભાષાપ્રીતિ અને સર્જક પ્રતિભાએ પ્રેરક બળ તરીકે, તો ‘ગિલ્ડ’ના પ્રમુખ અને પાયાના સભ્યોની ગઝલપ્રીતિ અને માતૃભાષા પ્રત્યેની પ્રારંભિક લગનીએ ચાલક બળ તરીકે કામ કર્યું છે.

એક સારા પત્રકાર ઉપરાંત એક સારા ગઝલકાર પણ હતા. એમની પ્રારંભિક ગઝલો ‘બેકાર’ સાહેબના ‘ઇન્‍સાન’ માસિકમાં પ્રગટ થયેલી. એમની ટૂંકી વાર્તાઓ, કટાક્ષ લેખો, પ્રહસનો અને નિબંધો ‘વતન’ના ‘સર્જાતું સાહિત્ય’ વિભાગમાં નિયમિત પ્રગટ થતી રહેતી. એમની અડધી સદીની રચનાઓ, ગઝલો-હઝલો એમના ૨૦૦૩માં પ્રગટ થયેલા ‘વેદના સંવેદના’ અને ‘આવરણ’ એમ બે ગઝલ સંગ્રહોમાં સચવાયેલી છે. સામાન્‍યત: રીબાતી, જુલ્મ અને અત્યાચારનો ભોગ બનતી, દુ:ખી અને પીડાતી માનવતા અને વિશેષત: મુસ્લિમ પ્રજાનું દર્દ એમની ગઝલોમાં સરળ ભાષામાં વ્યક્ત થયું છે. ‘આવરણ’માં પોતાની હૃદય ઊર્મીઓ પરનું બંધ ઢાંકણ એ ધીરે ધીરે એક પછી એક ઉઘાડે છે અને આપણને એક સંવેદનાશીલ કવિ તરીકેના એમના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એમના કાવ્યોમાં માનવ સંહારનો ભોગ બનેલા, દબાયેલા, કચડાયેલા, તરછોડાયેલા નિર્દોષ સમાજોની વિવશતા અને વેદના તીવ્રપણે વ્યક્ત થયેલી છે. એમના આ ગઝલ સંગ્રહોનું વિમોચન લોર્ડ પટેલ ઓફ બ્‍લેકબર્ન (મરહુમ આદમભાઇ ફાંસીવાલા) આયોજિત એક ઐતિહાસિક કાર્યક્રમમાં બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. ‘મહેક’ ટંકારવી સંપાદિત સહિયારા ગઝલ-હઝલ સંગ્રહ ‘સબરસ’માં એમની હઝલો અને મુક્તકો સચવાયેલાં છે.

ગઝલ સંગ્રહો ઉપરાંત ‘ઇસ્લામ: ગુજરાત અને સુન્‍ની પરંપરા’માં એમણે સુન્‍ની વહોરા પટેલ પૂર્વજો, તેમની પરંપરાઓ, ધાર્મિક માન્‍યતાઓ, ખોરાક, પોષાક વગેરે બાબત રસપ્રદ અને ઇતિહાસના અભ્યાસી માટે ઉપયોગી કહી શકાય એવી માહિતી પીરસી છે. એમણે આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ કર્યો છે. એમનું છેલ્લું પુસ્તક ‘મદીના કે આસપાસ (મજમુઆ નાઅત)’ છે જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજીમાં એમણે લખેલી ના’અત શરીફ (પ્રશસ્તિ કાવ્યો)નો સંગ્રહ છે. આ બેઉ પુસ્તકો એમણે ‘કમાલ’ મુસ્તફાબાદીના નામથી પ્રગટ કર્યાં છે. “સોગાત”માં મુક્તકો, ટૂંકા લેખો ઉપરાંત જીવન દરમિયાન મળેલા મિત્રો, મુરબ્‍બીઓના ઉપકાર, આવકારનો એમણે આભારવશ સ્વીકાર કર્યો છે. એ સિવાય પણ એમણે કેટલાક અનુવાદો તથા સંશોધનાત્મક લેખો પણ લખેલા છે. તેઓ અભ્યાસુ હતા. એમના ગહન અભ્યાસની ઝલક એમની અનોખી શૈલીમાં લખાયેલી કૃતિઓમાં દેખાય છે.

સૂફી-સંતોની સંગતમાં બેસનારા, સૂફી મિજાજ ધરાવતા, નેકદિલ, અને સરળ સ્વભાવના આ સીધા સાદા ઇન્‍સાન ૮૭ વર્ષનું લાંબુ આયુષ્‍ય ભોગવી, સાહિત્ય અને લોક સેવા કરતાં કરતાં તારીખ ૨૬/૦૧/૨૦૨૩ ને શુક્રવારની રાત્રે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા હતા. તેમની દફનવિધિ બ્‍લેકબર્નના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. અલ્લાહ પાક મરહુમની દીની-દુન્‍યવી ખિદમતોને કબૂલ કરી એનો બેહતરીન બદલો આપે અને મરહુમને જન્‍નતુલ ફિરદૌસમાં જગા અતા ફરમાવે એવી દુઆ ગુજારીએ છીએ.

1 Comment on “Abdullah Kamal Patel ‘Kadam’

  1. Posted under News Section on January 27, 2023.
    ‘સંભારણા સૌના દિલમાં રાખી ગયા’
     ‘અલવિદા કમાલ સાહેબ’ – નાસીરહુસેન લોટીયા દ્વારા દિલસોજી.

    કેવા કેવા, સારા સારા, માણસો આવી ગયા
    માણસાઈનું   જગતમાં  નામ ચમકાવી ગયા
    ભેદ  સત્ય   ને  અસત્યનોય    સમજાવી ગયા
    મોક્ષનો, મુક્તિનો, સીધો માર્ગ બતલાવી ગયા

    અંમ્બિયા,  અલ્લાહનો સંદેશ સંભળાવી ગયા
    છે  ઘણા એવા  કે  જેઓ યુગને પલટાવી ગયા

    પૂર્વજોને પગલે ચાલીને   ‘કદમ’   ફાવી ગયા
    છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા  – કદમ ટંકારવી

    સૂફી-સંતોની સંગતમાં બેસનારા, સૂફી મિજાજ ધરાવતા, નેકદિલ, સરળ સ્વભાવના સીધા સાદા  ઇન્સાન, ‘કમાલ’ મુસ્તફાબાદી અને ‘કદમ’ ટંકારવી તરીકે ઓળખાતા હાજી અબ્દુલ્લાહ કમાલ માસ્તર (બાદશાહ) આ ફાની દુનિયાને અલવિદા કહીને આખિરતની દુનિયા તરફ હંમેશા માટે કૂચ કરી ગયા છે એ સમાચાર જાણી અત્યંત  દુઃખની લાગણી થઈ. અલ્લાહ તઆલા તેમની  મગફેરત ફરમાવી તેમના દરજાતને બુલંદ ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ મકામ અતા કરે.

    મરહૂમના બે કાવ્યસંગ્રહો ‘આવરણ’ તથા ‘વેદના સંવેદના’  ૨૦૦૩માં પ્રકાશિત થયા હતા. તેમની હઝલો અને મુક્તકો ‘સબરસ’માં સચવાયેલાં છે. આ ઉપરાંત  ‘ઈસ્લામ: ગુજરાત અને સુન્ની પટેલ પરંપરા’ પુસ્તક ગુજરાતીમાં ૨૦૧૫માં અને અંગ્રેજી ભાષામાં ૨૦૧૮માં પ્રકાશિત થયા છે. ગદ્ય અને પદ્યમાં તેમણે કરેલા અનોખા વિષયોની પસંદગી અને તેમની લખાણની અનોખી શૈલી પણ હંમેશા યાદ રહેશે. તેઓ ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુ.કે. ના માનદ મહામંત્રી તરીકે ઘણા વર્ષો સુધી સેવાઓ આપતા રહ્યા હતા. મરહૂમ ખૂબ જ અભ્યાસુ હતા; એમનો એ ગહન અભ્યાસ એમની કૃતિઓમાં દેખાય છે.

    “ચાલ્યું ગયું એ કોણ અહીં શબ્દ વેરતું ?” કદમ ટંકારવી સાહેબના જવાથી એક અસાધારણ છબી ધરાવતા સાહિત્યકારની ખોટ અવશ્ય સાલશે.

    ‘ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં’ પુસ્તકમાં એમની બે-ત્રણ યાદો સાચવવાનું અહોભાગ્ય મને સાંપડ્યું છે એ અલ્લાહનું મોટું એહસાન છે.

    કોઈ ‘કદમ’ કહે કે, કોઈ કહે ‘કમાલ’ !
    ઉપનામથી પંકાય, એ સુન્ની પટેલ છે    – કદમ ટંકારવી

Leave a Reply to Nasirhusen Lotiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*