ટંકારીઆ કોવિડ કેર સેન્ટરનો સમાપન સમારંભ યોજાયો

ખભે-ખભા મિલાવીને કામ કરવાથી કશું જ અશક્ય નથી : નાસીર લોટીયા

વિશ્વને પોતાના ભરડામાં લપેટી લીધેલ કોરોના મહામારીએ વિશ્વને હેરાન પરેશાન કરી નાખ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં સમગ્ર  ભરૂચ જિલ્લો લપેટાયો હતો. અને જેમાં ગામડાઓમાં  કોરોનાના કેસો નો જાણે રાફડો ફાટી નીકળ્યો હતો. ટંકારીઆ ગામ પણ બાકાત ન હતું. જિલ્લાની દરેક હોસ્પિટલોમાં સારવાર માટે બેડ મળવા પણ મુશ્કેલ થઇ ગયા હતા આવા સંજોગોમાં ૧૯ એપ્રિલે ગામલોકોએ મિટિંગ કરી ટંકારીઆ ગામમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. અને ટંકારીઆ ખાતે જામીઅતે દારુલ બનાતે દિલ ખોલી આખા દારુલ ઉલુમની બિલ્ડિંગને કોવિડ સેન્ટર માટે ફાળવી આપી હતી. અને તારીખ ૨૫ એપ્રિલથી ટંકારીઆ કોવિડ કેર સેન્ટર કાર્યરત થયું હતું.

આ કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માટે ફંડ ની જરૂરત હોય ગામ તથા પરગામ અને વિદેશમાં વસતા એન.આર.આઈ. ભાઈઓના સાથ સહકારથી દાનનો અવિરત ધોધ વહાવી દીધો હતો. જેને લઈને આ કોવિડ કેર સેન્ટરમાં સમાપન સુધી કુલ ૧૪૭ દર્દીઓની તદ્દન વિનામૂલ્યે  સારવાર કરવામાં આવી હતી.

હાલમાં કોરોના ના કેસો લગભગ નહિવત થઇ જતાં અને જનજીવન સામાન્ય થતાં અને કોવિડ કેર સેન્ટર ની હાલમાં જરૂરત નહિ જણાતા કોવિડ કેર સેન્ટર ને બંધ કરવામાં આવ્યું હતું જેનો સમાપન સમારંભ તથા કોરોના યોદ્ધાઓનો તથા તમામ દાનવીરોને સન્માની આભાર વ્યક્ત કરવા માટે ગતરોજ ટંકારીઆ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગામના તથા આજુબાજુના ગામોના લોકો વિશેષ સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી. અને ત્યારબાદ હાજરજનોની ઉપસ્થિતિમાં કોરોના યોદ્ધાઓને  ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત  કરાયા હતા. આ સમારંભમા ડો. વસીમ રાજ, ડો. ઈરફાન પટેલ, ડો. સોયેબ દેગ, ડો. ઈકરામ બચ્ચા, ડો.એજાઝ કીડી, ડો.લુકમાન પટેલ, ડો.મુઝમ્મિલ બોડા, ડો. ઝુબેર ચટી, ડો. મોઇન સામલી, ડો. સરફરાઝ વેવલી, ડો. ઉમ્મેહાની ઉસ્માન લાલન, ડો. ઉવૈશ ભડ, ડો. અશફાક રખડા, સફવાન ભુતા કે જેમણે સતત ખડે પગે રહી સેવા બજાવી હતી તથા મેડિકલ સ્ટાફ, નર્સિંગ  સ્ટાફ તથા વોલિન્ટર ભાઈ બહેનોનો તથા અંજુમન સાર્વજનિક હોસ્પિટલ, મદની શિફાખાના ના જિમ્મેદારોને સત્કારી સમારંભમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમારંભમાં અબ્દુલ્લાહ કામઠી, યુસુફભાઇ જેટ, યુનુસભાઇ ખાંધિયા તથા નાસીરભાઇ લોટીયાએ શરુ થી અંત સુધી ના એકએક રૂપિયાના  ખર્ચની સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી જેને શ્રોતાગણે તાળીઓથી વધાવી લીધી હતી.

આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન તથા ડો. મોહમ્મદ મીયાંજી, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, માજી જિલ્લા પંચાયત સદસ્ય મકબુલ અભલી, ઈબ્રાહિમમાસ્ટર મનમન, અફઝલ ઘોડીવાલા , મોલવી લુકમાનહકીમ ભુતા, મોલવી ઈરફાન ભીમ, અહમદસાહેબ લોટીયા, મહમ્મદસાહેબ રખડા, સઈદસાહેબ બાપુજી, અમીન કડા, મુસ્તાકભાઈ બાબરીયા, અજીજભાઈ ભા, ઝાકીર ઉમતા,  યાસીન શંભુ, બિલાલ લાલન તથા ગામ આગેવાનો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્થા દેશ વિદેશમાં રહેતા અનેક લોકોએ લાઈવ પ્રસારણનો પણ લાભ લીધો હતો.

સમગ્ર સમારંભનું સંચાલન ટંકારીઆના વતની,  સામાજિક કાર્યકર અને કોમની લાગણીશીલ વ્યક્તિ અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*