Important information for Tankaria Covid Care Centre.

ટંકારીયા કોવીડ કેર સેન્ટર અંગે કેટલીક અગત્યની માહિતી.

એપ્રીલ મહીનાના મઘ્ય ભાગમાં અને એ પહેલાં કેટલાક સમયથી રોજના ૩,૪ કે ૫ ગ્રામજનો કોવીડ-૧૯ નો શીકાર બની અકાળે આ દુનિયાથી રૂખસત થઈ રહ્યા હતા. ગરીબ-અમીર બધાય પરેશાન હતા. બધીજ હોસ્પીટલોમાં દિવસો સુધી ઇંતેજાર કર્યા પછી પણ આપણા એ કુટુંબીજનો, ગ્રામજનોને આપણે સારવાર અપાવવા અસમર્થ હતા. વેઇટિંગ લીસ્ટ ખૂબ લાંબા હતા. ગામના એવા કેટલાય દર્દીઓ હોસ્પીટલ ની સારવારથી વંચિત રહ્યા અને આ દુનિયા છોડી ગયા. કેટલાક ગરીબ લોકોની કાળજી આપણે સમયસર બરાબર ન લઈ શક્યા એનો અફસોસ રહી ગયો. અલ્લાહને એ મંજૂર હશે આપણે એમને ગુમાવી ચૂક્યા હતા. બધા પોત-પોતાની રીતે , મિત્રો, સગા વ્હાલાઓ દોડા-દોડી કરી નાના મોટા અસંગઠિત પ્રયાસો કરતા હતા જેમાં વધુ મહેનતે ખૂબ ઓછા રીજલ્ટ જોવા મળતા હતા. બધાંને ગામમાં કોવીડ-૧૯ માટે ખાસ મેડીકલ સુવિધા હોવી જોઇએ એવી જરૂરિયાત મહેસુસ થઈ. એક વિચાર હતો જેમાં વિના વિલંબે કામ શરૂ થયું બધાંનો ખૂબ ઝડપી અને જરૂરી એવો સતત સહકાર મળ્યો, બધાએ સ્વયંભૂ જવાબદારીઓ નિભાવવાની શરૂ કરી દીધી અને સેન્ટર શરૂ થઈ ગયું. સેન્ટર માટે ૨-૩ જગ્યાઓ ચર્ચા વિચારણામાં હતી. દારૂલ બનાતમાં ૫૦૦ બહેનો માટે રહેવા-જમવાની બધીજ પાયાની સુવિધાઓ સાથેની તમામ સુવિધાઓ તૈયાર કરાયેલ હોય આ સુવિધાઓ હાથવગી તૈયાર હતી અને આ સ્થળ ગામથી થોડે દૂર હોવાથી સંક્રમણ ફેલાવવા જેવા જોખમો પણ ખૂબ ઓછા હતા. બધાની સહમતિથી, પ્રયાસોથી આ સેન્ટર શરૂ થયું ત્યારે આપણી પાસે ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓને ધ્યાનમાં રાખી ભરૂચના આપણા અનુભવી એમ.ડી ડૉક્ટરો, ટંકારીયાના અનુભવી ડૉક્ટરોના માર્ગદર્શન મુજબ એવું નક્કી થયું કે એવા દર્દીઓ જેમનું ઓક્સિજનનું લેવલ (SPO2) ૮૦% સુધીનું હોય, એનાથી નીચે ના હોય એમની જ સારવાર આપણે આપણા આ સેન્ટરમાં કરી શકીશું કેમકે આપણી પાસે અથવા માર્કેટમાં વેન્ટિલેટર અવેલેબલ નથી. આવો એક મૂળભૂત દિશા નિર્દેશ ધ્યાનમાં રાખી આપણે કામ કરવું પડશે એવું નક્કી થયું હતું. ભરૂચ, વડોદરા, સુરતમાં ક્રિટીકલ દર્દીઓના સગાઓ, હિતેચ્છુઓ અનેક પ્રયાસો કરવા છતાં દર્દીને સારવાર અપાવવામાં અસમર્થ હતા. આજેય આ પરિસ્થિતિ યથાવત છે. આવા દર્દીઓ તમામ પ્રયાસો કરવા છતાં ક્યાંય સારવાર ના મેળવી શકતાં ટંકારીયા સેન્ટર ના દરવાજે આવીને ઊભા રહેતા ત્યારે કેટલાક નું ઓક્સીજનનું લેવલ ૭૫ % તો કેટલાકનું ૫૦ % કરતાં પણ ઓછું, લેબોરેટરી રીપોર્ટસ માં બીજી અત્યંત ચિંતાજનક લેવલની તકલીફો નો ઉલ્લેખ, બીજી કેટલીક બીમારીઓનો ઉલ્લેખ એવી વિગતો વાળા દર્દીઓ આવતા ત્યારે આપણા પાસે એવા દર્દીઓની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ નથી એવું ડોક્ટરો ચોકકસ જાણતાં હતા પરંતુ કોઈ વ્યક્તિ આપણા દરવાજે આવીને કહે કે હું ચાર દિવસથી ભૂખ્યો છું મને અનેક પ્રયાસો છતાં ક્યાંયથી ખાવા મળતું નથી મને તમારી પાસે સુકા રોટલા નો ટુકડો હોય તો પણ આપો મારી થોડી ભૂખ એનાથી ઓછી થશે તો આપણા ઘરના આંગણામાં આવેલ એવા બેસહારા માણસને આપણે પાછા કાઢતા નથી આપણાથી થાય એ મદદ આપણે જરૂર કરીએ છીએ. બસ એ જ માનવતાના ધોરણોને ધ્યાનમાં રાખી આપણે દર્દીઓની પરિસ્થિતિની સમીક્ષાઓ કરી જે કંઈ શક્ય હોય એ કર્યું છે. ટંકારીયા સેન્ટર માં આખરી હદ ની ક્રિટીકલ કંડીશન સુધી પહોંચી ગયેલા દર્દીઓ પોતાના હિતેચ્છુઓથી થતા તમામ પ્રયાસો પછી જ્યારે કોઈ ઓપ્શન એમની પાસે બાકી બચતો નથી ત્યારે ટંકારીયા સેન્ટર પાસે આવી ઊભા રહે છે ત્યારે એમને માનવતાના ધોરણે દાખલ કરી આપણી પાસેના ઉપલબ્ધ સંસાધનો ઓક્સિજન કોન્સન્ટેટર, બાયપેપ મશીનો થી જે કંઈ પણ શક્ય ટ્રીટમેન્ટ હોય તે આપવામાં આવે છે. આપણે આવા સમયે નક્કી કરેલી ગાઈડ લાઈનને , એક્સપર્ટ ડોકટરોની સલાહોને પણ અનુસરી શક્યા નથી. ગામનો દર્દી ખરાબ હાલતમાં હોય અને સેન્ટર પર ઉમ્મીદ લઈને આવ્યો હોય એને આપણે કેવા શબ્દો કહી પરત મોકલી આપીએ? આ ખુબજ મુશ્કેલ કઠિન નિર્ણય હોય છે પરંતુ આપણે સમયની માંગ સમજી એજ નિર્ણય લીધો છે જે દર્દીના હિતમાં હોય. ક્યારેક કેટલીક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં આવા દર્દીઓને એટલા માટે પણ દાખલ કરવામાં નથી આવતા કે આવા દર્દીઓનું મૃત્યું થાય તો હોસ્પિટલની પ્રતિષ્ઠા ઓછી થાય (આવું હમેશાં બનતું નથી પરંતુ ક્યારેક બને છે. ) આપણો ઉદ્દેશ સેવાનો જ હોય આપણે કોઈ નમ્બર કે આંકડાઓ માં પડયા વિના ગમેતે કંડીશન વાળા દર્દીઓને દાખલ કર્યા છે. આપણાથી જે કંઈ થતું હોય એ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આપણે બધું કરી છૂટવાનું છે એજ આપણો એક માત્ર મકસદ છે. શરૂઆતમાં જે દર્દીઓ દાખલ થયા તેઓ એવા દર્દીઓ હતા કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે, અથવા બીજી હોસ્પિટલોમાં સારવાર ન મેળવી શકવાના કારણે એમનું ઓક્સિજન લેવલ અને હેલ્થ કંડીશન ખુબજ ક્રિટીકલ હતા. લાંબા સમયથી તેઓ મહામારીનો સામનો કરી રહ્યા હતા પોતાના ઘરે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. પરંતુ તેઓને જરૂરી દવાઓ, ઓક્સિજન અનેક પ્રયત્નો છતાં હોસ્પિટલમાં જે ઝડપથી મળે એવા સમયસર ન મળતાં હાલત ખૂબ નાજુક હતી એવું ટેસ્ટ રીપોર્ટસ અને ફિજિકલ કંડીશન થી જાણમાં આવ્યું હતું. હાલમાં પણ કેટલાક નવયુવાન દર્દીઓ સેંટર માં છે જેઓને નાનાં બાળકો છે અને ક્રિટીકલ કન્ડીશનમાં છે. આપણે આવા દર્દીઓના સંબંધીઓ જેઓ બીજી મોંઘી હોસ્પીટલોના ખર્ચને પહોંચી વળે એવી આર્થિક સ્થિતિમાં નથી એમને બીજી સુવિધાઓવાળી હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરી બધો ખર્ચ આપણે આપીશું એવી વ્યવસ્થા કરી છે. જેમને ત્રણ કે ચાર બાળકો છે એવા નવયુવાનોના બાળકોને ગરીબ પરિસ્થિતિને કારણે તકલીફમાં મુકાવું ના પડે એ આપણે નજર સમક્ષ રાખી એમને બધીજ મદદની જીમ્મેદારી લીધી છે. અલ્લાહને મંજૂર હોય અને એવા નવયુવાન દર્દીઓ આ દુનિયા છોડી જાય તો કદાચ આપણો ફિકરમંદ સમાજ એના કુટુંબીજનોની આર્થિક જવાબદારીઓ અલ્લાહની મદદથી પૂરી કરવા પ્રયત્નો જરૂર કરે પરંતુ એવા બાળકોની તરબિયતનું કામ મા-બાપ જે કરી શકે એવું ન થાય. આવા બધા કેસો ફોન દ્વારા, રૂબરૂ, બધા એક બીજાના સતત કોન્ટેકમાં રહી એવા દર્દીઓને જરૂરી ન્યાય અને સહાય મળી રહે તે માટે વિચાર વિમર્શ થતા રહે છે અને એક માત્ર સેવાના ઉદ્દેશથી કામગીરી ચાલી રહી છે. બધાની ફિકરો સમજી શકાય એમ છે.

ડૉ. વસીમ રાજ (પામલેન્ડ હોસ્પિટલ ભરૂચ), ડૉ. ઇરફાન પટેલ (ગ્લોબલ હોસ્પિટલ ભરૂચ), ડૉ. સમીર પટેલ (સીટી કેર હોસ્પિટલ ભરૂચ) રાત્રી ના ૨-૩ વાગ્યા સુધી આપણા ગામના અનુભવી ડૉક્ટરો સાથે ટંકારીયા કોવીડ કેર સેંટર પર આવી માર્ગદર્શન આપતા રહે છે. મવ. અસ્લમ આ ડોકટરોની ટીમને લઈને ટંકારીયા આવે છે. આ ડૉક્ટરો આખો દિવસ સેવાના કામો કર્યા પછી ટંકારીયા આવે છે રાતના ઉજાગરાઓ કરી જે સેવાઓ તેઓ આપી રહ્યા છે એ કાબીલે તારીફ છે. ડૉ. અજવદ, અલ મેહમુદ હોસ્પીટલ જંબુસરથી આવી જરૂરી માર્ગદર્શન આપે છે. વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનની ટીમ સાથે ટંકારીયા માં ખુબજ મહત્વની મીટીંગ થઈ. આ ટીમે આપણ ને ખૂબ અગત્યની બે મદદો કરવાનું વચન આપ્યું છે. જે માટે તેઓ બધા કામે પણ લાગી ગયા છે. ગામના અંજુમન હોસ્પીટલ અને મદની શિફાખાના હોસ્પીટલ ના હોદ્દેદારો, ગામના આગેવાનો, ઉત્સાહી યુવાનો વડીલો બધા ખભે-ખભા મિલાવી આ કામમાં એકાગ્રતા થી કામ કરી રહ્યા છે જેનું રીપોર્ટીંગ સમયના અભાવે થતું નથી. ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, બીજો સ્ટાફ ખડે પગે રમજાનના રોજાઓ રાખી સતત સેવાઓ આપી રહ્યા છે જેઓ સૌથી મોટો ભોગ આપી રહ્યા છે. બધાની ફિકરોના સંદેશાઓ, ફોન અને મદદ મળતી રહે છે. લેટેસ્ટ દવાઓ અને ટ્રીટમેન્ટ આપણે દર્દીઓને આપવાની ભરપૂર કોશિશો કરી રહ્યા છે. ઈન્ટરનેટના આ જમાનામાં સામાન્ય મેડીકલનું જ્ઞાન ધરાવતા મારા-તમારા જેવા લોકો પાસે પણ ઘણી માહિતીઓ ઉપલબ્ધ હોય છે ત્યારે આપણા પ્રોફેશનલ સ્ટાફ પાસે એમના પોતાના અનુભવો અને એક્સપર્ટ ડૉક્ટરોના માર્ગદર્શનના સથવારે જરૂરી તમામ જ્ઞાન છે એ માટે આપણે ભલે બધા ફિકર કરતા હોઇએ પરંતુ આપણી પાસે અલ્લાહ ના કરમથી ગામનો જ ખૂબ કાબેલ અને અનુભવી સ્ટાફ છે. માર્કેટમાં જરૂરી નાના મોટા સાધનો પૈસા ખર્ચવા છતાં મળતા નથી એ મોટી રૂકાવટ છે જેનો ઉકેલ લાવવાના બધા પ્રયાસો ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ એક દર્દીની પાછળ દરરોજના ૭૫૦૦ રૂપિયા થી ૮૦૦૦ નો ખર્ચ આવે છે. એમાં આપણે કોઈ કચાસ રાખતા નથી. આ અંદાજીત ખર્ચમાં જરૂરી લેબોરેટરીના રિપોર્ટ (અમુક દિવસોના અંતરાલે થતા રિપીટ રિપોર્ટ સાથે), દવાઓ, જમવાનો ખર્ચ, સ્ટાફ નો પગાર, ઓક્સીજન, બાયપેપ મશીનો, વીજળી, દર્દીના કુટુંબીજનો માટે થતો ખર્ચ વગેરે નો સમાવેશ થાય છે. આ પ્રાથમિક અંદાજ છે. જેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અથવા જે દર્દીઓ ખાનગી હોસ્પીટલોમાં સેવાઓ લઈ રહ્યા છે એમને આ ખર્ચાઓનો અંદાજ સારી રીતે છે. દર્દીઓની સેવા, એમની તકલીફોમાં આપણાથી થતી તમામ સહાયના ઉદ્દેશ, ઈરાદાઓ સાથે બધા ભેગા મળી આગળ ઉપર પણ કામ કરતા રહીએ એજ આજના આ મુશ્કેલ સમયની માંગ છે. આપણા ભાઈઓ, બહેનો, વડીલો જ્યારે ખૂબ તકલીફમાં છે ત્યારે મારી, આપની બધાની કંઈ ને કંઈ જવાબદારીઓ બને છે એને નિભાવવાના તમામ પ્રયાસો આપણે બધા કરી રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ આગળ ઉપર કરતા રહીશું. અલ્લાહ પોતાના બંડાઓની બહું વધારે આજમાઈશ કરતો નથી. અલ્લાહની પાસે આ મુશ્કેલ સમયમાં ખાસ દુઆઓ ગુજારતા રહીએ એની ખાસ મદદ આપણને ચોકકસ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*