મુસ્તફાબાદ ટંકારીયાનો ઇતિહાસ

ભાગ ૧- પ્રમાણભૂત ઐતિહાસિક સ્ત્રોતોના આધારે: (PDF)
સંપાદન: નાસીરહુસેન અહમદ લોટીયા.

—————————————————————————–
ભાગ ૧- પ્રમાણભૂત ઐતિહાસિક સ્ત્રોતોના આધારે:
સંપાદન: નાસીરહુસેન અહમદ લોટીયા
આ એક એવા અનોખા ગામનો ઇતિહાસ છે, જે ગામથી પ્રભાવિત થઈ, મુજ્ફ્ફરીદ રાજ્વંસના ‘અહમદ શાહ બાદશાહ’ અને મુગલ સામ્રાજ્યના ‘જહાંગીર બાદશાહ’, ગામને ખાસ પ્રાધાન્ય આપતા હતા. અનેક સૂફી-સંતો, વલીઓએ, આ ગામને કર્મ ભૂમિ તરીકે પસંદ કરી ગામની માટીમાં દફન થવાનું પસંદ કર્યું હતું. આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓની ચળવળની નોંધ જીનીવા ખાતેના ‘યુનાઇટેડ નેશન્સ’ના મુખ્યાલયમાં થતી બેઠકમાં લેવામાં આવતી હતી. મહાત્મા ગાંધી આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની ખાસ કદર કરતા હતા. અંગ્રેજ અધિકારીઓ આ ગામથી પ્રભાવિત હતા. અંગ્રેજોના શાસનકાળથી આ ગામની શાળાના શિક્ષણની ગુણવત્તા ઉદાહરણ તરીકે અધિકૃત સરકારી અહેવાલોમાં પ્રસિધ્ધ થતી હતી. આ ગામના લોકોની કોઠા સુઝ, એકતા, ભાઈચારો અને એક બીજાના દુઃખમાં ભાગીદાર થવાની નિખાલસ ભાવના સમગ્ર પંથકમાં જાણીતી હતી.

આ ગામના લોકોએ ગામની ‘ખરાબા’ તરીકે પ્રખ્યાત થયેલી જમીનોને ધોમધખતા ઉનાળાના તાપમાં કમર પર પટ્ટા બાંધીને ખેતીલાયક બનાવી હતી. મોટા કુટુંબો અને ગામની ટાંચી જમીનોના લીધે જેમના ભાગે ખૂબ ઓછી જમીન આવી કે જમીનનો એકાદ નાનો ટુકડો પણ જેમને નસીબ ન થયો તેમણે કોઈ પણ જાતની નાનમ રાખ્યા વિના જીંદગી ભર કાળી ખેત મજુરી કરી, રંગકામ કરી, ફાનસો જેવી ઘરવપરાશની ચીજોનું સમારકામ કરીને રોજીરોટી મેળવી હતી. કુટુંબના ભરણપોષણની પાયાની જવાબદારી નિભાવવા લોકો વજનદાર પોટલાં ખભે લઈ ગરમી કે ઠંડીની પરવા કર્યા વિના ગામે ગામ પગે ચાલીને ફેરી કરવા નીકળી પડતા. ખેતરોમાં હળ ચલાવતાં, ફેરી ફરતાં કે એક ગામથી બીજા ગામ ઢોરોને હંકારી જવા જેવા કઠીન કામ કરતાં કરતાં લોકોના પગમાં આંટણ અને કણી પડી જતી, તેની વેદનાઓને વેઠીને પણ હંમેશા હલાલની કમાણીના માર્ગે ચાલતા રહી ગામના એ મહેનતકસ લોકોએ પોતાની આખેઆખી જિંદગીઓની અમુલ્ય કુરબાની આપી દઈ પોતે જીવનભર તકલીફો ઉઠાવતા રહીને પોતાના અને ગામના બાળકોને આલીમ, હાફેજ, કારી, શિક્ષક, ડોક્ટર, ઇજનેર, ફાર્મસિસ્ટ, કવિ, લેખક, રાજકારણી, સમાજસેવક અને દાનવીર બનાવ્યા. બાળકો ભણ્યા- ગણ્યા અને દેશ-વિદેશમાં ગામનું નામ રોશન કર્યું. ગામની આગવી ઓળખ ઉભી કરનાર પ્રગતિની એ ઉંચી ઈમારતોના પાયામાં ગામના એ વડીલોની કોઠા સુઝ, અને પરસેવાની હલાલની કમાઈનું વિશેષ યોગદાન છુપાયેલું છે એ નકારી ન શકાય એવું સત્ય છે. ખામોશ થઇ ગયેલ એ આપણા પૂર્વજોની પડઘમ અવાજોના હવામાં રહી ગયેલા પડઘા, એ ભવ્ય, ઉંચી ઈમારતો સાથે અથડાઈને, પલટાઈને, અકળાઈને, પોતાના બાળકોને ઢંઢેારીને, ઊંઘમાંથી જગાડીને પૂછી રહ્યા છે ;

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું – – –
– – –
– અમૃત ‘ઘાયલ’

ગામનો લેખિત ઇતિહાસ નષ્ટ કે વિલીન થઇ જાય એ પહેલાં, એને સુરક્ષિત કરી લેવાના શુભ ઉદ્દેશથી પ્રયત્નો થતા રહ્યા છે. ગામના ઇતિહાસ જાણવાની જીજ્ઞાસા સાથે મને અનેક પ્રમાણભૂત ગ્રંથો વાંચવાનો મોકો મળ્યો. આ ગ્રંથોના અભ્યાસ દરમિયાન મુસ્તફાબાદ ટંકારીયાના ઇતિહાસ અંગેની જે નાનામાં નાની રસપ્રદ માહિતી મળતી ગઈ, તેને નોંધી લઈ એ નોંધના આધારે ભાગ ૧નું સંપાદન કરી તેને પ્રકાશિત કરેલ છે. મુસ્તફાબાદ ટંકારીયાના ઇતિહાસના લખાણમાં જે સંદર્ભ ગ્રંથો નો ઉલ્લેખ કરેલ છે તે અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો વાંચવા માટે ઇતિહાસના અભ્યાસનો શોખ ધરાવતા ગ્રામજનોએ સંપાદકનો સંપર્ક કરવો.

અનેક ખુબીઓથી ભરપૂર ટંકારીયા ગામ અને તેના ખમીરવંતા લોકોના ભવ્ય ઇતિહાસ માટે થોડા શબ્દો લખવાનો મોકો અલ્લાહ તઆલાએ મને આપ્યો એના આનંદની લાગણી સાથે ઇતિહાસની આ નવીનતમ આવૃત્તિનો પહેલો ભાગ વતન પ્રેમીઓને અર્પણ…    

ટંકારીયા ગામનું અસલ નામ મુસ્તફાબાદ હતું: (વર્ષ ૧૪૫૩ અને તે પહેલાંથી)
ટંકારીયા ગામનું અસલ નામ મુસ્તફાબાદ હતું તેના પુરાવા નીચે જણાવેલ આધારભૂત ઐતિહાસિક શિલાલેખ/ ગ્રંથોમાં સચવાયેલા છે.  

(i) ગામની જામે મસ્જિદની દિવાલ સાથે જડેલ મૂળ અરબી ભાષામાં લખાયેલ શિલાલેખ/ એપિગ્રાફમાં ગામના નામનો ઉલ્લેખ ફક્ત મુસ્તફાબાદ તરીકે જ કરવામાં આવ્યો છે. આ શિલાલેખમાં ગામનું નામ ટંકારીયા તરીકે ક્યાંય લખાયેલ નથી જેથી પુરવાર થાય છે કે ઈ.સ.૧૪૫૩માં ગામનું નામ મુસ્તફાબાદ હતું. આ શિલાલેખ મસ્જિદની દીવાલમાં જડેલ હોવાથી સલામત છે.

(ii) ‘સ્ટડીજ ઇન ઇન્ડીયન પ્લેસીસ નેમ્સ’ (‘ભારતીય સ્થાનોના નામોનો અભ્યાસ’) ભાગ ૯, પૃષ્ઠ ૭૬
(iii) ‘ઇસ્લામિક ઇન્ડિયા સ્ટડીજ ઇન હિસ્ટ્રી, એપીગ્રાફી, ઓનોમેસ્ટિક અને ન્યુમિસ્મેટિક્સ’ (‘ઇસ્લામિક ભારતનો અભ્યાસ: ઇતિહાસ, શિલાલેખ વિદ્યા, હસ્તાક્ષરીય લેખની વિદ્યા, અને સિક્કાશાસ્ત્ર/ મુદ્રાશાસ્ત્ર માટે’) પૃષ્ઠ ૫૭, ૭૯ અને ૩૪૪.

(iv) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, એપીગ્રાફીઆ ઇન્ડિકા- અરેબિક ઍન્ડ પર્શિયન સપ્લીમેન્ટ’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભારત સરકાર, ઇપીગ્રાફીઆ ઇન્ડિકા- અરબી અને ફારસી પુરવણી’) આવૃત્તિ ૧૯૭૫ના પૃષ્ઠ ૩૦ પર આ મુજબ નોંધાયેલ છે, ‘જામે મસ્જિદની દિવાલ સાથે જડેલ શિલાલેખ/ એપીગ્રાફ ફક્ત જામે મસ્જિદના નિર્માણનો ઇતિહાસ પ્રદાન કરતો નથી, પરંતુ તે આપણને એ પુરાવો પણ પૂરો પાડે છે કે ઈ.સ.૧૪૫૩માં ગામનું નામ મુસ્તફાબાદ હતું.’

(v) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ ના સંશોધન અધિકારી શ્રી એન. એમ. ગાનમનું ખુબજ મહત્વનું નિવેદન ‘એપીગ્રાફિકા ઈંડિકા’ ગ્રંથનાં પાના ૧૭ પર તેમના સંશોધનનાં આધારે નોધાયેલ છે: ‘ટંકારીયા રેકોર્ડની તારીખે સત્તાવાર રીતે મુસ્તફાબાદ તરીકે ઓળખાતું હતું. આ એપીગ્રાફ શહેરના નામ બદલવાના વર્તમાન સમયના રિવાજોનો એક વધુ દાખલો પ્રદાન કરે છે. નગરના સ્થાનિક ઇતિહાસ માટે એપીગ્રાફનું મહત્વ તરત જોઈ કે સમજી શકાય એવું (ઉઘાડું/સાફ) છે.’

(vi) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ના એપીગ્રાફીના નિયામક ડૉ. જેડ. એ. દેસાઇએ સ્થાનોના નવા નામકરણ સંબંધિત તથ્યો અંગે તેમના સંશોધનના આધારે નોંધ્યું છે કે ‘મુગલ પૂર્વેના સમયગાળા દરમિયાન એપીગ્રાફથી જાણીતા એવા ઓછામાં ઓછા ૦૫ સ્થાનોને નવા નામો આપવામાં આવ્યા છે. (૧) ગુજરાતના ભરૂચ જિલ્લામાં મુસ્તફાબાદ ના બદલે ટંકારીયા (૨) ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મહમુદાબાદ ના બદલે દિયાદર (૩) રાજસ્થાનના જાલોર જિલ્લામાં મહંમદાબાદ ના બદલે સાંચોર (૪) ગુજરાતના રાજકોટ જિલ્લામાં રસુલાબાદ ના બદલે માળીયા (૫) ગુજરાતના રાજકોટ જિલ્લામાં અંબિયાબાદ ના બદલે ખાખરેચી.’ સંદર્ભ: ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, એપીગ્રાફીઆ ઇન્ડિકા- અરેબિક ઍન્ડ પર્શિયન સપ્લીમેન્ટ’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભારત સરકાર, ઇપીગ્રાફીઆ ઇન્ડિકા- અરબી અને ફારસી પુરવણી’) આવૃત્તિ ૧૯૭૪, પેજ ૩ અને આવૃત્તિ ૧૯૭૫, પેજ ૩૦.

ગામની પ્રવર્તમાન સંસ્થાઓનું નામકરણ, ‘મુસ્તફાબાદ આઈ. ટી. આઈ’ અને ‘મુસ્તફાબાદ યુથ ક્લબ/ લાયબ્રેરી’ ગામના મૂળ નામ ‘મુસ્તફાબાદ’ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

[ વિસ્તૃત માહિતી આપવાના હેતુથી ઉમેરેલ આ લાલ કલરના કૌંસની અંદરનો ભાગ વાચકો છોડી શકે છે. મુસ્તફાબાદ મુઝફફરીદ રાજવંશની સત્તા હેઠળ અને ત્યાર પછી મુગલ સામ્રાજ્ય હેઠળ હતું. ૧૩૯૧ માં ‘દિલ્હી સલ્તનત’ ના શાસક મુહમ્મદ બિન તઘલ​ખે​ જાફર​ ​ખાનને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જાફર ખાને (મુઝફફરીદ રાજવંશના સ્થાપક) અણહિલવાડ-પાટણ નજીક ફરહત-ઉલ-મુલ્કને હરાવી તેને રાજધાની બનાવ્યું હતું. જ્યારે “તૈમૂરે” દિલ્હી ઉપર આક્રમણ કર્યું ત્યારે દિલ્હીની પકડ ગુજરાત ઉપરથી ઢીલી થતાં, જાફર ખાને ૧૪૦૭ માં પોતાને સ્વતંત્ર જાહેર કરી ઔપચારિક રીતે “મુઝફફરીદ રાજવંશ​” ​ની સ્થાપના કરી હતી. મુઝફ્ફરીદ રાજવંશ નો સમયગાળો ૧૫૭૩ માં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધીનો હતો. જાફર ખાન પછી તેમના પુત્ર અહમદ શાહ પહેલાએ, ફેબ્રુઆરી ૧૪૧૧ માં સાબરમતી નદીના કાંઠે નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી હતી. મુઘલ સામ્રાજ્ય (૧૫૭૩-૧૬૦૫)ના બાદશાહ અકબરે મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને ગુજરાત પર કબજો કર્યો. મુઝફ્ફરે ૧૫૮૪ માં સલ્તનતને ફરીથી મેળવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. ગુજરાત ૧૬૦૫ સુધી મોગલ પ્રાંત રહ્યું. ]  

​મુસ્તફાબાદ જામે મસ્જિદ નો ઇતિહાસ: (વર્ષ ૧૪૫૩)
૯ રબીઊલ અવ્વલ હિજરી ૮૫૭ (૨૦ માર્ચ ઈ.સ.૧૪૫૩) માં બનેલી ઐતિહાસિક જામે મસ્જિદની દિવાલમાં એક શિલાલેખ લાગેલો છે. મૂળ અરબીમાં લખાયેલ આ શિલાલેખનો ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે.
‘બધી મસ્જિદો અલ્લાહની ઈબાદત માટે છે. અલ્લાહ સિવાય કોઈની ઈબાદત કરો નહીં. નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું “જેણે અલ્લાહના માટે મસ્જિદ બનાવી તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં ઘર બનાવશે.” કસ્બા મુસ્તફાબાદ​ની​ જામે મસ્જિદ દુનિયાના બાદશાહોના બાદશાહ દીન અને દુનિયાના કુતુબ અબુલ મુઝફ્ફર અહમદશાહ સુલતાનના શાસનકાળમાં અલ્લાહની તવફીકથી બનાવવામાં આવી. નવજવાન આદીલો (ન્યાય કરનારા/ બુદ્ધિમાન લોકો) ના વડા સલાલતુશ્શરીફ સૈયદ અતાઊલ્લાહ રાજા હયફુલ મુખાતિબ, શરફુલ મિલલની ફરમાઈશ (અરજ/વિનંતી) અને કાઝીયુલ મશાઈખમના પ્રયત્નથી ૯ રબીઊલ અવ્વલ ૮૫૭ હિજરીમાં તૈયાર થઈ.’
જામે મસ્જિદનું બાંધકામ સોમવાર, ૨૦ માર્ચ ઈ.સ. ૧૪૫૩, ૯ રબી-અલ-અવ્વલ, હિજરી ૮૫૭ માં પૂર્ણ થયું હતું.

મુસ્તફાબાદ જામે મસ્જિદનો ઇતિહાસ નીચે જણાવેલ ઇતિહાસના આધારભૂત ગ્રંથોમાં નોંધાયેલ છે.
(i) ‘ઇંડીયન આર્કિયોલોજી’ (‘ભારતીય પુરાતત્ત્વવિદ્યા’) આવૃત્તિ ૧૯૭૨-૭૩, પૃષ્ઠ ૪૮.
(ii) ‘એપીગ્રાફીક રિસોર્સિસ ઇન ગુજરાત’ (‘ગુજરાતના શિલાલેખને લગતા સંસાધનો’) પૃષ્ઠ ૧૯.
(iii) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’) આવૃત્તિ ૧૯૮૮ પૃષ્ઠ ૪૮. આ આધારભૂત ગ્રંથમાં, નોંધાયેલું છે કે, ‘ગુજરાતના સુલતાનોના શિલાલેખ મુજબ, ટંકારીયા, જિલ્લા ભરૂચના, થોડા ક્ષતિગ્રસ્ત થયેલ રેકર્ડ મુજબ, સ્થાનિક અગ્રણી સૈયદ અતાઉલ્લાહ રાજા હુસૈની શરાફુલ-મુલ્કની વિનંતીથી મુસ્તફાબાદ નગરની જામે મસ્જિદનું બાંધકામ કુત્બુદ્દીન અહમદ શાહ -૨ ના શાસનકાળમાં થયેલ છે.’

અહમદ શાહ પહેલા: જન્મ- ઈ.સ.૧૩૮૯, ફાની દુનિયા છોડી ગયા- ઈ.સ.૧૪૪૨ (હિજરી ૮૪૬), શાસનકાળ: ઈ.સ. ૧૪૧૧થી ૧૪૪૨. તેમને ‘નાસીરુદ્દુનીયા વદ્દીન અબુલ ફાતેહ અહમદશાહ’ ના લકબથી નવાજવામાં આવ્યા હતા.
અહમદ શાહ બીજા: જન્મ- ઈ.સ.૧૪૨૯. ફાની દુનિયા છોડી ગયા- ૨૫ મે ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨), શાસનકાળ: ઈ.સ. ૧૪૫૧થી ૧૪૫૮. તેમને ‘કુત્બુદ્દીન’ ના લકબથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ‘અહમદ શાહ બીજા’ તરીકે ઓળખાતા હતા.

મુસ્તફાબાદ જામે મસ્જિદ કુત્બુદ્દીન- અહમદ શાહ બીજાના શાસનકાળમાં ઈ.સ. ૧૪૫૩ (હિજરી ૮૫૭) માં બનાવવામાં આવી હતી. તેઓ મુહમ્મદ શાહ બીજાના પુત્ર અને પ્રખ્યાત સુલતાન ‘અહમદ શાહ પહેલા’ના પૌત્ર હતા. અહમદ શાહ-૨ નાની ઉંમરે યુવા શાસક તરીકે ઈ.સ. ૧૪૫૧ માં સિંહાસન પર બેઠા હતા. તેમના નિકાહ નાગોરના શહેનશાહ શમ્સ ખાનની પુત્રી સાથે થયા હતા. તેમણે ૨૫મી મે ઈ.સ. ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨) સુધી શાસન કર્યું હતું.

મુસ્તફાબાદ જામે મસ્જિદ ઉપરાંત અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા તળાવ (કાંકરિયા તળાવના શિલાલેખમાં તેનો ઉલ્લેખ હવ્જે કુતુબ/ કુતુબની હોજ તરીકે થયેલ છે) નું બાંધકામ પણ કુત્બુદ્દીન- અહમદ શાહ-૨ ના શાસનકાળમાં સંપન્ન થયું હતું. અમદાવાદની ‘કુત્બુદ્દીન મસ્જિદ’ (કુતુબ શાહ મસ્જિદ તરીકે પણ ઓળખાય છે.) એ કુત્બુદ્દીન અહમદ શાહ -૨ના નામથી સંલગ્ન છે, પરંતુ ખરેખર એનું બાંધકામ એમના પિતા મુહમ્મદ શાહ બીજાના અંતિમ વર્ષોના શાસનકાળમાં ૧૪૪૬માં થયું હતું. મુહમ્મદ શાહ બીજાએ તેમના મોટા પુત્ર કુત્બુદ્દીનના નામથી આ મસ્જિદનું નામ રાખ્યું હતું. આ મસ્જિદ સ્થાપત્યનો એક ખૂબ સુંદર નમુનો છે. મસ્જિદનો મુખ્ય દરવાજો વિશેષ ધ્યાન ખેંચે એવો અત્યંત સુંદર છે. ચાર્લ્સ લીકફોલ્દ ની ૧૮૮૦માં અમદાવાદના સ્થાપત્યોની મુલાકાતના વર્ણનમાં આ મસ્જીદની ફોટો અને તેની ખુબસુરતી અંગેની નોંધ છે.

કુત્બુદ્દીન- અહમદ શાહ-૨ને ૨૫ મે ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨) ના રોજ અમદાબાદ ખાતે માણેક ચોકમાં રાજવી સમાધિમાં અહમદશાહના હજીરા (રાજાનો મકબરો તરીકે પણ ઓળખાય છે) માં દફનાવવામાં આવ્યા છે. આ શાહી મકબરામાં ત્રણ કબર છે. અહમદ શાહ પહેલા વચ્ચે, તેમની ડાબી બાજુ તેમના પુત્ર મુહમ્મદ શાહ બીજા અને તેમની જમણી બાજુ તેમના પૌત્ર અહમદ શાહ બીજા ને દફનાવવામાં આવેલ છે. રાજાનો મકબરો એ એક વિશાળ ચોરસ ગુંબજ વાળુ માળખું છે, જેમાં વચ્ચે મોટો ઓરડો છે અને ખૂણા પરના ચાર ચોરસ ઓરડાઓ થાંભલાવાળા વરંડા સાથે જોડાયેલા છે. ઓરડાની જમીન માર્બલથી જડેલ છે. દીવાલોમાં પથ્થરમાં કોતરણી કરેલી જાળીઓ લાગેલી છે જેમાંથી ઓરડામાં પ્રકાશ આવે છે.

અહમદ શાહ બીજા પછી લોકપ્રિય ‘મહમૂદ બેગડા’ સિંહાસન પર બેઠા હતા.

ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી માં નોંધાયેલ ટંકારીયા ગામનો ઇતિહાસ: (વર્ષ ૧૬૧૮)
અંગ્રેજોના શાસનકાળમાં જુલાઈ ૧૮૯૯માં પ્રકાશિત થયેલ ‘ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી, વોલ્યુમ ૯, પાર્ટ-૨, ગુજરાત પોપ્યુલેશન: મુસલમાન ઍન્ડ પારસી’ એ એક સહિયારો લખાયેલ ગ્રંથ છે જે પૈકી ‘મુસલમાન’, ખાન બહાદુર ફઝલુલ્લાહ લુતફુલ્લાહ ફરીદી એ લખેલ છે. તેઓ બોમ્બેમાં, ‘આસીસ્ટન્ટ કલેકટર ઑફ કસ્ટમ્સ’ ના હોદ્દા પર હતા. ગેઝેટિયર ના આ ભાગના પૃષ્ઠ ૫૯ પર ઉલ્લેખ છે કે ‘કેપ્ટન ઓવન્સે ઈ.સ. ૧૮૧૮માં ભરૂચ જિલ્લાના પ્રથમ સર્વેક્ષણ (સર્વે) ની એક નોટબુકમાં ભૂતકાળની ઘટનાઓનું વર્ણન નોંધ્યું છે. આ વર્ણનમાં નોધાયેલ માહિતી ટંકારીયાના વહોરાઓ પાસેથી તેમને મળી હતી. કેપ્ટન ઓવન્સના નોધાયેલ વર્ણન મુજબ યુધ્ધમાં પકડાયેલા કેટલાક મારવાડી કેદીઓને હિંદુ
રાજાએ ગુલામ રાખેલા. મુસ્લિમ સમ્રાટ જહાંગીરે તેઓને ઈ.સ. ૧૬૧૮માં મુક્ત કરાવ્યા હતા. આ મારવાડીઓએ ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો, જેમને ગુજરાતની ખરાબાની જમીન (એવી પડતર જમીન જેને ખેતીલાયક બનાવવા સખત પરિશ્રમ કરવો પડે) ઉપર વસાવવામાં આવ્યા. ઓવાન્સના વર્ણનના વાક્ય પછીના સંલગ્ન/અનુગામી વાક્યમાં આ અંગે વધુ સ્પષ્ટતા થાય છે. આ વિધાનમાં નોંધાયેલું છે કે, ‘ખેડાના ખેતી કામ કરતા કેટલાક વહોરાઓ પાસેથી લગભગ સમાન માહિતી મળે છે, અને જો કે આ ધર્માંતર કરેલા મારવાડી મૂળ વહોરાઓ હોઈ શકતા નથી, પણ તે એક સમયે નીચે પૃષ્ઠ ૬૨ પર ઉલ્લેખિત ‘કાકાપુરીઓ’ જેવો વિશિષ્ટ વર્ગ હોઇ શકે.’

ઉપર લખેલા વાક્યોનો એક બીજા સાથે સંબંધ પ્રસ્થાપિત કરી સાવચેતીથી વાંચતા એ સ્પષ્ટ થાય છે કે સમ્રાટ જહાંગીરે નવા બનેલા મુસ્લિમ મારવાડીઓને તેમના ભવિષ્યનો ઊંડો વિચાર કરીને ઇરાદાપૂર્વક જ્યાં ખેતી માટેની પડતર જમીન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને મુસ્લિમોની વસ્તી વધારે હોય એવા ગામોમાં વસાવ્યા હતા. નવા બનેલા મુસ્લિમ મારવાડીઓને રોજી રોટી કમાવાના સાધન ઉપરાંત મુસ્લિમ ગ્રામજનો પાસેથી ઇસ્લામ ધર્મ અંગેનું જરૂરી જ્ઞાન, માર્ગદર્શન, સહકાર અને હુંફ મળી રહે એનો પુરતો ખ્યાલ બાદશાહ જહાંગીરે રાખ્યો હતો. સ્થળાંતર કરીને આવેલા આ મારવાડી કુટુંબો સારી રીતે સ્થાયી થઈ સરળતાથી જીવન વિતાવી શકે એ મુખ્ય ઉદ્દેશ હતો.

મુસ્તફાબાદના મુસ્લિમ અગ્રણીઓએ અહમદ શાહ બીજાને મસ્જિદના બાંધકામ માટે વિનંતી કરી હતી (૧૪૫૩ પહેલાં) એવું શિલાલેખમાં અને ઇતિહાસના અધિકૃત ગ્રંથોમાં નોધાયેલું છે. મુસ્તફાબાદ કસ્બામાં મુસ્લિમોની વસ્તી વધારે છે અને ત્યાં એક મોટી મસ્જીદની જરૂરીયાત છે એ તથ્યને ધ્યાનમાં રાખીને મુસ્લિમ આગેવાનોની વિનંતીનો અહમદ શાહ બીજાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. મુઝફ્ફરીદ વંશના ૧૬ શાસકો પૈકીના પાંચમાં શાસક અહમદ શાહ બીજા ના શાસનકાળમાં ઈ.સ. ૧૪૫૩માં ઐતિહાસિક મુસ્તફાબાદમાં વિશાળ જામે મસ્જિદ બનાવવામાં આવી હતી.
જામે મસ્જિદના બાંધકામના ૧૬૫ વર્ષો પછી ઈ.સ. ૧૬૧૮ માં જયારે નવા મુસ્લિમ બનેલા મારવાડીઓ મુસ્તફાબાદમાં સ્થળાંતર કરીને વસવાટ માટે આવ્યા ત્યારે આ ગામમાં મુસ્લિમોની વસ્તી પ્રમાણમાં વધારે જ હતી એવું ચોક્કસ સાબિત થાય છે. ૧૬૧૮ માં મુસ્તફાબાદ જહાંગીરના શાસન હેઠળ હતું. શહેનશાહ જહાંગીરનો શાસનકાળ ૧૬૦૫ થી ૧૬૨૭ સુધીનો હતો. મુગલ સામ્રાજ્યના ઓગણીશ શાસકો પૈકીના તેઓ ચોથા શાસક હતા.

ઈ.સ. ૧૮૯૯માં પ્રકાશિત થયેલ ‘ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી, વોલ્યુમ ૯, પાર્ટ-૨, ગુજરાત પોપ્યુલેશન: મુસલમાન ઍન્ડ પારસી’ માં અને આ અગાઉ ઈ.સ. ૧૮૨૮માં પ્રકાશિત ‘હેબર્સ જર્નલ’ એમ બન્ને ગ્રંથોમાં તેમનું નામ ‘કેપ્ટન ઓવન્સ’ તરીકે લખાયેલ છે. ઈ.સ. ૧૮૧૮થી ઈ.સ. ૧૮૨૯ દરમ્યાન ગુજરાતમાં પ્રથમ જમીન મહેસુલ માટે મોજણી (સર્વે) નું કામ અંગ્રેજોના સમયમાં થયું હતું. કેપ્ટન ઓવન્સ, ‘રેવન્યુ લેન્ડ સર્વે ટીમ’ (જમીન મહેસૂલ માટે સર્વેની કામગીરીની ટુકડી) ના અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ગેઝેટિયરમાં ‘કેપ્ટન ઓવન્સ’ તરીકે નોંધાયેલ અંગ્રેજ અધિકારીનું વાસ્તવિક નામ ‘ચાર્લ્સ ઓવન્સ’ હતું. તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૮માં થયો હતો અને ઈ.સ. ૧૮૫૮માં તેમનું અવસાન થયું હતું.

ટંકારીયા ગામમાં ઈ.સ. ૧૮૫૬માં રેલ્વે ટ્રેક નાખવા જમીન સર્વેક્ષણ/મોજણી ની કામગીરી બાબતનું વર્ણન: (વર્ષ ૧૮૫૬)
ઈ.સ. ૧૮૫૬માં, બોમ્બે-બરોડા રેલ્વે લાઇનના માર્ગનું સ્થાપન કરવા માટે (રેલ્વેના પાટા બિછાવવા) ટંકારીયા ગામમાં સર્વેની કામગીરી થઈ હતી. બોમ્બે, બરોડા, ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલ્વે કંપનીના સર્વેયરોને ટંકારીયા ગામે મોજણીની કામગીરી દરમિયાન અનેક ભૌગોલિક અને ટેકનીકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં બી.બી. ઍન્ડ સી. આઈ. ના ઈજનેરોને નંદેવાર ગામ પાસેથી રેલ્વે માર્ગમાં જરૂરી ફેરફાર કરવાનો આખરી નિર્ણય લેવો પડ્યો હતો.
‘રેલ્વેય્જ ઇન ઇન્ડિયા’ (‘Railways in India’) ના વહીવટી અહેવાલ મુજબ બી.બી. ઍન્ડ સી. આઈ. કંપનીની રચના બોમ્બે અને બરોડા વચ્ચે રેલવે લાઈનની કામગીરી માટે ૧૮૫૫ માં કરવામાં આવી હતી. બોમ્બે બરોડા વચ્ચે રેલ્વે માર્ગનું કામ કંપનીએ ૧૮૬૪માં પૂર્ણ કર્યું હતું.

લોકવાયકા મુજબ અંગ્રેજ ઈજનેરો/અધિકારીઓના આયોજન મુજબ આ રેલ્વે માર્ગ, ટંકારીયા ગામ તળાવના પૂર્વ બાજુના કિનારાને અડીને આવેલ પીર જુમ્મનશાહ રહમતુલ્લાહ અને હાઇસ્કુલના પૂર્વ બાજુના ભાગે, ભરૂચ-પાલેજ રોડની પશ્ચિમ દિશા તરફ આવેલ પીર શાહ નઝરશાહ (હાલમાં ખોટી રીતે બોલાતું નામ શેાંગરશાહ) રહમતુલ્લાહની દરગાહોની વચ્ચેથી પસાર થતો હતો. આગળ વધતાં આ માર્ગમાં ટંકારીયા ગામ તળાવ થી ઉત્તર તરફ, ઠીકરીયા ગામના બસ સ્ટેન્ડની સામે પશ્ચિમ દિશા તરફ ખેતરોમાં આવેલ નસીરશાહ રહમતુલ્લાહની દરગાહની જમીન આવતી હતી.
નોંધ: પીર શેાંગરશાહ એ સાચું નામ નથી, પરંતુ સાચું નામ ‘પીર શાહ નઝરશાહ’ છે, એવી ઉપયોગી માહિતી ટંકારીયાના કમાલ મુસ્તફાબાદીએ સંપાદન કરેલ ‘ ઈટરનલ નેચરલ રિલિજિયન: ઇસ્લામ: ગુજરાત ઍન્ડ ધ સુન્ની પટેલ ટ્રેડીશનલમાં થી લીધેલ છે. આ સંપાદનમાં ગુજરાતના વલીઓ અંગે ઉપયોગી માહિતી છે.

પ્રાથમિક કુમાર શાળા ટંકારીયા: (વર્ષ ૧૮૬૫-૬૬)
ટંકારીયા ખાતે ૧૫૦ છોકરાઓ માટેના શાળાના મકાનની બાંધકામ અંગેની વિગતો ‘જનરલ રિપોર્ટ ફોર ધ બોમ્બે પ્રેસિડન્સી ફોર ધ ઈયર ૧૮૬૫-૬૬’ (‘બોમ્બે પ્રેસિડન્સીના વહીવટ અંગેનો સામાન્ય અહેવાલ, વર્ષ ૧૮૬૫-૬૬’) માં પ્રકાશિત થઇ હતી. તે અહેવાલમાં નોંધાયેલું છે કે ‘પાયાનું કામ (ફાઉન્ડેશન) થઈ ગયું, બેઠક (પ્લિન્થ)નું કામ થઈ ગયું, અને ઈમારતનું બાંધકામ લગભગ પૂર્ણ થયું છે; દરવાજા, બારી અને છતનું લાકડાનું કામ તૈયાર થઈ ગયું છે.’ અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૧૮૬૫-૬૬ ના વર્ષ માટે કુલ ફાળવેલ રકમ રૂ.૬,૬૩૩ માંથી રૂ. ૩,૧૧૬નો ખર્ચ થયો અને રૂ. ૩,૫૧૭ની બચત થઇ.

અંગ્રેજોના શાસનકાળમાં, ૧૮૬૫-૬૬ માં બનેલ મૂળ સ્કૂલના મકાનમાં સાત ઓરડાઓ હતા. તાજી હવા અને સૂર્યપ્રકાશ પ્રદાન કરવા માટે બિલ્ડિંગની આગળના ભાગમાં અને મધ્યમાં જગ્યા ખુલ્લી છોડી હતી. અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ માટે પણ આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી શકાય એ ઉદ્દેશ ધ્યાનમાં રખાયો હતો. દિવાલમાં માટીની ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને છત માટે ઉચ્ચ ગુણવત્તાના સાગના લાકડાનો ઉપયોગ થયો હતો. છત માટે લાકડાના માળખા (કેંચી/ત્રસીસ), આડા જાડા લાકડા (રાફ્ટર) અને માટીના નળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઓરડાઓની ગોઠવણ, ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ, લાકડાના માળખાની સંપૂર્ણ રચના, લાકડાના માળખાને વધારે મજબૂતાઈ પ્રદાન કરવા માટે ખાસ આકાર આપેલ લોખંડની પ્લેટો અને તેને માળખા સાથે મજબૂતાઈથી જોડવા નટ અને બોલ્ટનો થયેલો ઉપયોગ, તે બધા મુદ્દાઓ સાબિત કરે છે કે, મકાનનું નિર્માણ ૧૮૬૫-૬૬ ના ઈજનેરી ધોરણો અને ઇજનેરી પ્રથાઓને અનુસરીને, યોગ્ય ઇજનેર મારફતે ઈજનેરી આયોજન અને રચના અનુસાર થયું હતું. આજુ-બાજુના ગામ જ્યાં ટંકારીયા જેવા જૂના શાળાના મકાન હાલમાં પણ છે એના લાકડાના માળખાની રચનાની તુલના કર્યા પછી, એવું તારણ નીકળ્યું છે કે કામકાજની ઉચ્ચ ગુણવત્તા અને સમાનતા જાળવવા માટે તે સમયગાળા દરમિયાન લાકડાના માળખાની ડિઝાઇન કેન્દ્રિત રીતે એક સરખી કરવામાં આવી હતી. તે એ પણ સાબિત કરે છે કે સરકાર દ્વારા સંચાલિત શાળાઓની ઇમારતોના છતના કામની જવાબદારી તાલીમબધ્ધ સુથારોની ટીમોને સોંપવામાં આવી હતી. આપણે ઓછામાં ઓછું એટલું જરૂર કહી શકીએ, કે અંગ્રેજોના શાસનકાળમાં, જાહેર ઇમારતોના બાંધકામ માટે કાચા માલની ખરીદીથી લઈને બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષ કાળજી લેવામાં આવતી હતી અને તેથી જ તે સમયની જાહેર ઇમારતો વધુ મજબૂત અને ટકાઉ હતી.

ઉપરના અહેવાલમાં નોંધાયા મુજબ છોકરાઓ માટેની ટંકારીયા પ્રાથમિક શાળાનો બાંધકામનો કુલ ખર્ચ રૂ. ૪૦૦૦ કરતાં પણ ઓછો હતો; એનાથી સાબિત થાય છે કે તે ખરેખર સસ્તો સમયગાળો હતો!

શાળાના અસલ મકાન ઉપરાંત, બીજા બે ઓરડાઓનું બાંધકામ ૧૯૫૮માં થયું હતું. આ વિસ્તરણમાં ‘ઉદ્યોગ રૂમ/ક્રાફ્ટ રૂમ’ તરીકે પ્રખ્યાત થયેલ ઓરડાનો પણ સમાવેશ થાય છે. ૧૯૫૮નું નવું બાંધકામ ભારતની આઝાદી પછી પ્રાથમિક કુમાર શાળાના મકાનનું પ્રથમ વિસ્તરણ હતું.

પ્રાથમિક કુમાર શાળાના અસલ જુના મકાનમાં ઉપર જણાવ્યા મુજબ ૦૭ + ૦૨= ૦૯ ઓરડાઓ હતા. તેમાં નવા ઉમેરાયેલા ૧૨ ઓરડાઓ મળી શાળાના પરિસરમાં હાલમાં કુલ ૨૧ ઓરડાઓ છે, જેમાં ઓફીસ રૂમનો પણ સમાવેશ થાય છે. હાલમાં, શાળાની જૂની ઇમારતનો આંશિક ઉપયોગ કરવામાં આવે છે. ગામની વસ્તી વધી રહી છે; વિસ્તાર મોટો થઇ રહ્યો છે એ બાબતને ધ્યાનમાં રાખી નાના બાળકોની સગવડતા માટે શાખા શાળા (બ્રાંચ શાળા) ની માંગ કરવામાં આવી હતી. આ માંગણી યોગ્ય લાગતાં, સરકારે તેનો સ્વીકાર કરી વર્ષ ૨૦૦૫માં બે બ્રાંચ શાળાઓની મંજુરી આપી હતી. હાલમાં મોટા પાદરમાં છોકરાઓ માટે એક બ્રાંચ શાળા છે, જેમાં આઠ ઓરડાઓ છે; નાના પાદરમાં દસ ઓરડાવાળી કન્યાઓ માટેની બ્રાંચ શાળા આવેલી છે.

ટંકારીયા ગામની ‘સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ : (વર્ષ ૧૯૦૩)
ટંકારીયા ગામની ‘સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ બોમ્બે પ્રેસિડન્સી (બોમ્બે પ્રાંતના) ઉત્તર વિભાગમાં છાત્રાલયની સુવિધા વાળી શરૂઆતની જૂજ શાળાઓમાંની એક કેન્દ્રીય ઉર્દૂ પ્રાથમિક શાળા હતી. આ વાસ્તવિકતા અંગ્રેજોના શાસનકાળમાં બોમ્બે પ્રાંતની સરકારના ‘જાહેર માહિતી નિયામક’ ના વર્ષ ૧૯૧૭-૧૮ની શિક્ષણની પ્રગતિ અંગેના અહેવાલમાં નોંધાયેલ છે: ‘વર્ષ ૧૯૧૭માં મુસ્લિમો માટે બહુ જ ઓછી કેન્દ્રીય ઉર્દૂ પ્રાથમિક બોર્ડિંગ શાળાઓ છે. આ પૈકી બોમ્બે પ્રેસિડન્સી મધ્ય વિભાગના નસીરાબાદ ખાતેની ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ હસ્તકની ‘મ્યુનિસિપલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ અને ઉત્તર વિભાગના ટંકારીયા ખાતેની ‘સેન્ટ્રલ ઉર્દુ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ નો સમાવેશ થાય છે. આ અહેવાલના પૃષ્ઠ ૧૧૯ પર નોંધ્યું છે કે ‘ભરૂચ જિલ્લાના ટંકારીયા ખાતેની ‘સેન્ટ્રલ ઉર્દૂ ફોર બોયઝ’ શાળાએ ૧૯૧૭માં વર્નાક્યુલર (ઉર્દુ ભાષા) અંતિમ પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓને પ્રસ્તુત કર્યા જેમાંથી ૧૦ પાસ થયા; અને તેના અગાઉના વર્ષમાં પાસ થયેલા ૩ વિદ્યાર્થીઓને અમદાવાદની પી.આર. ટ્રેનિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. વિશાળ મુસ્લિમ ગામ ટંકારીયા ખાતેની શાળા ‘ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ’ સાથે જોડાયેલ છે. આ શાળામાં શિક્ષણ આપવાની જવાબદારી ટ્રેનિંગ કોલેજનો ત્રણ વર્ષનો અભ્યાસ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ પ્રશિક્ષિત મુન્શીની છે. તેમનો માસિક પગાર રૂ. ૪૫ છે. વિદ્યાર્થીઓના નૈતિક અને શારીરિક કલ્યાણ માટે આ શાળામાં કાળજી રાખવામાં આવે છે. આ એક ઉત્તમ સંસ્થા છે અને જે હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી તેને પૂરેપૂરી રીતે પૂર્ણ કરે છે.’

બોમ્બે પ્રાંતના ૧૯૨૨ થી ૧૯૨૭ ના પાંચ વર્ષના સમયગાળા માટેના જાહેર સુચના અંગેના અહેવાલમાં ટંકારીયાની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાનો ખાસ ઉલ્લેખ છે. જેનો ભાવાર્થ એ છે કે, ઘણા સમયથી ભરૂચ જિલ્લાના ટંકારીયામાં મધ્યસ્થ ઉર્દુ શાળા અસ્તિત્વમાં છે. ટંકારીયાની આ શાળામાં ભવિષ્ય માટે શિક્ષકો તૈયાર કરવાના વિશેષ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. મુસ્લિમ શાળાઓમાં તાલીમ લીધા વગરના શિક્ષકોની ભરતીની સમસ્યાના ઉકેલ માટે ટંકારીયાની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાની તર્જ પર સરકારે રત્નાગિરી, કોલાબા અને થાણે જિલ્લામાં સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરી છે. આ અહેવાલમાં આગળ એવી નોંધ છે કે, ‘ટંકારીયાની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળા ૧૯૦૩માં શરૂ થઈ ત્યારથી ૧૧૮ છોકરાઓ વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષામાં પાસ થયા છે. ખાસ કરીને તે બધા પ્રાથમિક શાળાના શિક્ષકો બન્યા હોવાનું જાણવા મળે છે.’

’બોમ્બે ગેઝેટ મંગળવાર, ૧૪ માર્ચ. ૧૯૧૧’ ની નોંધ મુજબ: કાઉન્સિલના માનનીય સદસ્યએ સરકાર પાસે જાણકારી માંગી કે ‘ભરૂચ જિલ્લાના ટંકારીયા જેવી કેન્દ્રીય શાળાઓની સ્થાપના કરવા માટે તમામ જિલ્લાઓના સ્થાનિક બોર્ડને સૂચન કરવાનું કોઈ પ્રયોજન છે કે કેમ?’

ઉપર વર્ણવેલા અંગ્રેજોના શાસનકાળમાં પ્રકાશિત થયેલા અધિકૃત અહેવાલોના અભ્યાસથી એવું ચોક્કસ પ્રતીત થાય છે કે, ટંકારીયાની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળા, સમગ્ર બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં એક પ્રખ્યાત અને સફળ શાળા હતી. આ શાળાને બોમ્બે પ્રેસિડન્સીના અનેક અહેવાલોમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવતી હતી. અંગ્રેજોના શાસનકાળમાં આ શાળાની સફળતાથી પ્રભાવિત થઇ અંગ્રેજ સરકારે  કેટલીક નવી શાળાઓની સ્થાપના ટંકારીયાની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાની રચના અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખી કરી હતી.

ટંકારીયા ગામની સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ શાળા ગામના જે સ્થળે હતી તે સ્થળ આજે પણ ‘સંટોલ’ (સેન્ટ્રલ અથવા સેન્ટ્રલ બોર્ડિંગ સ્કૂલ નું અપભ્રંશ) તરીકે પ્રખ્યાત છે.

ટંકારીયા ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓ: (વર્ષ ૧૯૩૦)
મહાત્મા મુહમ્મદ ઈબ્રાહીમ કબીર, મુસા ઈસા કેપ્ટન, આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદી, ઈબ્રાહીમ ઇસે બાબીયત ઉર્ફે ‘નાયક મોટા, અને ડૉ. અલી ઘોડીવાલા ટંકારીયા ગામના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની હતા. ‘પરમેનન્ટ મેનડેટ્સ કમીશન’ (‘લીગ ઍાફ નેશન્સ’) નું સત્તરમું સત્ર ૩જી જૂન ૧૯૩૦થી ૨૧મી જૂન ૧૯૩૦ દરમિયાન જીનીવા ખાતેના ‘યુનાઇટેડ નેશન્સ’ના મુખ્યાલયમાં યોજાયું હતું. આ સત્રની કાર્યનોંધના પૃષ્ઠ ૨૧૬ ઉપર નોંધ્યું છે કે, ‘અંજુમને શૌકતુલ ઇસ્લામ અને ખિલાફત સમિતિ’ ટંકારીયા, ભારત, ના માનદ સચિવ મુસા ઈસા કેપ્ટનનો પત્ર ૭ મી જૂન ૧૯૩૦ના રોજ પરમેનન્ટ મેન્ડેટ્સ કમિશનને મળ્યો.’ બેઠકમાં આ પત્રની ચર્ચા કરવામાં આવી. ચર્ચા કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુસા ઈસા કેપ્ટનને સાત મહિના માટે નાગપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. મહાત્મા કબીરને પણ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીજી નાગપુર સેન્ટ્રલ જેલમાં જ હતા. મહાત્મા કબીરને ‘મહાત્મા’ નો ખિતાબ અને મુસા ઈસા કેપ્ટનને ‘કેપ્ટન’નો ખિતાબ ગાંધીજીએ પોતે આપ્યો હતો.

આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીની મૂળ અટક રોબર હતી. તેમને ગામના નામ મુસ્તફાબાદ માટે એટલો પ્રેમ હતો કે એમના નામની પાછળ મુસ્તફાબાદી લખતા. છેવટે તેમની અટક મુસ્તફાબાદી થઈ ગઈ. આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હતું. તેમની આ આવડતથી તેમણે લોકોની મદદ કરી હતી. તેમણે ‘લોહીનાં આંસુ’ નામનું પુસ્તક લખ્યું હતું એવી જાણકારી મળે છે. ‘નાયક મોટા’ ના હુલામણા નામથી ઓળખાતા ઇબ્રાહિમ ઇસે બાબિયત (બા-બય્તનું અપભ્રંશ) ભારતની આઝાદી પછી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટંકારીયાના સ્વાતંત્ર્ય સેનાની ટંકારીયાની ખિલાફત સમિતિના પણ સભ્ય હતા. તેઓ ભારતની સ્વતંત્રતા માટે પોતાની અને પોતાના કુટુંબની તકલીફોની ચિંતા કર્યા વિના અડગ રહી લડત લડેલા. ટંકારીયા ગામના લોકો આજુબાજુના ગામોના લોકોને જરૂરી માર્ગદર્શન આપતા હતા. ગામના લોકોની એકતાએ ગામની આગવી ઓળખ ઉભી કરી ગામનું નામ ઉજ્જવળ કર્યું હતું.
મુસ્લિમ નેતા મોહમ્મદ અલી, શૌકત અલી, અબુલ કલામ આઝાદ, હસરત મોહાની ખિલાફત સમિતિ માં મોખરે હતા. ખિલાફત સમિતિએ બ્રિટીશ શાસન સામેની લડાઈમાં હિન્દુ-મુસ્લિમ એકતાને વધારવાનું કામ કર્યું હતું. ખિલાફતનું આંદોલન છેવટે ગાંધીજીના ‘અસહકાર આંદોલન’ સાથે ભળી ગયું હતું. બ્રિટીશ શાસન સામેની લડાઈમાં બધી જ કોમના લોકોએ ખભે ખભા મિલાવી કોઈપણ જાતના ભેદભાવ વિના લડત લડી બ્રિટિશ શાસનથી ભારતને મુક્તિ અપાવી હતી.

ભાગ ૨- મૌખિક ઇતિહાસ : (વર્ષ ૨૦૦૭) લેખિત ઇતિહાસની સાથે સાથે મૂલ્યવાન મૌખિક ઇતિહાસને પણ વિના વિલંબે સુરક્ષિત કરી લેવો જોઈએ એવી સમયની માંગને ધ્યાનમાં રાખી, મિત્ર મુસ્તાક દોલાને સાથે રાખી વર્ષ ૨૦૦૭ ના પહેલા ક્વાર્ટરમાં સાત ટંકારવી બુજુર્ગો/ વડીલોની મુલાકાત લીધી હતી. આ ૦૭ વડીલોમાંથી ૦૬ આ ફાની દુનિયા છોડી ગયા છે.

મૌખિક ઇતિહાસની અગત્યતાને ધ્યાનમાં રાખી ભાઈ શકીલ ભાએ પણ મર્હુમ એહમદ મુન્શી (ચિકાગો, અમેરીકામાં રહેતા ચટી ફેમિલીના વડીલ,) એ વર્ણવેલ, અગત્યની માહિતી સાથેનો મૌખિક ઇતિહાસ વેબસાઈટ પર પ્રકાશિત કર્યો હતો.

સાત વડીલો સાથેના અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન એકત્રિત થયેલ માહિતીનું સંકલન કરી તેને પહેલી ઓનલાઈન આવૃત્તિ તરીકે ‘ટંકારીયા વેટ પેઇન્ટ વેબસાઇટ’ પર અંગ્રેજીમાં “Part 2- Oral History” શીર્ષક હેઠળ પ્રકાશિત કરેલ, આ રસપ્રદ મૌખિક ઇતિહાસને ટૂંક સમયમાં આપણી હાલની વેબસાઇટ ‘માય ટંકારીયા’ પર ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. 

1 Comment on “મુસ્તફાબાદ ટંકારીયાનો ઇતિહાસ

Leave a Reply to Mustak Daula Cancel reply

Your email address will not be published.

*