Zakir Tankarvi

ઝાકિર ટંકારવી

Zakir Tankarvi
Zakir Tankarvi

મૂળ નામ: યાકુબ વલી ભીમ
શાયર નામ: ઝાકીર ટંકારવી
જન્મ સ્થળ: ટંકારીઆ, તા. જિ. ભરૂચ, ગુજરાત
જન્મ તારીખ: ૧.૧.૧૯૪૯
માતૃભાષા: ગુજરાતી
શૈક્ષણિક લાયકાત: બી.એ.બી.એડ.
વ્યવસાય: માધ્યમિક શિક્ષક, હાલ નિવૃત્ત

શાંત અને ચિંતનશીલ સ્‍વભાવના જનાબ ઝાકિર ટંકારવી પણ એક અચ્‍છા ગઝલકાર છે. ટૂંકા વજનની ઘણી સારી ગઝલો લખે છે. એમની ગઝલોમાં ચિંતન હોય છે, સૂફી રંગની નાજૂક વાતો હોય છે. ટંકારીઆની માધ્‍યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે એમણે વર્ષો સુધી સેવા બજાવી. એમની પાસે કવિતાનો પાઠ શીખવાની વિદ્યાર્થીઓને ઘણી મજા આવતી કેમકે પોતે કવિ જીવ હોવાથી કવિતાનું હાર્દ બરાબર સમજી જતા અને તેનું કાવ્‍યમય ભાષામાં જ વર્ગમાં નિરૂપણ કરતા. કવિતા ભણાવતાં ભણાવતાં ઘણીવાર ભાવવિભોર થઇ જતા. લાગણીઓના પ્રવાહમાં ખુદ તણાતા અને વિદ્યાર્થીઓને પણ એનો અનુભવ કરાવતા.

ગઝલકાર સાથે મુશાયરાઓના એક સારા સંચાલક પણ છે. એમને પોતાની અને અન્‍ય કવિઓની ઘણી બધી રચનાઓ મોઢે હોવાથી મુશાયરામાં ઘણીવાર આખીને આખી કવિતાઓ ટાંકી સરસ રંગત જમાવી શ્રોતાઓને બરાબર જકડી રાખે છે.

આકાશવાણી ઉપરથી અવારનવાર એમનાં કાવ્‍યો અને વાર્તાલાપ પ્રસારિત થયાં છે. દૈનિક “ગુજરાત ટુડે” અને “ગુજરાત મિત્ર”માં એમના લેખ, નિબંધ અને ગઝલો અવારનવાર પ્રગટ થયાં છે. ગુજરાત સાહિત્‍ય અકાદમીની આર્થિક સહાય દ્વારા ૧૯૯૦માં એમનો કાવ્‍ય સંગ્રહ “સ્‍પંદન” પ્રગટ થયો, જેને સારો આવકાર મળ્‍યો. હાલમાં ૨૦૦ કરતાં વધારે ગઝલો લખી છે એટલે એમના બીજા સંગ્રહ માટેની તૈયારી પણ થઇ ગઇ છે એમ કહીએ તો ચાલે. આર્થિક સહાયનો કોઇ પ્રબંધ થાય તો એમનો આ બીજો સંગ્રહ પણ ગઝલચાહકો સુધી પહોંચી શકે એમ છે.

હાલ નિવૃત્તિમાં હોઇ, મોટા ભાગે ઇબાદત અને ઝિકર ફિકરમાં સમય વીતાવે છે.


ગઝલ
□ ઝાકીર ટંકારવી

થાશે બેડો પાર સહેલી
જોશે તારણહાર સહેલી

ચાંદો, સૂરજ ચમકે તો પણ
શાનો આ અંધાર સહેલી

તુજ વિણ સૂનું સૂનું લાગે
મોકલ મુઠ્ઠી પ્યાર સહેલી

કાગળ, ચિઠ્ઠી, સંદેશો નૈ
એ રીતે ના માર સહેલી

દુનિયા આખી ડૂબી જાશે
ઓછાં અશ્રુ સાર સહેલી

તું મીરાંના મંજીરાં બન
હું રણઝણતો તાર સહેલી

મેં ખડકી છે મારી ચિતા
લાવ હવે અંગાર સહેલી