Ghazal of the Month

આ મહિનાની ગઝલ

દર્દ પંપાળ્યાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?
આંસુઓ ખાળ્યાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?

સાવ નવરાધૂપ બેઠા હોવ છો ને ભૂલથી જો
કામમાં આવ્યા કોઈના તો બધે કહેતા ફરો છો ?

એ બિચારો આપની માફક નથી દોડી શક્યો, તો ?
જો ચરણ થાક્યા કોઈનાં તો બધે કહેતા ફરો છો ?

કોઈએ વિશ્વાસથી હળવા થવા બે વાત કીધી
ભેદ જો જાણ્યા કોઈના તો બધે કહેતા ફરો છો ?

આયનામાં તો તરડ એકકે નથી પડવા દીધી પણ
જો કરમ ફૂટયાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?

– શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ(અમદાવાદ)

નોંધ:  ઉપરોક્ત ગઝલ મુબારકભાઈ ઘોડીવાલા (દર્દ ટંકારવી) એ ‘આ મહિનાની ગઝલ વિભાગ’ માટે મોકલેલ છે.