Audio Ghazals

ગઝલ ગાયકોના સ્વરમાં

Requested by: Mubarak Ghodiwala


Nafa Ne Khot No Khayal Na Kar
Lyrics: Adam Tankarvi
Singer: Rishabh Maheta & Gayatri Bhat

નફા ને ખોટનો ખયાલ ન કર
કવિ: અદમ ટંકારવી
સ્વર: રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ

નફા ને ખોટનો ખયાલ ન કર
ફકીર સાથે ભાવતાલ ન કર

તું નથી જાણતો કયાં જાય છે તું
આટલી તેજ તારી ચાલ ન કર

કેમ કે તું નથી તારી મિલ્કત
દોસ્ત તારામાં ગોલમાલ ન કર

કોક બીજું યે વસે છે અહીંયાં
અહીંયાં તું આટલી ધમાલ ન કર

લોક માલિકને ના ભૂલી બેસે
સંત તું એટલી કમાલ ન કર


Gurjari
Lyrics: Adam Tankarvi

ગુર્જરી
કવિ: અદમ ટંકારવી

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી

લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી
શોપમાં રકઝક કરે છે ગુર્જરી

બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે
બર્ફ પર લપસી પડે છે ગુર્જરી

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે
ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી

કોક એને પણ વટાવી ખાય છે
પાંચ પેનીમાં મળે છે ગુર્જરી

બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી

હાળું ઐં હુરતનાં જેવું ની મળે
બેટલીમાં ગાળ દે છે ગુર્જરી

સાંધાવાળો સાડલો પહેરી ફરે
કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી

આર્થરાઈટીસથી હવે પીડાય છે
લાકડી લઈને ફરે છે ગુર્જરી

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં
ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી

વાસી-કુસી થઈ ગઈ બારાખડી
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી

સાંજ પડતા એને પીયર સાંભરે
ખુણે બેસીને રડે છે ગુર્જરી

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી


Aankho Radi Padi
Lyrics: Mahek Tankarvi
Singer: Manhar Udhas
Music: Y S Moolky

આંખો રડી પડી
કવિ: મહેક ટંકારવી
સ્વર: મનહર ઉધાસ
સંગીતકાર: વાય. એસ. મુલ્કી

આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ

બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ

હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ

દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ

આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ


Dariya Thi Dillagi Che To
Lyrics: Mahek Tankarvi
Singer: Rishabh Maheta & Gayatri Bhat

દરિયાથી દિલ્લગી છે તો…
કવિ: મહેક ટંકારવી
સ્વર: રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ

દરિયાથી દિલ્લગી છે તો દિલને ડુબાડશું
મોતી મળે કે ના મળે ડૂબકી લગાવશું

છે ઘરની ઇંટ ઇંટ ઉપર આપની કૃપા
કયાં કયાં તમારા નામની તકતી લગાડશું

દર્પણની સામે આવીને ઊભા રહી ગયા
કઇ રીતે આપણે હવે ચહેરો છૂપાવશું

છે ભલભલાના કાંડા અહીં તો કપાયેલાં
ઝાલીને કોની આંગળી મેળામાં મહાલશું

આ મોત મોત કયાં છે કે માતમ મનાવીએ
એના મિલનની તક મળી, ખુશીઓ મનાવશું

સંબંધ મૃગજળોથી હવે ના રહ્યો ‘મહેક’
ઝાકળ જમા કરી હવે હોઠો ભીંજાવશું


Le Haathe Kartaal Fakira
Lyrics: Zakir Tankarvi
Singer: Dipak Gathani

લે હાથે કરતાલ ફકિરા
કવિ: ઝાકીર ટંકારવી
સ્વર: દિપક ગઠાણી

લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા
એની મેડીએ બેસીને, થઈ જા માલામાલ ફકિરા

હું યે માણસ, તું યે માણસ, સહુનું લોહી લાલ ફકિરા
બન્ને ખાલી હાથે જાશું, આજ નહીં તો કાલ ફકિરા

લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા

દોલતતો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકિરા
સંન્યાસીનું તો એવું કે સૂર અહીં, ત્યાં તાલ ફકિરા

લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા

સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકિરા
દુઃખને ચિંતા ફેંક નદીમાં, માલિક મોટી ઢાલ ફકિરા

લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા
એની મેડીએ બેસીને, થઈ જા માલામાલ ફકિરા


Sanad Vagar No Ambo
Story: Aziz Tankarvi
Narrator: Vijay Thakkar