Ibrahim Adam Kabir

ઇબ્રાહીમ આદમ કબીર મરહૂમ

Ibrahim Adam Kabir

૧.૧૦.૧૯૨૭ – ૨૪.૪.૨૦૦૯

રજૂ કર્તા: કમાલ પટેલ ‘કદમ’ ટંકારવી

કેળવણી અને શિક્ષણ સેવાના ભેખધારી વડીલ ઇબ્રાહીમભાઇ કબીર ટંકારીઆ મુસ્તફાબાદના વિજ્ઞાન વિષયના પહેલ પ્રથમ ગ્રેજ્યુએટ (સ્નાતક) હતા. જૂનાગઢની જાણીતી બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી તેમણે BScની ડિગ્રી મેળવી હતી.

અભ્યાસ અથ્રે બહાર ભણતા હતા ત્યારે, જ્યારે ગામ આવે, એટલે પ્રાથમિક શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી આગળ ભણવાને બદલે નિષ્ક્રિય બની ફરતા રહેતા કે બેસી રહેતા યુવાનોને મૂળ હાંસોટ, પણ ટંકારીઆ સ્થિત ઉષમાન શેખની જેમ અંગ્રેજી શીખવા અને આગળ ભણવા ઉત્તેજન આપતા રહેતા. છેવટે સન ૧૯૫૦માં મારા જેવા પાંચસાત કિશોરોને ભેગા કરીને પ્રથમ એક વર્ગથી શરૂઆત કરાવી અને બીજા વરસે આસપાસના ગામ વાંતરસા, કોઠી, કંબોલી, ઘોડી, ઠીકરિયા, અડોલ, કહાન, સિતપોણ, પારખેત, કારેલા, પાદરિયા ઇત્યાદિ ગામોમાં પોતાના સમકાલીન શિક્ષણપ્રેમી ‘મસ્તાન’ તરીકે જાણીતા ઉમર મુસા બંગલાવાલા અને અન્ય શુભેચ્છકોના સથવારે ફરીને વિદ્યાથ્રીઓ મેળવી ડેલાવાડના અગ્રણી સજ્જન જનાબ યૂસુફ બાપુ ડેલાવાલાના બંગલા નજીક ત્રિમાળી ‘સફરી મંઝિલ’માં માધ્યમિક શાળાના મંડાણ કરીને જંપ્યા.

ટંકારીઆ હાઇસ્કૂલની સ્થાપનામાં વડીલ ઇબ્રાહીમભાઇ કબીરનો સિંહફાળો છે. હાઇસ્કૂલની સ્થાપના થયા પછી , ગામના શિક્ષિત સજ્જનો પૈકી જનાબ આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીની અધ્યક્ષતા હેઠળ સંચાલન સમિતિને વહીવટ સોંપી દીધો. આપ કોઇ પણ સંસ્થાના એકહથ્થુ વહીવટને બદલે લોકશાહી ઢબના વહીવટને હંમેશાં વધુ પસંદ કરતા અને વહોરા પટેલોની અન્ય સંસ્થાઓની માફક નિસ્વાર્થ વડીલો પછી વરસો જતાં ગામની હાઇસ્કૂલનું તંત્ર પણ લોકશાહી પદ્ધતિનું ન રહેતાં આપ એ વાતે દુ:ખી હતા.

શિક્ષણ ક્ષેત્રે આપનો ઝાઝો સમય સોરઠના ભાવનગર, રાજકોટ, જામનગર, ધોરાજી અને બોટાદ વગેરે શહેરોમાં વીતેલો હોવાથી આપ મુહમ્મદ માંકડ, અમૃત ઘાયલ, સાલિક પોપટિયા, ઇજન ધોરાજવી, કલીમ વાકિફી તથા બોટાદકર જેવા ખ્યાતનામ સાહિત્યકારો-ગઝલકારો સાથે પરિચય અને મેળ મેળાપ ધરાવતા હતા. એટલું જ નહીં, પાલેજ નગરના પ્રતિષ્ઠિત જૈન ગૃહસ્થ ઉત્તમચંદ નેમચંદના દીકરી જયાબેન સાથે પણ ઘરોબો. હતો.

ઇંગ્લૅન્ડથી દેશ જાય ત્યારે હાસ્યકાર શહાબુદ્દિનથી લઇને ઉપર્યુક્ત પરિચિતોનો અચૂક સમ્પર્ક કરે, મુલાકાત કરે અને સંતોષ અનુભવે. યુ.કે. આવતાં પહેલાં ટાન્ઝાનિયા, આફ્રિકાના દારે સલામની આગાખાન હસ્તક ચાલતી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા બજાવતા હતા. યુ.કે. આવીને પ્રેસ્ટન સ્થિત થયા ત્યારે સ્થાનિક મસ્જિદના વહીવટમાં અને સામાજિક ઉત્કર્ષની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા. પ્રેસ્ટન મુસ્લિમ સોસાયટીના ઉપક્રમે આપે પ્રેસ્ટન કોલેજ હોલમાં ગુજરાતી મુશાયરાનું આયોજન કરીને ભારતીય દૂતાલયના સહાયક અધિકારીને અતિથિ વિશેષ તરીકે નિમંત્રેલા. મુશાયરાની પંક્તિ હતી:

‘વતનથી દૂર પણ દિલ તો અમારું બસ વતનમાં છે’

બીજો એક યાદગાર મુશાયરો, પ્રેસ્ટન મુસ્લિમ સોસાયટી, પૂર્વ લેંકેશાયર, મસ્જિદ કાઉન્સિલ પ્રેસ્ટન શાખા ઉપરાંત ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના સંયુક્ત આશ્રયે ૯.૮.૧૯૯૨ના રોજ પ્રેસ્ટનના માનનીય હેરોલ્ડ પારકરના અતિથિપદે યોજાયો હતો. પંક્તિ જાણીતા ગુજરાતી શાયર ‘ગની’ દહીંવાલાની હતી:

‘હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે’

વિજ્ઞાન સ્નાતક હોવા છતાં ગુજરાતી – ઉર્દૂ સાહિત્ય પ્રત્યે ભારે રસ રુચિ! ક્ષમતા હોવા છતાં, પોતે ન લખે. અભ્યાસ દરમિયાન મારા હસ્તલિખિત “પ્રકાશ” માસિકના ઇદ અંક માટે “નિર્ધનની ઇદ” શિર્ષકવાળી ટૂંકી વાર્તા ‘મુનીર’ ટંકારવી નામે લખી હતી. કિશોર અવસ્થામાં મારો સાહિત્ય શોખ અને અભિરુચિ પિછાણી મને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ મારો કાવ્ય સંગ્રહ “વેદના સંવેદના” ઇબ્રાહીમભાઇ કબીરને સન ૨૦૦૩માં મેં અર્પણ કરેલો છે.

ઇબ્રાહીમભાઇ કબીરના દાદાજીએ ગાંધીજી આયોજિત સ્વાતંત્ર્ય સંગ્રામ તથા દાંડીકૂચમાં ભાગ લીધો હતો. એટલે તેમના દાદાજી ગાંધીજીના સંબંધથી  ‘મહાત્મા’ તરીકે ઓળખાતા હતા.

મુસ્લિમ પટેલ કોમના ભાવિ માટે ચિંતિત રહેતા.

ઇબ્રાહીમભાઇ કબીર વિનમ્ર, વિવેકી અને શાંત, ધીર ગંભીર સ્વભાવના હતા. તેમ છતાં, સમોવડ સ્નેહી તથા મનમેળ હોય એવા મિત્રો સાથે નિર્દોષ ટીખળ થકી રમૂજ ઉપજાવવાની વિનોદવૃત્તિ sense of humour પણ ધરાવતા હતા.

અલ્લાહ મગફેરત કરે, બહોત હમદર્દ ઇન્સાન થા!

2 Comments on “Ibrahim Adam Kabir

    • SALAM

      Magar (But) kaha gaye wo log ???
      Tankariya.. My home kaha gaya ???
      Un controlled/Monitored funds from abroad leads to ???????
      Who was leading whole community of vora patel of Bharuch+vadodara+Surat, Now !!!
      Wo andhere bhale the jab kadam rahe rast pe the.
      Gustakhi maaf.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*