Ghazal of the Month - આ મહિનાની ગઝલ ...
ગઝલ
□ મસ્ત ‘હબીબ’ સારોદી
ભગ્નાશ હ્રદયમાં આશાઓ, હદ પાર વિનાની આવે છે
બસ કર તું હવે તો ઓ દાતા, હદ તારી દયાની આવે છે
આ મસ્ત ઘટા, મદમસ્ત હવા, મોસમની ખુમારી પણ તોબા
વિસરાઇ ગઇ જે મુશ્િકલથી, તે યાદ કહાની આવે છે
યુગોની હકીકત એક જ છે, ચર્ચાનો વિષય થઇ હર યુગમાં
દુનિયાના મુખે મારી સાથે તારી જ કહાની આવે છે
પોતે જ હું મારો રેહબર છું, ચાલું છું હું મારા પંથ ઉપર
રાહી એ નથી ઇર્ષ્યાનો વિષય, ઇર્ષ્યા તને શાની આવે છે
આ મારા વિષાદી જીવનની શું વાત કહું તુજને સહચર
દિવસ તો રહ્યા દિવસ, રાતો પણ ઊંઘ વિનાની આવે છે
આ પ્રેમની વાતોમાંય ‘હબીબ’ અવકાશ રહે છે નિંદાને
બે પાગલ હૈયાંની વચ્ચે ડાહ્યા અને જ્ઞાની આવે છે
